યુકેમાં ભારતીયો સહિત કાયમી વસવાટની પરવાનગી મેળવનારાની સંખ્યા ૭૩ ટકા ઘટી

‘ગ્રાન્ટ ઓફ સેટલમેન્ટ’ મારફત કાયમી રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા બાળકો, પાર્ટનર્સ અને આશ્રિત સગાંઓની સંખ્યા ઘટવાથી ‘સ્કાપી ફેમિલિઝ’ની સંખ્યા વધી ઃ એન્ટ્રી ક્લીઅરન્સ વિઝાની સંખ્યા ૨૦૦૬ના વર્ષમાં ૭૦,૧૧૯ હતી તે લગભગ ૪૬ ટકા ઘટીને ગયા વર્ષે માત્ર ૩૮,૧૧૯ થઈ

Thursday 19th October 2017 02:44 EDT
 

  લંડનઃ તાજેતરના રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે યુકેમાં રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા ભારતીયો સહિતના વિદેશીઓની સંખ્યામાં ૨૦૦૬ પછી ધરખમ ૭૩ ટકાનો ઘટાડો થયો છે. ધ ઈન્ડિપેન્ડન્ટ દ્વારા ઈમિગ્રેશન સ્ટેટેસ્ટિક્સના વિશ્લેષણમાં જણાયું છે કે યુકેમાં ‘ગ્રાન્ટ ઓફ સેટલમેન્ટ’ મારફત કાયમી રહેવાની પરવાનગી અપાઈ હોય તેવા બાળકો, પાર્ટનર્સ અને આશ્રિત સગાંઓની સંખ્યા ઘટી છે, જેના પરિણામે ‘સ્કાપી ફેમિલિઝ’ની સંખ્યા વધી ગઈ છે. કેમ્પેઈનર્સ અને રાડકારણીઓનું કહેવું છે કે નિયમોમાં પરિવર્તનો દ્વારા ઈમિગ્રેશન પર અંકુશ લાવવાની કન્ઝર્વેટિવ પાર્ટીની નીતિના કારણે લોકો પોતાના બ્રિટિશ પરિવારો સાથે જોડાવા અક્ષમ બન્યાં છે.

લિવરપૂલની રત્ના શ્રીવાસ્તવે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે, ભારતમાં લગ્ન થયા પછી તેનો પતિ એક વર્ષ કરતા વધુ સમયથી યુકેમાં આવી શક્યો નથી. તેણે કહ્યું હતું કે,‘હું એક વર્ષ અગાઉ પરણી હતી. પતિને યુકે લાવવા માટે મારે વાર્ષિક આશરે ૧૮,૬૦૦ પાઉન્ડ કમાવા પડે અને લાંબા સમય સુધી નિયત બેન્ક બેલેન્સ હોવું જોઈએ. મારી એટલી કમાણી નથી આથી,તે હજુ મારાથી દૂર જ છે અને અમે રોજ વાત જ કરી શકીએ છીએ. આ પીડાદાયી છે. મારું લગ્ન આવું બની જશે તેની મને કલ્પના પણ ન હતી.’ યુકેમાં કાયમી નિવાસની અરજી કરવા માટે બે વર્ષ રહેવાનો નિયમ હતો, જેમાં ૨૦૧૨માં ફેરફાર કરી આ સમયગાળો પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો. આના કારણે પણ રહેવાની પરવાનગી મળવામાં ભારે ઘટાડો નોંધાયો હતો અને આ ફેરફાર પછી તો ૭૭ ટકાનો ઘટાડો થયો છે. બ્રિટિશ નાગરિકોના પાર્ટનર્સને અપાતા વિઝામાં ૨૦૦૬થી ૪૫ ટકાનો ઘટાડો થયો છે અને સફળતાનો દર ૮૬ ટકાથી ઘટી ૭૬ ટકા થયો છે.

યુકેમાં રહેતા આશ્રિત સગાંને સપોર્ટ-ટેકાની જરૂર હોય તેવા પરિવારના ‘અન્ય’ સભ્યોને અપાતાં એન્ટ્રી ક્લીઅરન્સ વિઝામાં ૫૭ ટકા જેટલો નાટ્યાત્મક ઘટાડો જોવાં મળ્યો છે. આનો અર્થ એ હતો કે અક્ષમ પરિવારજનોની સારસંભાળ લેવા માટે ઘણા ઓછાં વિદેશીઓ યુકે આવી શકતા હતા. યુકેમાં નેચરાલાઈઝ્ડ બ્રિટિશ ભારતીયોના વૃદ્ધ માતાપિતા-પેરન્ટ્સને વસવાટના અધિકારો માટે ‘Brit Cits’ ગ્રૂપ લડત ચલાવતું હતું પરંતુ, લાંબા સમયના પ્રયાસ પછી પણ તેના અભિયાનને સફળતા મળી નહિ.

ધ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર પરિવારજનો બ્રિટનમાં રહેવાની અરજી કરવા આવી શકે તે માટે મેળવવાના રહેતા એન્ટ્રી ક્લીઅરન્સ વિઝાની સંખ્યા ૨૦૦૬ના વર્ષમાં ૭૦,૧૧૯ હતી તે લગભગ ૪૬ ટકા ઘટીને ગયા વર્ષે માત્ર ૩૮,૧૧૯ થઈ હતી.

જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ (JCWI) ના લીગલ અને પોલિસી ડિરેક્ટર ચાઈ પટેલે ધ ઈન્ડિપેન્ડન્ટને જણાવ્યું હતું કે,‘થોડી સંખ્યામાં જીવનસાથીઓ અને બાળકોને યુકેસ્થિત તેમના પાર્ટનર્સ અને પેરન્ટ્સ સાથે જોડાવા પરમિશન અપાઈ તે શરમની વાત છે અને પરિણામે આપણે વધુ ગરીબ દેશ બન્યા છીએ. આ તો હિમશિલાની ટોચ માત્ર છે. આ સરકારને યુકેને ઈમિગ્રન્ટ્સ માટે શત્રુતાપૂર્ણ બનાવવાનું ભૂત માથે ચડેલું છે અને તેનાથી વિકસિત દેશોમાં સૌથી કઠોર ફેમિલી માઈગ્રેશન સિસ્ટમ્સમાં એકનું સર્જન થયું છે. ઈન્ટિગ્રેશન અને કોમ્યુનિટીઓ સફળ થાય તે માટે પેરન્ટ્સને બાળકોથી જુદાં રાખવાં ન જોઈએ, કે પ્રેમ કરતા પાર્ટનર્સને અલગ દેશોમાં રહેવાની ફરજ પાડવી ન જોઈએ. આપણી પાસે પારિવારિક જીવનનું સન્માન કરતી ઈમિગ્રેશન સિસ્ટમ હોવી જોઈએ.’

શેડો હોમ સેક્રેટરી ડાયેના એબોટે આંકડાઓ વિશે પ્રતિભાવ આપતાં ધ ઈન્ડિપેન્ડન્ટને જણાવ્યું હતું કે,‘ એક સાંસદ તરીકે મેં આ હૃદયદ્રાવક વાતો સાંભળી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પરિવારોને અલગ પાડવા અને બાળકોના કલ્યાણની ગેરકાયદે અવહેલના કરવી, તે ટારી સરકારની નિષ્ફળ ઈમિગ્રેશન નીતિનું પ્રત્યક્ષ પરિણામ છે. નેટ ઈમિગ્રેશન ૧૦૦,૦૦૦થી નીચે લઈ જવાનું તેમનું લક્ષ્યાંક કદી પૂર્ણ થયું નથી પરંતુ, તેને હાંસલ કરવા તેઓ મરણિયા થઈ નુકસાનકારી અને ક્રૂર નીતિઓ અમલી બનાવવા ઈચ્છે છે.’

સીમા મલ્હોત્રાએ ૨૦૧૭ની ચૂંટણી વેળા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘થેરેસા મેની ઈમિગ્રેશન નીતિઓએ પરિવારોને વેરવિખેર કરી નાંખ્યા છે.’ સીમા મલ્હોત્રાને તેમના કેટલાક મતદારોએ આ મુદ્દે ફરિયાદ પણ કરી છે. હોમ ઓફિસના પ્રવક્તાએ એમ કહ્યાનું મનાય છે કે,‘બ્રિટિશ પ્રજા નેટ ઈમિગ્રેશનને ઘટતું જોવા બાબતે સ્પષ્ટ છે અને સરકાર તે જ કરી રહી છે. યુકેમાં વસવાટ કરનારાઓના વિદેશી પાર્ટનર્સ અને બાળકોને આવકારવાનું અમે ચાલુ રાખીશું પરંતુ, તેઓ નાણાકીય રીતે પગભર હોય તે પણ મહત્ત્વનું છે. સુપ્રીમ કોર્ટે કરદાતાઓ પર બોજો નાખતા અટકાવવા ફેમિલી માઈગ્રેશન માટે આવકમર્યાદા સ્થાપિત કરવાના અને માઈગ્રન્ટ પરિવારો આપણી કોમ્યુનિટીઓમાં ભળે તે ચોક્કસ કરવાના અભિગમને સમર્થન આપ્યું છે.’

વિઝા ફીમાં ઘરખમ વધારો છતાં સેવાનું નીચું સ્તર

સપોર્ટ સર્વિસનો સંપર્ક કરવા માટે વિઝા અરજદારોને ચાર્જ કરવાની હોમ ઓફિસની યોજના સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. હવે એપ્લિકેશન ફી વધારવા સામે પણ ભારે ટીકા થઈ છે. યુકેના અગ્રણી અખબારના અહેવાલ અનુસાર હોમ ઓફિસ કેટલીક વિઝા અરજીઓ પર કથિતપણે ૮૦૦ ટકા સુધીનો નફો કરી રહી હતી. આ નફાનો માર્જિન એટલો લલચાવનારો હતો કે વારંવાર અરજીઓ કરાવવા માટે અરજી રિજેક્ટ કરવાને ઉત્તેજન અપાતું હતું.

આશ્રિતને અચોક્કસ મુદત માટે રહેવાની પરવાનગી મેળવવાનો ખર્ચ ૩,૦૦૦ પાઉન્ડ કે તેનાથી વધુ થતો હતો પરંતુ, હોમ ઓફિસને તેની પ્રોસેસ પાછળ માત્ર ૪૨૩ પાઉન્ડ ખર્ચ થતો હતો. આનો અર્થ એ કે એરજીની પ્રોસેસની સરખામણીએ અરજી કરવાનો ખર્ચ ૬૮૮ ટકા વધુ થતો હતો. હોમ ઓફિસના આંકડામાં નોંધાયેલા મોટા ભાગના વિઝાની અરજી કરવાનો ખર્ચ તેની પ્રોસેસ પાછળના ખર્ચ કરતા ઘણો વધુ રહે છે. વધુપડતી વિઝા ફી અંગે પૂછવામાં આવતા હોમ ઓફિસે કથિતપણે એવી ટીપ્પણી કરી હતી કે ઊંચી ફી યોગ્ય જ છે. તેની દલીલ એવી હતી કે બોર્ડ પર અંકુશ જાળવવા કરદાતા માથેના બોજને હળવો રાખવા જ ઊંચી ફી લેવાય છે. કોઈ ભંડોળ મેળવતાં ન હોય તેવા વિસ્તારોમાં પણ સિટિઝનશિપ અને ઈમિગ્રેશનના સંચાલનનો ખર્ચ પણ તેમણે દર્શાવ્યો હતો.

લંડનના રેસ્ટોરાંમાં ૫૦૦,૦૦૦ પાઉન્ડનું રોકાણ કરી ૨૦થી વધુ કર્મચારીની ભરતી કરનારા ૨૮ વર્ષીય એન્ટ્રેપ્રીન્યોર અનોખી મહેરાએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને ફરિયાદ કરી હતી કે આટલું ભારે રોકાણ કર્યા પછી પણ એન્ટ્રેપ્રીન્યોર વિઝાના રીન્યુઅલ માટે સાત કરતા વધુ મહિનાથી હોમ ઓફિસ પાસે છે, જેના કારણે તેઓ ભારતમાં બીમાર પરિવારને મળવા જઈ શકતા નથી. તેમણે જણાવ્યું હતું કે, ‘આ માત્ર નાણાની વાત નથી. ઘણી વખત ખોટા સ્પેલિંગ પણ મુશ્કેલી સર્જે છે. મારાં બાયોમેટ્રિક કાર્ડ માટે નવ મહિના રાહ જોયાં પછી તે આવ્યું ત્યારે મારું નામ ખોટું લખાયું હતું. અમારા વિઝા રિન્યુઅલ માટે ભારે રકમ ચુકવીએ છીએ છતાં સેવાનું સ્તર ઘણું નીચું છે. મારાં સાંભળવા મુજબ તો કેટલાક કિસ્સામાં બે કરતા વધુ વર્ષ લાગ્યાં હતાં.’

કોઈ કંપનીએ ઈયુ બહારથી કોઈની ભરતી કરવી હોય તો કંપનીએ સ્પોન્સર ફી તરીકે પ્રતિ અરજદાર ૧,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ ચુકવવી પડે છે. આના પરિણામે, કંપનીઓ નોન બ્રિટિશની ભરતી કરતા ખચકાય છે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter