યુકેમાં મરવાનું પણ મોંઘું થયું!

મિડલેન્ડ્સ, વેલ્સ, સાઉથઈસ્ટ અને ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ સહિતના વિસ્તારોમાં ફ્યુનરલ-અંતિમવિધિ માટે સરેરાશ ખર્ચમાં નવ ટકાનો ભારે વધારો

Tuesday 25th February 2020 09:40 EST
 
 

લંડનઃ હવે યુકેમાં મરવાનું પણ મોંઘું થઈ રહ્યું છે. એક નવા સર્વે અનુસાર યુકેના ચોક્કસ વિસ્તારોમાં ફ્યુનરલ-અંતિમવિધિ માટે સરેરાશ ખર્ચમાં નવ ટકાનો ભારે વધારો થયો છે. આ વિસ્તારોમાં મિડલેન્ડ્સ, વેલ્સ, સાઉથઈસ્ટ અને ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે પરિવારો વધુ વિસ્તૃત અને પર્સોનાલાઈઝ્ડ ફ્યુનરલ વિકલ્પો પસંદ કરતા હોવાથી પણ સમગ્રતયા ખર્ચમાં વધારો થાય છે.

ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર સનલાઈફ દ્વારા ‘કોસ્ટ ઓફ ડાઈંગ’ નામના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે યુકેમાં સરેરાશ ફ્યુનરલ ખર્ચ ૩.૧ ટકા વધારા સાથે ૯,૪૯૩ પાઉન્ડ થાય છે. આ ખર્ચમાં બેઝિક ફ્યુનરલ (અંતિમવિધિ) ૪,૪૧૭ પાઉન્ડ, વિદાય ૨,૩૦૬ પાઉન્ડ અને પ્રોફેશનલ ફી ૨,૭૭૧ પાઉન્ડનો સમાવેશ થાય છે. આ જ રિપોર્ટ નોંધે છે કે લંડનમાં ઊંચા ખર્ચમાં ૧.૪ ટકાનો ધીમો વધારો થયો છે. આમ છતાં, લંડન અંતિમવિધિ બાબતે સૌથી ખર્ચાળ શહેર છે.

ફ્યુનરલ સેક્ટર ઊંચી કિંમતો અને ગ્રાહકો પ્રતિ પારદર્શકતામાં અભાવ બાબતે તપાસ અને ચકાસણીનો સામનો કરી રહેલ છે ત્યારે જ આ વિગતો બહાર આવી છે. આ સેક્ટરમાં ફૂગાવાથી વધુ કિંમતોના ૧૪ વર્ષ પછી કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી (CMA) દ્વારા ફ્યુનરલ માર્કેટમાં તપાસના પરિણામો સપ્ટેમ્બરમાં જાહેર કરાવાના છે. ઓથોરિટી દ્વારા સ્મશાનગૃહોની સેવાના ખર્ચને પણ સ્પષ્ટ કરાયો છે, જ્યાં સૌથી મોટા ખાનગી ઓપરેટરો ગત આઠ વર્ષમાં દર વર્ષે ૬થી ૮ આઠ ટકાનો ભાવવધારો કરતા આવ્યા છે.

CMA દ્વારા જણાવાયું છે કે ગ્રાહકો વિવિધ ફ્યુનરલ પ્રોવાઈટર્સની રેન્જ પર નજર રાખી ૧૦૦૦ પાઉન્ડ જેટલી બચત કરી શકે છે પરંતુ, માર્કેટની સામગ્રીઓ અથવા વેબસાઈટ્સ પર નિશ્ચિત ભાવ સ્પષ્ટપણે દર્શાવાયા ન હોવાથી શોકાતુર પરિવારો સસ્તાં ડીલ શોધવાની હાલતમાં હોતાં નથી.

ધ નેશનલ એસોસિયેશન ઓફ ફ્યુનરલ ડાયરેક્ટર્સ જણાવે છે કે આ રિસર્ચમાં ભાવવધારાનું સૌથી મોટું કારણ પ્રોબેટ સાથે સંકળાયેલી પ્રોફેશનલ ફી તેમજ ફરજિયાત દફનવિધિ અને અગ્નિદાહ ફીમાં વધારો છે. તાજેતરના વર્ષોમાં મોટા ભાગના ફ્યુનરલ ડાયરેક્ટર્સે તેમની પ્રોફેશનલ ફી યથાવત રાખી છે અને ઘણી વખત ઘટાડી પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter