લંડનઃ બ્રિટનમાં સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીના વર્ષમાં પોલીસ સમક્ષ નોંધાયેલા ક્રાઈમમાં ૧૪ ટકાનો ઉછાળો આવ્યો છે. ક્રાઈમ સર્વે ફોર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ અનુસાર ૫.૩ મિલિયન અપરાધી ઘટનાઓમાં ગન અને ચાકુના ગુનામાં ૧૯૯૦ પછી સૌથી વધુ ઉછાળો આવ્યો છે. લૂંટફાટના ગુનાઓ ૨૯ ટકા, સેક્સ્યુઅલ ગુના ૨૩ ટકા અને હિંસાના ગુના ૨૦ ટકા વધ્યા છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જાહેર ક્રાઈમ સર્વે ફોર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ અનુસાર મોટા ભાગના ગુનાઓમાં ઘટાડો થયો છે. જોકે, ચાકુ અને ગદન કેટેગરી સહિત હિંસક ગુના વધ્યા છે. ગત વર્ષની સરખામણીએ નાઈફ ક્રાઈમ ગુનામાં ૨૧ ટકા અને ગન ક્રાઈમમાં ૨૦ ટકાનો વધારો થયો છે. પોલીસ દળોએ ચાકુ સંબંધિત ૩૭,૪૪૩ અને ગન સંબંધિત ૬,૬૯૪ ગુના નોંધ્યા હતા.
અન્ય આંકડા જણાવે છે કે સપ્ટેમ્બર ૨૦૧૭ના અંત સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સના ૪૩ પોલીસ દળોમાં ૧૨૧,૯૨૯ પોલીસ અધિકારી હતા, જે ૧૯૯૬માં રેકોર્ડ્સ શરુ કરાયા તે પછી સૌથી ઓછાં હતા.
અપરાધોમાં શું ફેરફાર?
કુલ નોંધાયેલા ગુના- ૧૪ ટકા વધ્યા
વ્યક્તિ વિરુદ્ધ હિંસા- ૨૦ ટકા વૃદ્ધિ
જાતીય ગુના-૨૩ ટકા વધ્યા
રોબરી- ૨૯ ટકાનો વધારો
ચોરી- ૧૧ ટકાનો વધારો
ફ્રોડ- ૭ ટકાનો વધારો
ડ્રગ્સ ગુના- ૬ ટકાનો ઘટાડો


