લંડનઃ યુએન વિમેન યુકેના તાજા સર્વે અનુસાર યુકેમાં લગભગ તમામ યુવાન મહિલાઓ સેક્સ હેરેસમેન્ટનો શિકાર બની છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે આ દુરાચરણ સામે પગલાં લેવાશે તે મુદ્દે મોટા ભાગની મહિલાએ વિશ્વાસ ગુમાવી દીધો છે. ૧૮-૨૪ વયજૂથની ૯૭ ટકા મહિલાએ તેમની જાતીય કનડગત થયાનું જણાવ્યું હતું જ્યારે તમામ વયજૂથમાં ૮૦ ટકાએ તેઓ જાહેર સ્થળોએ જાતીય કનડગતનો શિકાર બન્યાનું જણાવ્યું હતું.
યુગવના ૧૦૦૦થી વધુ સ્ત્રીના સર્વેમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો નિકાલ કરવાની યુકે ઓથોરિટીઝની ઈચ્છા કે ક્ષમતામાં અવિશ્વાસ બહાર આવ્યો છે. ૯૬ ટકાએ કનડગતની ઘટનાનો રિપોર્ટ કર્યો ન હતો જેમાંથી ૪૫ ટકાએ કહ્યું હતું કે તેનાથી કોઈ બદલાવ આવવાનો ન હતો. યુએન વિમેન યુકેના સેફ સ્પેસીસ નાઉ પ્રોજેક્ટ અન્વયે સંસ્થાએ ૪૦૦ મહિલાની સ્ટોરી એકત્ર કરી હતી અને નેતાઓને ખુલ્લો પત્ર પાઠવી સારી રીતે ડિઝાઈન કરાયેલા જાહેર સ્થળો, રિપોર્ટિંગ સિસ્ટમમાં સુધારો અને શિક્ષણ માટે હાકલ કરી હતી.
એવરીડે સેક્સિઝમ પ્રોજેક્ટના સ્થાપક લૌરા બેટ્સનાં જણાવ્યાં અનુસારTUC/Everyday Sexismના સંશોધનમાં જણાયું હતું કે ૫૨ ટકા સ્ત્રીને કામકાજના સ્થળે જાતીય હેરાનગતિનો અનુભવ થયો હતો. ૨૦ ટકાએ તેનો રિપોર્ટ કર્યો હતો જેમાંથી ૭૫ ટકાએ કહ્યું હતું કે કશું બદલાયું નથી. બીજી તરફ, ૧૬ ટકાએ એમ પણ જણાવ્યું કે આના પરિણામે તેમની સાથે વધુ ખરાબ વ્યવહાર થવા લાગ્યો હતો.


