લંડનઃ સમગ્ર વિશ્વમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે લૈંગિકતાની ખાઈમાં ગયા વર્ષે ઘટાડો અવશ્ય થયો છે પરંતુ, તેને અદૃશ્ય થતાં હજુ એક સદી લાગી જશે તેમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF)ના રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં વિશ્વ રેન્કિંગમાં યુકેનો ક્રમ ૧૫થી નીચે ઉતરીને ૨૧મા ક્રમે પહોંચ્યો છે. બીજી તરફ, કેનેડા, આલ્બેનિયા, કોસ્ટા રિકા, લેટવિયા અને સ્વિટ્ઝર્લેન્ડ તેમની લૈંગિકતા ખાઈ સંબંધે પ્રગતિમાં આ વર્ષે હરણફાળ લગાવીને બ્રિટનથી આગળ નીકળી ગયા છે. આઇસલેન્ડ જાતિ સમાનતા મુદ્દે સતત ૧૧મા વર્ષે પણ પ્રથમ ક્રમે છે.
ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત ૧૧૨ (ગત વર્ષે ૧૦૮)મા ક્રમે નીચે ધકેલાયું છે. ભારત કરતાં નેપાળ (૧૦૧) અને બાંગલાદેશ (૫૦)ની સ્થિતિ વધુ સારી છે. અન્ય દેશોમાં ચીન ૧૦૬, અમેરિકા ૫૩, શ્રીલંકા ૧૦૨, બ્રાઝિલ ૯૨, ઇન્ડોનેશિયા ૮૫, પાકિસ્તાન ૧૫૧, ઇરાક ૧૫૨ અને યમન ૧૫૩મા ક્રમે છે. સ્વિટ્ઝર્લેન્ડસ્થિત આ સંસ્થાનો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ ચાર મુખ્ય પરિબળ- આર્થિક ભાગીદારી અને તકો, શૈક્ષણિક સિદ્ધિ, સ્વાસ્થ્ય અને જીવનરક્ષા તથા રાજકીય સશક્તિકરણના માપદંડ પર જાતિ સમાનતાનું મૂલ્યાંકન કરે છે. ફોરમે આગાહી કરી છે કે વિશ્વમાં ઉચ્ચસ્તરે નેતૃત્વની ભૂમિકા હાથ ધરવા છતાં સ્ત્રીઓને પુરુષની સમકક્ષ થવામાં હજુ ૯૯.૫ વર્ષ લાગી જશે. ઘણી સ્ત્રીઓએ યુરોપિયન સેન્ટ્રલ બેન્ક, વર્લ્ડ બેન્ક, તેમજ ફિનલેન્ડ, જર્મની અને ન્યૂ ઝીલેન્ડ સહિતના દેશોમાં ઉચ્ચ સ્થાન હાંસલ કરવા છતાં, સમગ્ર વિશ્વમાં પ્રધાનસ્તરના હોદ્દાઓ પર સ્ત્રીઓ માત્ર ૨૧.૨ ટકા હોદ્દા મેળવવા સાથે રાજકીય વગમાં તેમની પ્રગતિ ધીમી છે. રિપોર્ટ જણાવે છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા ભારે ઝડપથી વિકસતા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું રહેવાથી ગત વર્ષે આર્થિક અસમાનતાની ખાઈમાં ખરેખર વધારો થયો છે. ઓટોમેશનના કારણે સ્ત્રીઓને સૌથી વધુ નુકસાન સહન કરવું પડશે.
સંસ્થાના સ્થાપક ચેરમેન ક્લાઉસ શ્વાબે જણાવ્યું હતું કે વિશ્વ ઈકોનોમિક ફોરમ સ્ત્રી-પુરુષ અસમાનતાની ખાઈ ઘટાડવાના પ્રયાસો વેગીલા બનાવવા સરકારો અને બિઝનેસીસ સાથે સતત કામ કરી રહેલ છે. ગત વર્ષના રિપોર્ટમાં જણાવાયું હતું કે અસમાનતાની ખાઈ પૂરાતા હજુ ૧૦૮ વર્ષ લાગશે પરંતુ, હવે જણાવાયું છે કે આગામી દાયકામાં ‘રોલ મોડેલ ઈફેક્ટ’થી પરિવર્તનમાં ગતિ આવશે.


