યુકેમાં વંશીય ભેદભાવનો અંત નજીકઃ હવે ‘BAME’ શબ્દપ્રયોગ બંધ કરાશે

Wednesday 23rd March 2022 06:52 EDT
 
 

લંડનઃ સરકારે યુકેમાં જાતિય-વંશીય તફાવતોનો અંત લાવવા નવી લાંબા ગાળાની ‘ઈન્ક્લુઝિવ બ્રિટન’ નીતિ જાહેર કરી છે જેમાં પોલિસીંગ, હેલ્થ અને શિક્ષણક્ષેત્રમાં 70થી વધુ પગલાંનો સમાવેશ કરાયો છે. યુકે સરકારે રેસિયલ ડિસ્પેરિટીઝ વિશે સેવેલ ઈન્ક્વાયરીના પ્રતિસાદરુપે પોલીસ દ્વારા સર્ચ એન્ડ સ્ટોપ સત્તાના કરાતા ઉપયોગની કડક ચકાસણી તેમજ એથનસિટી ડેટાના સંગ્રહમાં સુધારા, બ્રિટનના સંકુલ-જટિલ ઈતિહાસને શીખવવા આદર્શ અભ્યાસક્રમ ઉપરાંત, સરકાર દ્વારા ‘બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME)‘ શબ્દપ્રયોગ બંધ કરાશે તેમ જાહેર કર્યું છે.

વર્ષ 2020માં બ્લેક લાઈવ્ઝ મેટર ચળવળોના પ્રતિસાદમાં ‘ઈન્ક્લુઝિવ બ્રિટન’ એક્શન પ્લાન જાહેર કરાયો છે. કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસપેરિટીઝ દ્વારા વિશ્વાસ નિર્માણ, વાજબીપણા અને એજન્સીની સ્થાપનાના ત્રણ ચાવીરુપ મુદ્દા હેઠળ સુધારાઓની શ્રેણીબદ્ધ ભલામણો કરવામાં આવી છે. સરકારે રેસિઝમના અસ્તિત્વનો સ્વીકાર કરવા સાથે અન્ય પરિબળોના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો છે. ઈન્ક્લુઝિવ બ્રિટન રિપોર્ટમાં કામકાજના સ્થળે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન પોલિસીઝના અમલ માટે એમ્પ્લોયર્સને માર્ગદર્શન તેમજ વર્કપ્લેસ ઈક્લવિટી ટ્રેનિંગને તપાસવા નિષ્ણાતોની નવી પેનલની ભલામણ પણ કરાઈ છે.

આ ભલામણોમાં • પોલીસની સ્ટોપ એન્ડ સર્ચ જેવી સત્તાઓ બાબતે નવા નેશનલ ફ્રેમવર્કની રચના જેના પર સ્થાનિક સ્તરે વ્યાપક ચકાસણી રહેશે • વંશીય લઘુમતી અને અન્યો પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તેમને કાનૂની સલાહની મદદ કરવા આપમેળે ‘ઓપ્ટ-ઈન’ પાઈલોટ યોજના • તમામના આરોગ્યની સુધારણા માટે નવી ઓફિસ ફોર હેલ્થ ઈમ્પ્રુવમેન્ટ એન્ડ ડિસ્પેરિટીઝની સ્થાપના • નવા જ્ઞાનસમૃદ્ધ આદર્શ ઈતિહાસ (Model History)ને વિકસાવવા ઈતિહાસવિદોની વૈવિધ્યપૂર્ણ પેનલ • 2024 સુધીમાં બ્રિટનના ઐતિહાસિક ભૂતકાળને ખોજતો અભ્યાસક્રમ • વંશીયતાની વેતનખાઈ માપવા અને તેનું નિરાકરણ લાવવા એમ્પ્લોયર્સને ગાઈડન્સ- નો સમાવેશ થાય છે.

ગયા વર્ષે યુકેમાં વંશીય લઘુમતીઓ દ્વારા સામનો કરાતા અનેક પડકારો માટે સંસ્થાગત રેસિઝમ જવાબદાર હોવાને નકારતા તેમજવંશીય લઘુમતી કોમ્યુનિટીઝની સામે વ્યવસ્થાના અવરોધ અને રેસિઝમની અસરને હળવી ચીતરવા બદલ સ્વતંત્ર સેવેલ કમિશનની ભારે ટીકા કરાઈ હતી. જેના પગલે ગયા મહિને સમગ્ર દેશમાં તકોના વધુ સમાનતા સાથે પ્રસાર કરવાનો ઉદ્દેશ ધરાવતું લેવલિંગ અપ વ્હાઈટ પેપર પ્રકાશિત કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter