લંડનઃ યુકેની અન્ય વંશીય લઘુમતી જૂથોની સરખામણીએ ભારતીય, બંગાળી અને પાકિસ્તાની સહિતની સાઉથ એશિયન કોમ્યુનિટીઓને કોવિડ-૧૯ના બીજા મોજાંની તીવ્ર અસર થઈ હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ એક અભ્યાસમાં જણાવાયું છે. અસરના મુખ્ય કારણ તરીકે મોટા પરિવારોને ગણાવી અટકાવના યોગ્ય પગલા જરુરી હોવાનું સંશોધકોએ જણાવ્યું છે. કોરોના વાઈરસના પહેલા મોજામાં તમામ વંશીય લઘુમતી કોમ્યુનિટીઓને સંક્રમણની તીવ્ર અસર થઈ હતી.
યુકેમાં કોરોના વાઈરસ મહામારીની બીજી લહેરમાં દેશની સાઉથ એશિયન કોમ્યુનિટીઓના લોકો મોટા પ્રમાણમાં કોવિડ માટે ટેસ્ટ પોઝિટિવ થવાની, અન્ય વંશીય લઘુમતી જૂથોની સરખામણીએ વધુ બીમાર અને મૃત્યુ પામવાની શક્યતા વધુ હોવાનું નવા અભ્યાસમાં જણાવાયું છે. ફેબ્રુઆરી-સપ્ટેમ્બર ૨૦૨૦ના પ્રથમ કોરોના મોજામાં લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ પેપરમાં શ્વેત લોકોની સરખામણીએ અન્ય આરોગ્ય સમસ્યાઓને ગણતરીમાં લેતાં તમામ વંશીય લઘુમતી સમુદાયોને ટેસ્ટ પોઝિટિવ થવાનું, હોસ્પિટલમાં તેમજ ઈન્ટેન્સિવ કેરમાં દાખલ થવા અને મોતને ભેટવાનું ભારે જોખમ હોવાનું જણાવાયું હતું.
જોકે, નવેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ના બીજા કોરોના વાઈરસ મોજામાં બંગાળી, પાકિસ્તાની અને ભારતીય સહિતની સાઉથ એશિયન કોમ્યુનિટીઓ સિવાય અન્ય વંશીય લઘુમતી સમુદાયોની સ્થિતિ સારી રહી હતી. અભ્યાસના મુખ્ય આલેખક અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડો. રોહિણી માથુરના જણાવ્યા અનુસાર ‘પ્રથમ મોજાંની સરખામણીએ બીજા મોજામાં મોટા ભાગના વંશીય લઘુમતી જૂથોમાં સુધારો જોવાં મળ્યો છે ત્યારે સાઉથ એશિયન જૂથોમાં જે વ્યાપક તફાવત દેખાયો છે તે ચિંતાજનક છે.’ સંશોધકોએ જણાવ્યું છે કે અશ્વેત, એશિયન, વ્હાઈટ અને અન્ય જૂથોની સરખામણીએ સાઉથ એશિયન પરિવારોમાં સભ્યોની સંખ્યા વધુ હોય છે તેના સાથે મોટા પ્રમાણમાં ટેસ્ટ પોઝિટિવ થવાનું ઊંચુ જોખમ સંકળાયેલું છે.
૨૦૧૧ના સેન્સસ મુજબ સાઉથ એશિયન સમુદાયોના ૨૧ ટકા અનેક પેઢીઓના પરિવારોમાં રહે છે જ્યારે શ્વેત લોકોમાં આ પ્રમાણ ૭ ટકાનું જ છે. આ ઉપરાંત, જીવનધોરણ, આવકનું પ્રમાણ, શારીરિક વજન, બ્લડ પ્રેશર અને અન્ય આરોગ્ય સમસ્યાના પરિબળો પણ કામ કરે છે. સંપત્તિ અને આવકમાં વિસંગતિ હોવાથી સાઉથ એશિયન સમુદાયોના ઘણા લોકો ઘરમાં રહીને કામ કરી શકતા નથી અથવા તેમના એમ્પ્લોયર્સ તેમને આ વિકલ્પ પૂરો પાડતા નથી. આના પરિણામે, તેઓને પ્રવાસ તેમજ બહાર કામ કરવા જવું પડે છે અને સંક્રમણ સામે તેમની અસલામતી વધે છે.
આ પ્રકારના સૌથી મોટા અભ્યાસને મેડિકલ રિસર્ચ કાઉન્સિલ દ્વારા ભંડોળ અપાયું હતું તેમજ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના વિજ્ઞાનીઓ તેમાં જોડાયા હતા. અભ્યાસમાં સમગ્ર દેશના ૧૭ મિલિયન વયસ્કોના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું તેમજ વાઈરસની પ્રથમ અને બીજી લહેરના ડેટા સાથે સરખામણી કરાઈ હતી.