લંડનઃ યુકેમાં ડોમેસ્ટિક વાયોલન્સના શિકાર પુરુષોની ટકાવારીમાં ગયા વર્ષે વધારો થયો છે. સમગ્રપણે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પુખ્ત વયના ૧.૯ મિલિયન લોકોએ ઘરેલુ હિંસાનો શિકાર બન્યાનું જણાવ્યું છે, જેમાંથી ૧૦ ટકા યુવાન સ્ત્રીઓ સાથે તેમની સંખ્યા ૧.૨ મિલિયન અને પુરુષની સંખ્યા ૭૦૦,૦૦૦ હતી. ૧.૯ મિલિયન કેસમાંથી માત્ર ૧.૧ મિલિયન કેસને જ ગુના તરીકે નોંધવામાં આવ્યા હતા અને ૪૬ ટકા કિસ્સામાં જ ધરપકડ થઈ હતી.
ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧.૯ મિલિયન પુખ્ત લોકો જીવનસાથીઓ અથવા પરિવારના સભ્યો દ્વારા ઘરેલુ હિંસાનો શિકાર બન્યા હતા, જેમાં પુરુષોની સંખ્યા ત્રીજા હિસ્સાથી વધુ હતી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના નવા રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા વર્ષમાં પુરુષો અને સ્ત્રીઓ દ્વારા ઘરેલુ શોષણ કે દુરુપયોગ સંબંધિત ૧.૧ મિલિયન ઘટના પોલીસને રિપોર્ટ કરાઈ હતી. જોકે, વ્યાપક ક્રાઈમ સર્વેમાં રેકોર્ડ થયેલા ૧.૯ મિલિયન કિસ્સા કરતાં ફરિયાદની સંખ્યા ઘણી ઓછી છે. ડોમેસ્ટિક એબ્યુઝની વ્યાખ્યામાં ચોક્કસ હુમલાઓના બદલે નિયંત્રણ, બળજબરી કે ધાકધમકીનું વર્તન, હિંસા અથવા શોષણનો સમાવેશ થાય છે.
ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનતા પુરુષોની સંખ્યા ગત પાંચ વર્ષમાં ઘટતી ગઈ છે છતાં, તાજેતરના વર્ષોમાં પુરુષ વિક્ટીમ્સ તમામ પીડિતોમાં ઊંચી ટકાવારી ધરાવે છે. પુરુષ અને સ્ત્રી પીડિત વચ્ચેનો તફાવત ૫૨૨,૦૦૦નો છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી ઓછો છે. ઘણાં પીડિતોને ન્યાય મળતો નથી કારણકે ગત વર્ષે ૩૯ પોલીસ ફોર્સીસ દ્વારા રેકોર્ડ કરાયેલા પ્રતિ ૧૦૦ ડોમેસ્ટિક એબ્યુઝના કેસમાંથી માત્ર ૪૬ની ધરપકડ થઈ હતી. પોલીસે માર્ચ ૨૦૧૭ સુધીના વર્ષમાં ૯૩,૫૯૦ પ્રોસીક્યુશન કર્યા હતા જેમાંથી ૭૬ ટકા કે ૭૧,૦૦૦ જેટલાને સજા કરાઈ હતી. પારિવારિક અને ઘરેલુ વિવાદમાં ૩૧૯ મહિલા અને ૧૩૫ પુરુષની હત્યા થઈ હતી.


