લંડનઃ યુકેની વધતી વસ્તીના પ્રમાણમાં ઘરની ભારે અછત સર્જાઈ છે. યુકેના ૧૦૦ મોટા ટાઉન અને શહેરોમાંથી ત્રણ શહેર- બ્લેકબર્ન, સ્કારબરો અને બ્લેકપૂલમાં જ વસ્તીના પ્રમાણમાં આવાસનું નિર્માણ કરાયું છે. યુકેમાં ૨૦૧૧થી ૨૦૧૬ના ગાળામાં ૧.૬ મિલિયન વસ્તીનો વધારો થયો હતો, જેની સામે માત્ર ૪૦૫,૦૦૦ નવા ઘરનું નિર્માણ થયું છે. વધતી વસ્તીની માગને પહોંચી વળવા દર વર્ષે નવા ૨૫૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ ધર બાંધવા પડે તેમ છે.
લંડનની વસ્તીમાં ૨૦૧૧થી ૨૦૧૬ના ગાળામાં ૬૧૩,૯૫૧નો વધારો થયો હતો પરંતુ, માત્ર ૧૨૬,૭૨૦ મકાન એટલે કે, ૪.૮ નવા રહેવાસી દીઠ એક ઘર બાંધવામાં આવ્યું હતું. યુકેના સૌથી ઝડપે વિકસતા શહેર બેલફાસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં ૨૦૧૧થી ૨૦૧૬ના ગાળામાં ૫૮,૬૦૦ નવા રહેવાસી આવ્યાં હતાં પરંતુ માત્ર ૨૫૦૦ નવા ઘર બંધાયા હતા એટલે કે, પ્રત્યેક ૨૩ રહેવાસી માટે એક ઘર. ઓક્સફર્ડ, કાર્ડિફ, અને યોર્કમાં દર સાત નવા રહેવાસી દીઠ એક ઘર, જ્યારે બ્રાઈટન, માન્ચેસ્ટર, પોર્ટ્સમથ અને ન્યૂકેસલમાં પાંચ અથવા વધુ રહેવાસીદીઠ એક ઘર બાંધવામાં આવ્યું હતું.
એક રિપોર્ટ અનુસાર દેશના લોકપ્રિય વિસ્તારોમાં વસવા લોકોનો ધસારો વધતો જાય છે, જ્યાં રહેવા માટે પૂરતાં આવાસ નથી. આમ છતાં, ૨૦૧૬ અગાઉના વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો થયો છે. દેશમાં દર ચાર નવા રહેવાસીએ એક ઘરનું નિર્માણ થાય છે.


