લંડનઃ યુકેમાં ગત વર્ષે જન્મેલાં કુલ બાળકોનાં ૨૮.૪ ટકા વિદેશમાં જન્મેલી માતાની કુખે જન્મ્યાં હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના સત્તાવાર આંકડા જણાવે છે. ૧૯૯૦માં આ સંખ્યા માત્ર ૧૧.૬ ટકા હતી તે પછી તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. આ ઉપરાંત, ગત વર્ષે ૪૦થી વધુ વયની સ્ત્રીઓ સહિત દરેક વયજૂથમાં ફર્ટિલિટી દરમાં ઘટાડો નોંધાયો છે. વધુ અને વધુ સ્ત્રીઓમાં બાળકોને જન્મ આપવા ૪૦ વર્ષની વય સુધી રાહ જોવાનું વલણ વધતું જાય છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૭માં ૬૭૯,૧૦૬ બાળકોનો જન્મ થયો હતો, જે ૨૦૧૬ની સરખામણીએ ૨.૫ ટકા ઓછો અને ૨૦૦૬ પછી સૌથી નીચો આંકડો છે. ૧૦માંથી લગભગ ત્રણ (૨૮.૪ ટકા) જન્મેલાં બાળકોની માતા યુકેથી બહાર જન્મેલી છે. અગાઉના વર્ષે આ સંખ્યા ૨૮.૨ ટકા હતી અને ગત ૨૭ વર્ષથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. ૪૦થી વધુ વયની સ્ત્રીઓમાં પ્રતિ ૧૦૦૦ સ્ત્રીએ ૧૬.૧ બાળકનો જન્મ થાય છે, જેનું પ્રમાણ ૨૦૧૬થી ૧.૩ ટકાના વધારાનું છે તે સિવાય અન્ય તમામ વયજૂથમાં ફળદ્રુપતા દર ઘટ્યો છે.
માતાઓની સરેરાશ વય ૧૯૭૫માં ૨૬.૪ વર્ષ હતી, જે વધીને ૨૦૧૭માં ૩૦.૫ની થઈ હતી. દરમિયાન, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મૃત જન્મેલાં બાળની સંખ્યા વિક્રમી તળિયે પહોંચી છે. સ્ટીલબોર્ન બાળકની સંખ્યા ૨૦૧૬માં ૩,૧૧૨ હતી, જેની સરખામણીએ આ સંખ્યા ૨૦૧૭માં ૨,૮૭૩ થઈ હતી અને તે ૭.૭ ટકાનો ઘટાડો સૂચવે છે.


