યુકેમાં ૩૦ ટકા બાળકોની માતાનો જન્મ વિદેશમાં

ઈંગ્લેન્ડના કેટલાંક ભાગોમાં જન્મેલાં ૭૫ ટકા બાળકોની માતા માઈગ્રન્ટઃ છેલ્લાં દાયકામાં વિદેશમાં જન્મેલી માતાઓ દ્વારા બાળકોને જન્મનું પ્રમાણ ૨૦ ટકા વધ્યું

Friday 17th May 2019 01:43 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના કેટલાંક ભાગોમાં ૨૦૧૭માં જન્મેલા બાળકો પૈકી ૭૫ ટકાને વિદેશથી આવેલી માઈગ્રન્ટ માતાઓએ જન્મ આપ્યો હોવાનું સત્તાવાર આંકડામાં જણાયું હતું. દેશમાં થયેલા ૩૦ ટકા બાળકોને બ્રિટન બહાર અન્ય દેશમાં જન્મેલી મહિલાઓએ જન્મ આપ્યાં હતાં. ઈંગ્લેન્ડની સ્કૂલોના કર્મચારીઓમાં પણ દર આઠમાંથી એકનો જન્મ બ્રિટન બહાર થયો હતો.

લંડન અને અન્ય મોટા શહેરોમાં આ પ્રમાણ તેનાથી પણ વધારે હતું. લંડનમાં જન્મેલા બાળકો પૈકી ૫૮ ટકા બાળકોને વિદેશમાં જન્મેલી માતાઓએ જન્મ આપ્યો હતો. તેમાં પણ બરો ઓફ બ્રેન્ટમાં આવા સૌથી વધુ ૭૬ ટકા જન્મ નોંધાયા હતા. ઈલિંગ, વેસ્ટમિન્સ્ટર, હેરો અને ન્યૂહામમાં ૭૦ ટકાથી વધુ બાળકોને વિદેશમાં જન્મેલી માતાઓએ જન્મ આપ્યો હતો.

લંડન બહારની લોકલ ઓથોરિટી તરીકે સ્લાઉમાં સૌથી વધુ પ્રમાણ ૬૩ ટકા નોંધાયું હતું. જ્યારે યુકે બહારના દેશની માતાઓ દ્વારા બાળકોને સૌથી ઓછા જન્મના પ્રમાણમાં ક્રુમ્બિયા ૭.૫ ટકા, સેન્ટ હેલન્સ ૭.૪ ટકા, ડર્બીશાયર ૭.૪ ટકા, સાઉથ ટાયનેસાઈડ ૬.૫ ટકા અને હેલ્ટન ૫.૯ ટકા રહ્યું હતું.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના વિશ્લેષણમાં જણાયું હતું કે છેલ્લાં એક દાયકામાં વિદેશમાં જન્મેલી માતાઓ દ્વારા બાળકોને જન્મનું પ્રમાણ ૨૦ ટકા વધ્યું હતું. તેના લીધે સ્કૂલો માટે જગ્યાની માગ પણ વધી હતી. બ્રિટન બહાર જન્મેલી મહિલાઓએ ૨૦૧૭માં ૧૮૯,૦૦૦ બાળકોને જન્મ આપ્યો હતો. આ સંખ્યા ૨૦૦૭ની સરખામણીમાં ૨૦ ટકા વધુ હતી. આ ગાળા દરમિયાન યુકેમાં જન્મેલી માતાઓ દ્વારા બાળકોને જન્મની સંખ્યા આઠ ટકા ઘટીને ૪૯૮,૦૦૦થી ૪૫૮,૦૦૦ થઈ હતી.

ગયા વર્ષે જાન્યુઆરીમાં સરકારના ફંડથી ચાલતી પ્રાઈમરી સ્કૂલોમાં ભણતાં બાળકો પૈકી ૩૧૦,૦૦૦ અથવા ૭ ટકાનો જન્મ બ્રિટન બહાર થયો હતો. તે રીતે સેકન્ડરી સ્કૂલોમાં આવાં બાળકોની સંખ્યા ૨૮૦,૦૦૦ અથવા ૧૦ ટકા હતી. તેમાંથી અડધા જેટલાં બાળકો ઈયુ દેશોના હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter