યુકેમાં ૩૬ લાખ લોકોએ કદી કામ કર્યું નથી

Wednesday 06th March 2019 01:50 EST
 
 

લંડનઃ યુકેમાં રોજગાર કે એમ્પ્લોયમેન્ટની સ્થિતિ વિક્રમજનક હોવાં છતાં ઓછામાં ઓછાં ૧૦ ટકા પુખ્ત લોકોએ કદી વેતન સાથેનું કામ કર્યું નથી. પેઈડ વર્ક નહિ કરવામાં યુવા વર્ગની સંખ્યા મોટી હોવાનું મનાય છે. ઓફિસ ફોરનેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા વિશ્લેષણ અનુસાર યુકેમાં આશરે ૩.૬ મિલિયન પુખ્ત લોકોને કામ માટે કદી નાણા ચુકવાયા નથી. જોકે, આ માટેનાં કારણો અલગ અલગ છે.

નાણા માટે કામ નહિ કરનારા લોકોમાં યુવાનોની સંખ્યા વધુ છે. યુકેમાં ૧૬-૬૪ વયજૂથનાં ૪૧ મિલિયનથી વધુ લોકોનાં ૭૫ ટકા જુલાઈ ૨૦૧૭થી જૂન ૨૦૧૮ સુધીમાં રોજગાર ધરાવતાં હતાં. વિદ્યાર્થીઓ સહિત ૧૬-૨૪ વયજૂથનાં યુવાન લોકોની વસ્તીનાં ૭૧ ટકા એવાં છે જેમણે કદી પેઈડ વર્ક કર્યું નથી. જો પૂર્ણકાળના વિદ્યાર્થીઓને બાકાત રાખીએ તો પણ ૩૦ વર્ષથી ઓછી વયના અડધાથી વધુ (૫૨ ટકા) લોકોએ કદી નાણા ચુકવાયા હોય તેવું કામ કર્યું નથી. મોટા ભાગના યુવાનો લાંબો સમય શિક્ષણમાં રોકાયેલા રહે છે.

લાંબા સમયથી બીમારીથી ઘેરાયેલા અને પેઈડ વર્ક નહિ કરતા લોકોની સંખ્યા પણ વધી રહી છે. પોતાને બીમાર ગણાવતાં લોકોમાંથી લગભગ ૯૦ ટકા તેઓ શારીરિક અથવા માનસિક રીતે અશક્ત કે અક્ષમ હોવાનું જણાવે છે. ઓછામાં ઓછાં ૪૪૦,૦૦૦ લોકો ટુંકા થવા લાંબા ગાળાથી બીમાર હોવાનું જણાવે છે. ગત દસ વર્ષમાં આ જૂથની સંખ્યામાં આશરે ૭૫,૦૦૦ (૨૩ ટકા)નો વધારો થયો છે.

પુરુષોની સરખામણીએ કદી પેઈડ વર્ક નહિ કરતી સ્ત્રીઓની સંખ્યા પણ વધુ છે. આશરે ૫૧૦,૦૦૦થી વધુ સ્ત્રીઓ પરિવાર અથવા ઘરની સંભાળમાં રોકાયેલી રહે છે. નાના બાળકોની સારસંભાળમાં સ્ત્રીઓ જ વધુ રોકાયેલી હોય છે, જેમની સંખ્યા ૪૪ ટકાથી વધુ છે. જોકે, નાનું બાળક હોવાં છતાં કદી કામ નહિ કરતી સ્ત્રીઓની સંખ્યામાં ૨૦૦૮થી ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, કદી કામ કર્યું ન હોય અને પરિવાર કે નાના બાળકોની સંભાળમાં ધ્યાન આપતા હોય તેવા પુરુષોની સંખ્યામાં નજીવો વધારો થયો છે.

યુકેમાં હાલ કામ શોધતા બેરોજગારની સંખ્યા લગભગ ૨૫૦,૦૦૦ની છે. આ નોકરી શોધનારામાં બે તૃતિઆંશ લોકો ૧૬-૨૪ વયજૂથનાં છે અને મોટા ભાગનાએ તો ગયા વર્ષથી જ કામ સોધવાની શરૂઆત કરી છે. લગભગ ૪૦,૦૦૦ લોકો નિવૃત્ત છે અને નિવૃત્તિ અગાઉ તેઓ શું કરતા હતા તે વિશે આપણે ચોક્કસ નથી પરંતુ, તેઓ હાલ કામ કરતા નથી કે શોધતા નથી.

મૂળ ૩.૬ મિલિયન બેકાર લોકોમાંથી ૧૯૦,૦૦૦ લોકો રહે છે, જેમાંથી ૧૬,૦૦૦ નોકરીની અરજીના પરિણામોની રાહ જૂએ છે,૧૦,૦૦૦ માને છે કે નોકરીની રાહ જોવાનો અર્થ નથી અને ૧૫,૦૦૦ કહે છે કે તેમને નોકરીની જરૂર નથી. આ ઉપરાંત, વધુ ૨૮,૦૦૦ યુવાન લોકોએ નોકરી શોધવાની હજુ શરૂઆત જ કરી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter