લંડન
યુગાન્ડામાંથી ભારતીયો સહિતના એશિયનોને ઇદી અમીન દ્વારા દેશનિકાલ કરવાની ઘટનાના 50 વર્ષ પૂરા થઇ રહ્યાં છે ત્યારે 10 સપ્ટેમ્બર 2022ના શનિવારના રોજ લેસ્ટરના વિન્સ્ટેન્લી હાઉસ ખાતે એક ફંડ રેઇઝર ઇવેન્ટનું આયોજન કરાયું છે જેમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની સંભાવના છે. ઇદી અમીને એશિયનોને દેશ છોડી જવાનું અલ્ટીમેટમ આપ્યા બાદના દિવસો અને સપ્તાહો અત્યાચારોનો સામનો કરનારા ભારતીયો સહિતના એશિયનો માટે ભયાનક બની રહ્યાં હતાં. 70,000 કરતાં વધુ કો બ્રિટન અને વિશ્વમાં પલાયન કરી ગયાં હતાં. પોતે જેને પોતાના વતનની જેમ પ્રેમ કરતાં હતાં તેવા લોકોને દેશ છોડી જવા મજબૂર કરાયા ત્યારે લેસ્ટર જેવા શહેરો તેમનું નવું ઘર બન્યાં હતાં. મોટા ભાગના લોકો ખાલી હાથે બ્રિટનમાં આવ્યા હતા પરંતુ તેમણે પોતાની આકરી મહેનત અને સૂઝબૂઝના કારણે ન કેવળ સ્થાનિક પરંતુ દેશની ઇકોનોમીમાં પણ મોટું યોગદાન આપ્યું છે. આજે તમે ગોલ્ડન માઇલ તરીકે ઓળખાતા બેલગ્રેવ રોડને જૂઓ તો અનુભવાશે કે યુગાન્ડાથી આવેલા ભારતીયોએ કેવી રીતે આ વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. યુગાન્ડાથી આવેલા એશિયનોની આકરી મહેનત માટે તેમને અભિનંદન.. દર વર્ષે ભારતની બહાર બેલગ્રેવ ખાતે દિવાળીની સૌથી ભવ્ય ઉજવણી કરાય છે. આજે આ વિસ્તાર સમગ્ર બ્રિટનના શોપર્સ માટે શોપિંગનું મક્કા બની રહ્યો છે. ફંડ રેઇઝર ઇવેન્ટમાં તેમની સફળતાની ઉજવણી આફ્રિકન ડાન્સરો, સ્વાહિલી અને બોલિવૂડના ગાયકો અને ઇસ્ટ આફ્રિકન ટચ સાથેના વ્યંજનો સાથે કરાશે.
આ પ્રસંગે ગેસ્ટ સ્પીકર તરીકે લોર્ડ જિતેશ ગઢિયા હાજર રહેશે. આઇટીવીનના રિપોર્ટર રાજીવ પોપટ અને રેડિયો બ્રોડકાસ્ટર પ્રીતિ રાયચુરા દ્વારા રેકોર્ડ કરાયેલી યુગાન્ડાની ભયાવહતાનો અનુભવ કરનારાની આપવીતીની કહાણીઓ પણ ઇવેન્ટમાં રજૂ કરાશે. ઇવેન્ટ દ્વારા એકઠું થનારું ભંડોળ ઔરો ફાઉન્ડેશનને દાન અપાશે. આ સંસ્થા પૂર્વ યુગાન્ડામં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેકટિકલ સ્કીલ વિકસાવવામાં મદદરૂપ બની રહી છે. આ ઇવેન્ટની માહિતી માટે રાજીવ પોપટ (07973 461165) અથવા પ્રીતિ રાયચુરા (07866 727181)નો સંપર્ક સાધી શકાશે.

