યુનિવર્સલ ક્રેડિટના દાવેદારોની સંખ્યા વધી

Friday 21st August 2020 05:29 EDT
 
 

લંડનઃકોરોના મહામારી લોકડાઉન પછી સૌથી વધુ સરકારી સહાય મેળવનારા વિસ્તારો જાહેર કરાયા છે. યુકેની કંપનીઓમાં નોકરીઓ પર રહેલા લોકોની સંખ્યામાં ૭૩૦,૦૦૦નો ભારે ઘટાડો જોવાં મળ્યો છે અને બેનિફિટ્સના દાવેદારો વધીને ૨.૭ મિલિયન થયાં છે. કામકાજની વયના લોકો યુનિવર્સલ ક્રેડિટ- સરકારી સહાયનો દાવો કરે તેવા વિસ્તારોમાં વસ્તીના ૧૨.૩ ટકા સાથે બ્લેકપૂલ પ્રથમ ક્રમે છે, જે માર્ચની સરખામણીએ ૫.૧ ટકા વધુ છે. આ પછી, બર્મિંગહામ, થાનેટ, વોલ્વરહેમ્પ્ટન, મિડલ્સબરા અને હેરિન્જે આવે છે.

યુનિવર્સલ ક્રેડિટના સૌથી વધુ દાવેદારોની ટકાવારી

સરકારે લોકડાઉન પછી કયા વિસ્તારોમાં કામકાજ કરનારા લોકો દ્વારા યુનિવર્સલ ક્રેડિટની સૌથી વધુ સહાય માગવામાં આવી હતી તેની ટકાવારી ઓગસ્ટ ૨૦૨૦માં જાહેર કરી છે. આ ટકાવારી જે તે પ્રદેશની કુલ વસ્તીના સંદર્ભમાં છે.

• બ્લેકપૂલઃ ૧૨.૩ • બર્મિંગહામઃ ૧૦.૯ • થાનેટઃ ૧૦.૫ • વોલ્વરહેમ્પ્ટનઃ ૧૦.૪ • મિડલ્સબરાઃ ૧૦.૩ • હેરિન્જેઃ ૧૦.૩ • બાર્કિંગ એન્ડ ડેગનહામઃ ૧૦.૩ • બ્રેન્ટઃ ૯.૯ • હલઃ ૯.૭ • ન્યૂહામઃ ૯.૭ • ઓલ્ધામઃ ૯.૬ • વોલ્ધામ ફોરેસ્ટઃ ૯.૫ • સાઉથ ટાઈનેસાઈડઃ ૯.૫ • હાર્ટલપૂલઃ ૯.૪ • બ્રેડફોર્ડઃ ૯.૩ • સેન્ડવેલઃ ૯.૩ • ઈલિંગઃ ૯.૩ • હેકનીઃ ૯.૧  • લેવિશામઃ ૯.૧ • બન્લીઃ ૯.૧

ડેટા અનુસાર યુકેના અન્ય વિસ્તારોમાં લંડનમાં સૌથી વધુ સંખ્યા ૭.૮ ટકા દાવેદારોની છે. આ પછી, નોર્થ ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ (૭.૫ ટકા), વેસ્ટ મિડલેન્ડ્સ (૭.૩ ટકા), નોર્થ વેસ્ટ (૭.૨ ટકા), સ્કોટલેન્ડ (૬.૪ ટકા), વેલ્સ (૬.૨ ટકા), ઈસ્ટ મિડલેન્ડ્સ (૫.૭ ટકા), ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડ (૫.૬ ટકા) તેમજ સાઉથ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્ધર્ન આયર્લેન્ડ દરેકના ૫.૩ની ટકાવારી સાથે સૌથી નીચે છે.

જૂનમાં ૭.૫ મિલિયન લોકો કામથી અળગાં

ONS દ્વારા જણાવાયું છે કે આ વર્ષના જૂનમાં આશરે ૭.૫ મિલિયન લોકો કામચલાઉપણે કામથી અળગાં રહ્યા હતા અને તેમાંના મોટા ભાગના સરકારની ફર્લો સ્કીમ પર હતા. આમાંથી આશરે ૩ મિલિયન લોકો ત્રણ મહિના કે તેથી વધુ સમય કામ પર ન હતા. યુકેમાં આશરે ૩૦૦,૦૦૦ લોકો મહામારીના કારણે કામ પર ન હતા પરંતુ, તેમને ગયા મહિનાનો પગાર મળ્યો નથી. જોકે, એપ્રિલ અને મે મહિનામાં આવા લોકોની સંખ્યા અડધા મિલિયનથી વધુ હતી.

કામ પર હોવા સાથે બેનિફિટ્સ મેળવનારા સહિત કુલ દાવેદારોની સંખ્યા ગયા મહિને ૯૪,૦૦૦ના વધારા સાથે ૨.૭ મિલિયન પર પહોંચી છે. માર્ચ મહિના પછી આ ૧૧૭ ટકા અથવા ૧.૪ મિલિયનનો વધારો છે.

યુકેમાં આ વર્ષના પ્રથમ ત્રણ મહિનાના ગાળાની સરખામણીએ જૂન સુધીના ક્વાર્ટરમાં કામકાજના સાપ્તાહિક કલાકોમાં ૧૮.૪ ટકા અથવા વિક્રમી ૧૯૧.૩ મિલિયનનો ઘટાડો થયો છે. ૧૯૭૧માં અંદાજોની શરુઆત કરાઈ તે પછી આ સૌથી ત્રિમાસિક ઘટાડો છે જેમાં, ૧૯૯૪ પછી કામકાજના કુલ કલાકો સોથી તળિયે પહોંચ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter