લંડનઃ કોરોના વાઈરસ કટોકટી વધવા સાથે ઘણા લોકોએ સરકાર પાસે મદદ માગી હતી. ૩.૨ મિલિયનથી વધુ લોકોએ માર્ચમાં લોકડાઉન નિયંત્રણો જાહેર કરાયા પછી યુનિવર્સલ ક્રેડિટ (UC) માટે અરજી કરી હતી. જોકે, UC માટે સ્વૈચ્છિક અરજી અથવા ક્લેઈમ્સ કરાવા સાથે તેમને અગાઉ મળતા બેનિફિટ્સ બંધ થઈ શકે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. જો તમે યુનિવર્સલ ક્રેડિટ માટે લાયક નહિ ઠરો તો પણ તમારે ટેક્સ ક્રેડિટ્સનો લાભ ગુમાવવો પડે તેમ બની શકે છે.
લોકડાઉન દરમિયાન મહિનાઓ સુધી વેપાર બિઝનેસીસ બંધ રહેતા જેમણે નોકરીઓ ગુમાવી છે અથવા ફર્લો પર મૂકાયા હતા તેઓને યુનિવર્સલ ક્રેડિટ ક્લેઈમ કરવા પ્રોત્સાહન અપાયું હતું. આ ઉપરાંત, ઈન્કમ સપોર્ટ સ્કીમની રાહ જોતા સ્વરોજગારી લોકો તેમજ કોરોના વાઈરસના લક્ષણો સાથે એકાંતવાસના ગાળામાં બીમારી વેતન માટે ક્વોલિફાય ન થતાં હોય તેમને પણ તેઓ UC મેળવી શકે કે કેમ તે તપાસવા જણાવાયું હતું. જોકે, આ બાબતે ખાટલે મોટી ખોડ એ છે કે જો તમે કોઈ પણ સરકારી સપોર્ટ મેળવતા હો મુશ્કેલી સર્જાઈ શકે છે.
યુનિવર્સલ ક્રેડિટના દાવેદારોએ પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે, જેમાં કામની શોધ કરવામાં નિષ્ફળતા અથવા જોબસેન્ટર એપોઈન્ટમેન્ટ્સ હાજર નહિ થવા જેવા નિયમભંગ બદલ તેમના બેનિફિટ્સ ઘટી શકે અથવા તદ્દન અટકાવી દેવાય. આનું કારણ એ છે કે હવે તમામ જોબસેન્ટર્સ પર કાર્યરત યુનિવર્સલ ક્રેડિટ વર્તમાન છ બેનિફિટ્સની અવેજીમાં છે. આ બેનિફિટ્સ લેગસી બેનિફિટ્સ તરીકે ઓળખાય છે અને આ બેનિફિટ્સ મેળવતા તમામ લોકોને યુનિવર્સલ ક્રેડિટ પર મૂકી દેવાશે ત્યારે તબક્કાવાર તેને બંધ કરી દેવાના છે.
યુનિવર્સલ ક્રેડિટ મળવા સાથે બંધ થનારા બેનિફિટ્સઃ
• ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ • હાઉસિંગ બેનિફિટ • ઈન્કમ સપોર્ટ • ઈન્કમ બેઝ્ડ જોબસીકર્સ એલાવન્સ (JSA) • ઈન્કમ સંબંધિત એમ્પ્લોયમેન્ટ એન્ડ સપોર્ટ એલાવન્સ (ESA) અને • વર્કિંગ ટેક્સ ક્રેડિટ.
જો તમે આ કોઈ બેનિફિટ્સમાંથી કોઈ લાભ મેળવતા હશો તો યુનિવર્સલ ક્રેડિટ મેળવવા સાથે જ અન્ય લાભ મળતા બંધ થઈ જશે. હાઉસિંગ બેનિફિટના બદલે UCમાં જ ભાડાંની ચૂકવણીને આવરી લેવાનું હાઉસિંગ ખર્ચનું ઘટક સામેલ કરી લેવાયું છે. જો તમે ઈરાદાસહ UC માટે અરજી નહિ કરો તો પણ કામકાજ બંધ થવું, ઘર બદલવું અથવા બાળકનો જન્મ થવા સહિત સંજોગો બદલાતાં તમને તેના પર મૂકી દેવાશે. અત્યારે જેઓ જૂના બેનિફ્ટ્સનો લાભ મેળવે છે તેમના સંજોગો ન બદલાય તો પણ તમામ લોકોને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ફરજિયાત યુનિવર્સલ ક્રેડિટ પર મૂકી દેવાશે.


