યુરોપ કરતાં ઈંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં સૌથી વધુ આજીવન કેદીઓ

Wednesday 06th April 2022 02:31 EDT
 
 

લંડનઃ ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, સ્પેન અને સ્વીડનને સંયુક્તપણે ગણીએ તેનાથી વધુ આજીવન કેદ ધરાવતા કેદીઓ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં છે. પશ્ચિમ યુરોપમાં સૌથી ઊંચો જેલદર સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ અને વેલ્સનો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દર 100,000 લોકોએ 130 લોકો જેલમાં છે જ્યારે ફ્રાન્સમાં આ સંખ્યા 93ની છે. ગત 30 વર્ષમાં જેલની વસ્તીમાં 74 ટકાનો વધારો થયો અને 2026 તેમાં 20,000નો વધારો થશે એટલે કે 80,000થી ઓછી સંખ્યા છે તે વધીને 98,700ની થઈ જશે.

જેલોની વસ્તીના વર્ગીકરણમાં વ્હાઈટ (56,275), અશ્વેત/બ્રિટિશ અશ્વેત (3,832), એશિયન/બ્રિટિશ એશિયન (6,451), મિશ્ર (9,994), અન્ય (1,153) તેમજ નહિ નોંધાયેલા (619) કેદી હતા. વર્ષ 2021માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે 35,200 કેદીઓની ઓળખ ક્રિશ્ચિયન તરીકે, 24,500 કેદીઓ કોઈ ધર્મ ન પાળતા હોવા તરીકે અને 13,700 કેદી મુસ્લિમ્સ તરીકે કરાઈ હતી. આ ઉપરાંત, હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધધર્મી કેદીની સંખ્યા નગણ્ય હતી.

પ્રિઝન રિફોર્મ ટ્રસ્ટ 2021ના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં 40,000 લોકોને જેલમાં મોકલાયા હતા જેમાંથી 63 ટકાએ બિનહિંસક ગુના આચર્યા હતા અને 44 ટકા ગુનેગારને 6 મહિના અથવા તેનાથી ઓછી મુદતની સજા કરાઈ હતી. યુકેમાં ગંભીર ગુનાઓ માટે જેલની સજાની મુદત સરેરાશ 54.3 મહિના છે જ્યારે 2008ની સરખામણીએ આ મુદત લગભગ24 મહિના કરતાં વધુ છે. જેલના કેદીઓના 16 ટકા કેદીઓ અનિશ્ચિત-ઈન્ડિટરમિનેટ મુદતની સજા ભોગવી રહ્યા છે, જે 1993ની સરખામણીએ 9 ટકા વધુ હતા. 16 વર્ષ અગાઉ એટલે કે 2005ની સરખામણીએ યુકેની જેલોમાં 60 અને તેથી વધુ વર્ષના કેદીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી થઈ છે.

યુકેમાં 2010-11ની સરખામણીએ જેલો માટેનું વાસ્તવિક રિસોર્સ બજેટ 13 ટકા ઓછું છે તેમજ 2010 કરતા પ્રન્ટલાઈન ઓપરેશનલ પ્રિઝન સ્ટાફ 12 ટકા ઓછો છે.

બ્રિટિશ જેલોમાં 2017-18માં કરાયેલા મૂલ્યાંકનમાં 34 ટકા લોકોએ તેમને લર્નિંગ ડિસેબિલિટી અથવા શીખવામાં મુશ્કેલી હોવાની રજૂઆત કરી હતી. સામાન્ય વસ્તીના 2 ટકા લર્નિંગ ડિસેબિલિટી ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter