લંડનઃ સામાજિક સારસંભાળ સેવાઓ પર ભારે દબાણના કારણે યુવાન લોકોએ પોતાના કામકાજ અને અભ્યાસનો ભોગ આપીને પણ વૃદ્ધ અને અશક્ત સગાંની સંભાળમાં લાગી જવું પડે છે. યુકેમાં યુવાન કેરર્સની સંખ્યામાં ચાર વર્ષમાં ૧૦,૦૦૦નો વધારો થયો હોવાનું જણાવી કેમ્પેઈનર્સે ચિંતા વ્યક્ત કરી છે.
સરકારી આંકડાના વિશ્લેષણે દર્શાવ્યું છે કે મે ૨૦૧૭માં કેરર્સ એલાવન્સ મેળવવાની લાયકાત ધરાવતા ૧૬-૨૪ વયજૂથના યુવાનોની સંખ્યા ૪૧,૮૭૦ હતી, જે ૨૦૧૩માં ૩૧,૦૮૦ હતી. આ ૩૫ ટકાનો વધારો હતો. આ જ ગાળામાં, ૧૬ અને ૧૭ વર્ષના યુવાનોની સંખ્યા ૫૪ ટકાની વૃદ્ધિ સાથે ૧,૪૦૦થી ૨,૧૫૦ના આંકડે પહોંચી હતી.
પોતાના જ ઘરમાં અશક્ત લોકોની સારસંભાળ લેવા સપ્તાહમાં ઓછામાં ઓછા ૩૫ કલાકનો સમય આપે તેમને કેરર્સ એલાવન્સ અપાય છે, જે હાલ પ્રતિ સપ્તાહ ૬૨.૭૦ પાઉન્ડ છે. યુવાનોને આ રીતે નાણાકીય સહાય મળે તે આવકાર્ય છે પરંતુ, પુખ્ત સામાજિક સંભાળ સેવા પરનું દબાણ અને કેર પેકેજીસમાં કાપના લીધે વધુ ટીનેજર્સ અને યુવાન લોકોએ સગાંસંબંધીની સંભાળ લેવા અભ્યાસ અને કામકાજનો ભોગ આપવો પડે છે તેની સામે ચેતવણી પણ અપાઈ છે.


