યુવાનોમાં માતાપિતા સાથે રહેવાનું વલણ વધ્યું

Wednesday 13th February 2019 02:07 EST
 
 

લંડનઃ યુકેમાં યુવા વર્ગમાં માતાપિતા સાથે રહેવાનું વલણ અને પ્રમાણ વધ્યું હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. યુવા વર્ગના આ વલણ પાછળ હાઉસિંગ કટોકટી જવાબદાર હોવાનું પણ કહેવાય છે. થિન્કટેન્ડ સિવિટાસના રિપોર્ટ અનુસાર ૧૯૯૭માં માતાપિતાની સાથે રહેતા ૨૦થી ૩૪ વયજૂથના પુખ્ત સંતાનોની ટકાવારી ૧૯.૪ ટકા અથવા ૨.૪ મિલિયન લોકોની હતી, જે ૨૦૧૭માં વધીને ૨૫.૯૧ ટકા અથવા ૩.૪ મિલિયન લોકોની થઈ હતી. આ ઉપરાંત, માતાપિતાના ઘરથી અલગ થઈ એકલા રહેનારા લોકોની સંખ્યા પણ ઘટી છે કારણકે હવે યુવાન લોકો તેમના પાર્ટનર્સ અથવા મિત્રોની સાથે રહેતા થયા છે.

આ અભ્યાસમાં લાંબા સમય સુધી પરિવારના સરેરાશ કદને નજરમાં રાખતા ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટાનો પણ ઉપયોગ કરાયો છે. ૧૯૫૧માં પ્રતિ પરિવારમાં સરેરાશ ૩.૩ લોકો રહેતાં હતાં, જે ઘટીને ૨૦૦૧માં ૨.૩૬ લોકો થયાં હતાં. આ પછી થોડાં વર્ષ તેનું પ્રમાણ સ્થિર રહ્યું અને ૨૦૧૭ સુધીમાં સરેરાશ વધીને ૨.૩૯ લોકોની થઈ હતી, જે ૧૯૯૯ પછી સૌથી ઊંચું સ્તર હતું. આની અસર ભવિષ્યમાં કેટલાં ઘર બાંધવાના થશે તેના નિર્ણય પર થતી હતી. શેલ્ટર સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ પોલી નીટના કહેવા મુજબ આગામી ૨૦ વર્ષમાં હાઉસિંગ લેડર પર જઈ ન શકનારા યુવા પરિવારો સહિત લોકો માટે નવા ત્રણ મિલિયન ઘરની જરૂર પડશે.

પેરન્ટ્સ સાથે રહેતા યુવાનોમાં સૌથી મજબૂત વધારો લંડનમાં જણાયો હતો, જ્યાં ૧૯૯૬-૯૮ અને ૨૦૧૪-૧૫ના ગાળા વચ્ચે ૪૧ ટકાની વૃદ્ધિ જોવાં મળી હતી. યુવાનો કહે છે કે તેઓ માતાપિતાથી અલગ રહેવા ઈચ્છે છે પરંતુ, તેમને પોસાતું નથી. બચત કરવામાં લાંબો સમય જશે. મકાનોનાં ભાડાં પર કોઈ અંકુશ નથી તેમજ મકાનોની વધતી કિંમતો વચ્ચે યુવા વર્ગ કચડાઈ રહ્યો છે. પોતાનું ઘર હોવાં સાથે જે આત્મવિશ્વાસ અને આઝાદી આવે છે તે પણ ગુમાવવાં પડે છે અને માતાપિતા પરનો આધાર વધી જાય છે. આના પરિણામે, તમામ સંબંધિતોમાં તણાવ અને માનસિક આરોગ્યના મુદ્દાઓ સર્જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter