રંગભેદી કટ્ટરતાનો અંત આવશ્યક

મિતુલ પનિકર Wednesday 21st August 2019 05:02 EDT
 
 

પ્રિય વાચકમિત્રો,

એ ત્રીજી ઓગસ્ટનો લોહિયાળ દિવસ હતો જ્યારે યુએસ અને સમગ્ર વિશ્વ એલ પાસો અને ડાયટોનમાં બે સામૂહિક શૂટિંગ્સમાં ૩૧ વ્યક્તિના મોતના સાક્ષી બન્યા હતા. દર કલાકે ગન વાયોલન્સમાં વધારો થતો જાય છે અને આવી ભયાવહ ઘટનાઓ માત્ર યુએસ સુધી જ સીમિત રહી નથી. મારખમમાં પણ તાજેતરમાં ધોળા દિવસે ઘરમાં શંકાસ્પદ ઘૂસણખોરીની ઘટનામાં ગોળીનો શિકાર બનાવાયેલા પુરુષને જીવલેણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના અમારા ઘરની તદ્દન નજીક ઘટી હતી અને તેના કારણે રાતની ઊંઘ પણ હરામ થઈ હતી. હું અને મારાં મિત્રો અવારનવાર મુલાકાત લઈએ છીએ તે નજીકના સ્થળે મોટરસાયકલ પર આવેલી વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં એક પુરુષનું મોત થયું હતું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. સમય વિચિત્ર છે અને બહાર નીકળતાં પહેલાં બે વાર વિચારવું પડે તેવી સ્થિતિ છે.

સૌથી પહેલા તો પશ્ચિમમાં ‘ઈમિગ્રન્ટ્સ’ પ્રત્યે જે સામાન્ય વલણ છે તેમાં બદલાવ લાવવાની જરૂર છે. અહીંની સ્થાનિક ઘટનાઓ કોઈ પણ પ્રકારે રંગભેદી-રેસિયલ હોવાનું દર્શાવતા કોઈ પુરાવા નથી પરંતુ, યુએસ ગોળીબારની ઘટનાઓ હંમેશાંની માફક એક યા બીજી રીતે બિનગોરા પ્રત્યે તીવ્ર ઘૃણાની ઉશ્કેરણીના કારણોસર જ હોય છે. મારે સ્વીકારવું જ રહ્યું કે આટલાં વર્ષોમાં રંગભેદી હિંસા અથવા શોષણ સંબંધિત વધુ સમાચાર મારી નજરમાં આવ્યાં છે. પ્રામાણિક રીતે કહીએ તો કોઈ પણ અખબાર કે પ્રકાશનમાં મોટા ભાગનો હિસ્સો તેના સંબંધિત જ હોય છે. રંગભેદી તિરસ્કાર એટલો સામાન્ય બની ગયો છે કે તેના વિશે વાંચતા કે સમાચારોમાં તેવી ઘટનાઓ નિહાળતાં આપણું રુંવાડું પણ હવે ફરકતું નથી.

વર્ણ, જાતિ કે રંગ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે શું છો તેની વ્યાખ્યા આપે છે, તમારા વંશ કે નસ્લ, તમારી સંસ્કૃતિ વિશે પ્રકાશ પાડે છે. તમારી ત્વચાનો રંગ નક્કી કરે છે કે સમાજમાં તમારી સાથે કેવો વ્યવહાર કરાશે. આ ૨૦૧૯ છે અને આપણે હજુ પણ રંગભેદ વિરુદ્ધની લડાઈ જ લડીએ છીએ. આનાથી વધુ કહી શકાય તેમ નથી.

મને અત્યાર સુધી ખરેખર સમજ જ પડી નથી કે ભારતમાં મારાં ઘરમાં આરામથી બેસી રહેવાનું, મારાં પરિવાર અને કામનાં સ્થળે મને અપાયેલાં અધિકારોની મોજ માણવાનું, રંગભેદી હુમલાઓ અને શોષણના પ્રાપ્ત અહેવાલો પર ડચકારા બોલાવવાનાં કેવાં વિશેષાધિકારો મળ્યાં હતાં. મારી માન્યતા હતી કે પશ્ચિમી વિશ્વ ક્રૂર હોવાની સાથોસાથ માફ કરી શકે એવું પણ છે. ત્વચાના સન્માનીય ગણાતા વર્ણથી થોડાં જ વધુ ઘેરાં રંગના આ બધાં લોકો એક સ્વપ્ન જીવવા, જીવનને બહેતર બનાવવાં દોડતાં હતાં. હું મારી જાતને જ પ્રશ્ન કરું છું કે આના સિવાય તેઓ સ્થળાંતર પણ શા માટે કરે? ગત સપ્તાહે મારે પણ ધર્માંધતાના હળવા કિસ્સાનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સમજાયું કે અપેક્ષા અનુસાર બધું થતું નથી. ડાઉનટાઉન ટોરોન્ટોમાં સારાં કહેવાતાં રેસ્ટોરાંમાં સાફથઈસ્ટ એશિયનોને ઉદ્દેશી કહેવાયેલા અપમાનજનક શબ્દો પછી રોષમાં આવી હું મારાં મિત્રો સાથે તે સ્થળેથી ચાલી નીકળી હતી. આખી સાંજ હું વિચારતી જ રહી કે આખરે તે સ્ત્રીએ જે કહ્યું તે બોલવાની જરૂર તેને શા માટે લાગી?

કેનેડામાં રેસિઝમની સ્થિતિ યુએસની સરખામણીએ તદ્દન અલગ છે. તેને નિષ્ક્રિય આક્રમકતા કહી શકાય, જે એટલા હળવાં ડોઝમાં અપાય છે કે મોટા ભાગે તેના પર ધ્યાન જ જતું નથી. તે વ્યાપક કે અનિયંત્રિત પણ નથી. મેં આ ઘટના વિશે મારા પતિ સાથે પણ ચર્ચા કરી અને તેની પાસે ચીલાચાલું ઉત્તર હતો. કેનેડા વ્યવસ્થિત રેસિઝમથી કોઈ અપવાદ નથી. તે સાંસ્કૃતિક સ્વર્ગ છે અને તમામ પ્રકારની જાતિઓને સ્વીકારવા છતાં, ત્યાં પણ અનેક પેઢીઓથી સમસ્યાઓ રહી જ છે. મને ‘વોટ ટુ એક્સપેક્ટ ઈન ધ વેસ્ટ’ મેન્યુઅલની જાણકારી છે. હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ તે તો ભૂતકાળમાં ઘઉંવર્ણી ત્વચાના લોકોએ સહન કર્યું હતું તેના અંશસમાન પણ ન હતું. પરંતુ, આટલાં વર્ષો પછી, આટલા સંઘર્ષ પછી, સમાનતા માટેની લડાઈ, સાંસ્કૃતિક અને ધર્મિક ગૌરવ માટેની લડાઈમાં લોકોએ જાન ગુમાવ્યા પછી પણ, આજે એક બિનગોરી વ્યક્તિએ પોતાના ઘેરા રંગની ત્વચાના લીધે કષ્ટપ્રદ લાગણી અનુભવવી પડે તે ઘણા માટે મોટી ઘટના જ કહેવાય. તમામ બાબતો અને તત્કાળ ધ્યાન ખેંચવાની જરૂર રહે તેવી સમસ્યાઓમાં એક રેસિઝમ હોય તેમ કોઈને લાગતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter