ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવેલા કળાના પ્રકાર રંગોળીમાં લીંબુ/પીળાં સહિતના વિવિધ રંગીન પાવડર, ચોખાનો લોટ, રેતી અને ફૂલોની પાંદડીઓ જેવી સામગ્રીના ઉપયોગથી જમીન અથવા ટેબલટોપ્સ પર બારીક પેટર્ન્સની સજાવટ કરવામાં આવે છે. સામાન્યપણે આવી સજાવટમાં ઘણો સમય લાગી જતો હોવાથી હિન્દુઓના ઘરમાં મુખ્યત્વે તહેવારો કે ઉત્સવોમાં રંગોળી સજાવાય છે. ભારતીય હિન્દુ તહેવારોમાં દીવાળી, તિહર, ઓનમ અને પોંગલ વગેરેની ઉજવણીમાં આવી સજાવટ કરવાનું શુભ મનાય છે. ખાસ કરીને દીવાળીમાં રંગપૂરણી કે રંગોળીની ડિઝાઈન્સ પેઢીઓથી પરંપરાગત ઉતરતી આવે છે જેના થકી, આ કળાપ્રકારના સાતત્ય અને રીતરિવાજની સાંસ્કૃતિક વિરાસત સચવાતી આવે છે.
સમગ્ર વિશ્વમાં ભારતીય ડાયસ્પોરા દીવાળીની ઉલ્લાસમય ઉજવણી કરવા થનગની રહ્યો છે ત્યારે પ્રતિષ્ઠિત રંગોળી આર્ટિસ્ટ રાહુલ સ્વામી રંગોળીની આર્ટ શીખનારા નવોદિતોને સ્વચ્છ અને સુંદર રંગોળી કેવી રીતે બનાવી શકાય તેની કેટલીક પાયાની માહિતી આપી રહ્યા છે.
પાયાની માહિતીઃ
1. તમે રંગો વડે ખરેખર રંગપૂરણી અને તમારી પેટર્ન્સની આઉટલાઈનની શરૂઆત કરો તે પહેલા ચોક વડે આઉટલાઈન દોરી લેશો.
2. તમારી રંગોળીની સજાવટ તરફ ધ્યાન આકર્ષાય તે માટે વૈવિધ્યપૂર્ણ રંગના કન્સેપ્ટનો ઉપયોગ કરશો. એકબીજાથી તદ્દન અલગ દેખાય અને શેડિંગના ખ્યાલથી પણ ધ્યાન આકર્ષિત થશે.
3. તમે રંગોળીની આઉટલાઈન બનાવો તે પહેલાં હંમેશાં રંગપૂરણી કરશો. આના લીધે તમારી રંગોળી સફાઈદાર અને સ્વચ્છ લાગશે.
4. તમારી આંગળીઓની વચ્ચેથી રંગની ધાર કરવાના બદલે ચાની ગરણીનો ઉપયોગ કરશો.
5. જો તમે એકસરખા આકાર દોરી શકતા ન હો તો ન્યૂઝપેપરના ઉપયોગથી તમારું આગવું DIY સ્ટેન્સિલ કાપવાનું રાખશો
6. હંમેશાં તમારી રંગોળીમાં ફ્રેમમાં ગોઠવવાનું કરશો. ફ્રેમિંગમાં ગોઠવવું ફરજિયાત નથી, માત્ર આઉટલાઈનની કામગીરી પણ તમારી કળાને આકર્ષક બનાવશે.
7. તમે બેકગ્રાઉન્ડમાં રંગ પૂરો ત્યારે હંમેશાં ઘેરાં રંગનો ઉપયોગ કરશો કારણકે તેનાથી અન્ય હળવા રંગો દીપી ઉઠે છે.
ફૂલો અને દીવડા સહિતના માધ્યમનો ઉપયોગ કરો ત્યારેઃ
1. ફૂલને કદી આડેધડ ગોઠવશો નહિ, હંમેશાં ચોક્કસ આકાર કે ડિઝાઈનમાં ગોઠવણી કરો.
2. તમારી રંગોળીના આકારનું પુનરાવર્તન કરી તેના લેયર્સ કરો. જો તમે રંગથી ભરેલો વર્તુળાકાર બનાવ્યો હોય તો તમે અંદર અને બહારની સપાટીનાં વર્તુળોમાં ફૂલોથી સજાવટ કરી શકો છો.
3. જો તમે અનેક દીવડાનો ઉપયોગ કરતા હો તો તમારે રંગોળીની આઉટલાઈન પર અને તેના આકાર અનુસાર દીવડા ગોઠવવા જોઈએ.
રંગોળીમાં કેન્દ્રમાં વચ્ચે હંમેશાં એક દીપક ગોઠવવો જોઈએ.
આવી સામાન્ય ભૂલોને ટાળોઃ
1. રંગોળીની શરૂઆત કદી બોર્ડર-કિનારીથી કરશો નહિ. સૌ પહેલા રંગ પૂરો અને તે પછી કિનારીમાં આગળ વધો. આના પરિણામે તમને રંગપૂરણીમાં અધકચરું નહિ જણાય અને કિનારીના લીધે તમારા રંગનો નિખાર લાવી શકાશે.
2. ઉતાવળ કરશો નહિ અને બોર્ડર બનાવવા પૂરતો સમય લેશો. પરફેક્ટ આકારના ટ્રેસિંગથી તમારી રંગોળીમાં વધુ સારો ઉઠાવ આવશે.
3. તમારી રંગોળીની આસપાસની જગ્યા હંમેશાં સ્વચ્છ રાખશો જેથી રંગોળીની કળા નીખરી આવે.
રંગોળી નિષ્ણાત રાહુલ સ્વામી વિશે જાણોઃ
અમદાવાદમાં વસતા રાહુલ સ્વામી બે દાયકાથી વધુ સમયની નોંધપાત્ર કારકિર્દી ધરાવતા રંગોળી આર્ટિસ્ટ છે. તેમની અદ્ભૂત પ્રતિભાએ વિક્રમસર્જક સિદ્ધિઓ હાંસલ કરાવી છે. તેમના અદ્ભૂત કૌશલ્યે તેમને 2013માં લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 2017માં શ્રેષ્ઠ રંગોળી આર્ટિસ્ટ તરીકે તેમનું સન્માન કર્યું હતું. સ્વામીનું કલાનિષ્ઠ કૌશલ્ય વિશ્વમાં પ્રસરી ગયું છે અને તેમણે લંડનના જૈન સેન્ટર સાથે સહયોગ સાધી પ્રતિષ્ઠા મહોત્સવમાં પોતાની કળાથી નોંધપાત્ર અસર સર્જી હતી. તેઓને 2019માં વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા સિદ્ધિની કદર કરવામાં આવી હતી.


