લંડનઃ બ્રિટનની શેરીઓ લોહિયાળ બની રહી છે. ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો પર ચાકુથી કરાતા હુમલા પાંચ વર્ષમાં લગભગ બમણાં થયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવા હુમલા સૌથી વધુ છે. ચિંતાની બાબત એ છે કે તરુણો દ્વારા ચાકુની અણીએ કરાતી લૂંટફાટમાં ૫૦ ટકાનો વધારો થયો છે. શનિવાર બીજી માર્ચે ૧૭ વર્ષના બે તરુણોને ચાકુના ઘા મારી મોતને શરણ પહોંચાડાયા છે ત્યારે આ નવા આંકડા બહાર આવ્યા છે. પૂર્વ પોલીસ વડા બર્નાર્ડ હોગાન-હોવે છરાબાજીની આ ઘટનાઓને રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે.
ગયા વર્ષે ચાકુના હુમલાની ઈજાથી ૧૬ વર્ષથી ઓછી વયના કુલ ૩૪૭ બાળકોને હોસ્પિટલમાં લઈ જવાયાં હતા. આ સંખ્યા ૨૦૧૨-૧૩માં ૧૮૦ હતી. ચાકુથી હત્યા કરનારા ૧૮થી ઓછી વયના બાળકોની સંખ્યા પણ ૨૦૧૬-૨૦૧૮ના બે વર્ષમાં ૭૭ ટકા વધી છે. આ જ સમયગાળામાં તરુણો દ્વારા ચાકુની અણીએ કરાતી લૂંટફાટ ૫૦ ટકાથી વધુ એટલે કે ૬૫૬થી વધી ૯૯૯ અને બળાત્કારોની સંખ્યા ૩૩ ટકા એટલે કે ૨૪થી વધી ૩૩ની સંખ્યા થઈ છે.
NHSના ડેટા મુજબ ગત વર્ષે સમગ્ર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૯ અને તેથી ઓછી વયના ૧૦૯૨ ટીનેજર્સને ચાકુ અથવા અન્ય તીક્ષ્ણ સાધનોથી કરાયેલા હુમલા માટે સારવાર અપાઈ હતી. આ સંખ્યા પાંચ વર્ષ અગાઉની સંખ્યાથી ૫૫ ટકા વધુ છે. ચાકુ સંબંધિત ઈજા સાથે બે તૃતિઆંશથી વધુ તરુણોને લંડન બહારની હોસ્પિટલોમાં સારવાર અપાઈ હતી. રાજધાનીની બહાર ચાકુથી ગુનાની સંખ્યા લગભગ બમણી હોવાનું ઓફિસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટિક્સે જણાવ્યું છે.
માન્ચેસ્ટરમાં ૧૭ વર્ષીય યુસુફની હત્યા
લંડનઃ ચેશાયરના સમૃદ્ધ ગામ હેલ બાર્ન્સમાં બીજી માર્ચને શનિવારે ૧૭ વર્ષીય વિદ્યાર્થી યુસુફ માક્કીનું સ્ટેબિંગ થયું હતું. પોલીસે શંકાના આધારે બે ૧૭ વર્ષીય ટીનેજર્સની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા બન્ને આ વિસ્તારના અતિવૈભવી મકાનમાં રહેતા હોવાનું મનાય છે.
હાર્ટ સર્જન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતો યુસુફ એ ગ્રેડ સાથે માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલનો વિદ્યાર્થી હતો. આ સ્કૂલની વાર્ષિક ફી ૧૨,૦૦૦ પાઉન્ડથી વધુ છે. જોકે, યુસુફને આ સ્કૂલમાં અભ્યાસ માટે સ્કોલરશિપ મળી હોવાનું મનાય છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની માઈક આથર્ટનનો આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં સમાવેશ થાય છે.
યુસુફ હત્યાના સ્થળથી લગભગ દસ માઈલ દૂર માન્ચેસ્ટરના બર્નેજમાં કાઉન્સિલ હાઉસમાં રહેતો હતો. તેની માતા અંગ્રેજ છે જ્યારે પિતા લેબેનોનના હોવાનું મનાય છે.


