લંડનઃ ત્રણ આતંકવાદીએ માન્ચેસ્ટર સુસાઈડ બોમ્બહુમલાના ગણતરીના દિવસોમાં જ ત્રીજી જૂન, શનિવારે રાત્રે રાજધાની લંડનના બે સ્થળોએ હુમલો કરી ભયનો માહોલ ફેલાવી દીધો છે. ત્રાસવાદીઓએ સૌ પહેલા લંડન બ્રિજ પર સફેદ વાન હંકારી સંખ્યાબંધ લોકોને કચડી નાખ્યાં હતાં અને બરો માર્કેટમાં 'ધીઝ ઇઝ ફોર અલ્લાહ'ના નારા સાથે મોટા ચાકુઓ વડે હુમલો કરતા સાત લોકોને મોતને ઘાટ ઉતાર્યાં હતાં. બન્ને સ્થળે હુમલામાં ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. પોલીસે તત્કાળ પગલામાં માત્ર આઠ મિનિટમાં ત્રણેય આતંકીને ઠાર માર્યાં હતાં અને ૭ મહિલા સહિત ૧૨ વ્યક્તિની બાર્કિંગ ખાતેથી ધરપકડ કરી હતી. બ્રિટનમાં ૩ મહિનામાં આ ત્રીજો આતંકી હુમલો છે. પોલીસના જણાવ્યા મુજબ હુમલાની જવાબદારી ISISએ લીધી છે. વડા પ્રધાન થેરેસા મેએ રાજધાનીમાં આતંકી હુમલા છતાં આઠ જૂનની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ યથાવત રહેવાની જાહેરાત કરવા સાથે લંડન સહિતના શહેરોમાં એલર્ટ જાહેર કરાયો છે. મૃતકોના માનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો અને રાજકીય પક્ષોએ રવિવારનો ચૂંટણી પ્રચાર પણ મોકૂફ રાખ્યો હતો. પોલીસે ત્રણ મૃત ત્રાસવાદીઓની ઓળખ પાકિસ્તાની ખુર્રમ બટ, મોરોક્કન રશિદ રેડાઉને અને ઈટાલિયન-મોરોક્કન યોસેફ ઝાઘબા તરીકે કરી હતી.
આઠ જૂને યોજાનારી સામાન્ય ચૂંટણીના માત્ર ૪ દિવસ પહેલા શનિવારે મોડી રાત્રે ૩ આતંકવાદીએ લંડનમાં હુમલો કરતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. ત્રાસવાદીઓએ સફેદ વાન હંકારી લંડન બ્રિજ પર ચાલતાં લોકોને કચડ્યાં પછી બરો માર્કેટમાં ઘૂસીને સંખ્યાબંધ લોકો પર મોટા ચાકુઓથી હુમલો કરવાની ૮ મિનિટનાં રક્તરંજિત ઘટનાક્રમમાં ૭ લોકોનાં મોત થવાં ઉપરાંત ૪૮થી વધુ લોકો ઘાયલ થયા હતાં. પોલીસે તત્કાળ પ્રતિસાદમાં ત્રણેય આતંકીને ઠાર માર્યા હતા.
આઠ જૂને યોજાનારી સામાન્ય ચૂંટણીના માત્ર ૪ દિવસ પહેલા શનિવારે મોડી રાત્રે ૩ આતંકવાદીએ લંડનમાં હુમલો કરતા સમગ્ર દેશ સ્તબ્ધ બની ગયો છે. ત્રાસવાદીઓએ સફેદ વાન હંકારી લંડન બ્રિજ પર ચાલતાં લોકોને કચડ્યાં પછી બરો માર્કેટમાં ઘૂસીને સંખ્યાબંધ લોકો પર મોટા ચાકુઓથી હુમલો કરવાની ૮ મિનિટનાં રક્તરંજિત ઘટનાક્રમમાં ૭ લોકોનાં મોત થવાં ઉપરાંત ૪૮થી વધુ લોકો ઘાયલ થયા હતાં. પોલીસે તત્કાળ પ્રતિસાદમાં ત્રણેય આતંકીને ઠાર માર્યા હતા.
આતંકવાદીઓ નકલી વિસ્ફોટક બેલ્ટ બાંધીને આવ્યા
હુમલાખોરોએ લોકોને ડરાવવાના હેતુથી કમર પર નકલી વિસ્ફોટક બેલ્ટ બાંધ્યો હતો. જો વિસ્ફોટક બેલ્ટ અસલી હોત તો સુસાઈડ હુમલામાં મૃત્યુઆંક ઘણો વધી ગયો હોત. લંડન પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ નકલી એક્સપ્લોસિવ સુસાઈડ વેસ્ટ પહેર્યા હતા, જેનો હેતુ ફક્ત લોકોને ડરાવવાનો હોઈ શકે છે. આ હુમલાને આતંકવાદી કૃત્ય જ ગણી એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આતંકી હુમલા દરમિયાન ગોળીને અનેક અવાજ સાંભળીને કાઉન્ટર-ટેરર પોલીસ ફોર્સના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આઠ જ મિનિટમાં ત્રણેય આતંકવાદીને ઠાર માર્યા હતા. આ હુમલાના મૃતકોની સંખ્યા હજુયે વધી શકે છે કારણ કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનેક લોકો હોસ્ટિપલમાં સારવાર લઈ રહ્યા છે.
બ્રિટનમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ
આત્મઘાતી હુમલાખોર સલમાન અબેદીએ માન્ચેસ્ટર અરીનામાં પોપગાયિકા આરિયાના ગ્રાન્ડના કોન્સર્ટમાં વિસ્ફોટ કરી ૨૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા પછી બ્રિટનમાં વધુ વધુ આતંકી હુમલાની આશંકા હોવાથી બ્રિટન હાઈ એલર્ટ પર જ હતું. આમ છતાં, લંડનમાં હુમલો થયો છે. આ ઘટના અંગે બ્રિટનની ગુપ્તચર એજન્સીઓ પાસે કોઈ ઇનપુટ નહોતા. આ ઘટના અચાનક થઈ છે અને એજન્સીઓ પાસે પણ આવી ઘટના થશે તેવી કોઈ જાણકારી નહોતી. બ્રિટનમાં છેલ્લા ૧૦ દિવસમાં આ બીજી ઘટના છે. જેના કારણે બ્રિટનની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે. લંડનથી ૧૬૦ કિ.મી.નાં અંતરે આવેલાં બર્મિગહામમાં જ રવિવારે ભારત પાકિસ્તાન મેચ રમાઈ હતી. આ સ્થળે હુમલો થયો હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.
સાત મહિલા સહિત ૧૨ની ધરપકડ
દરમિયાન, આ હુમલા સંદર્ભે મેટ્રોપોલિટન પોલીસના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડે ઇસ્ટ લંડનના બાર્કિંગ વિસ્તારમાંથી રવિવારે સાત મહિલા સહિત ૧૨ લોકોની ધરપકડ કરી હતી. બાર્કિંગ વિસ્તારમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન્સ ચાલુ રાખી પોલીસે હુમલા માટે જવાબદાર લોકોની શોધખોળ જારી રાખી હતી. મૃતકોનાં માનમાં એક દિવસ ચૂંટણીપ્રચાર અટકાવી દેવાયો હતો, જે સોમવારથી ફરી ચૂંટણીપ્રચાર શરૂ કરાયો હતો. માત્ર ૧૦ દિવસના ગાળામાં બે આતંકી હુમલા છતાં આઠ, જૂન ગુરુવારે પૂર્વ આયોજન મુજબ જ મતદાન થશે.
આતંકી હુમલા છતાં સામાન્ય ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ
વડાપ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું કે આતંકી હુમલા છતાં સામાન્ય ચૂંટણી નિર્ધારિત કાર્યક્રમ મુજબ ૮ જૂને જ યોજાશે. મેએ કહ્યું કે હવે બહુ થયું, આ હુમલા અસહનીય છે અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે, આ ખૂબ જ ઘૃણાસ્પદ અને કાયરતાભર્યું કૃત્ય છે. આ એક ઘટનાને અમે આતંકવાદી હુમલો ગણીને જ તપાસ હાથ ધરી છે. વડા પ્રધાને અધિકારીઓનો સંપર્ક કરીને આદેશો આપવાની શરૂઆત કરી દીધી હતી. રવિવારે તેમણે કેબિનેટની કોબ્રા સમિતિની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. વડા પ્રધાન થેરેસાએ કહ્યું કે તપાસ પૂરી ના થાય ત્યાં સુધી આ ઘટનાઓને આતંકવાદી હુમલાની ઘટના જ મનાશે. લંડનના મેયર સાદિક ખાને પણ આ હુમલાને કાયરોનું કૃત્ય ગણાવ્યું છે. મેયરે ઘટના બાદ લંડનના મેયર સાદિક ખાને લોકોને અફવા પર ધ્યાન નહિ આપવા અને સત્તાવાર જાણકારી પર જ ભરોસો કરવા કહ્યું છે. લંડનસ્થિત ભારતીય દૂતાવાસે પણ હુમલામાં ફસાઈ જનારા ભારતીયો માટે પબ્લિક રિસ્પોન્સ યુનિટ ઊભું કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડન હુમલાને વખોડી કાઢ્યો છે અને માર્યા ગયેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
‘ધીસ ઇઝ ફોર અલ્લાહ’ના નારા લગાવ્યા
ઘટનાને નજરે નિહાળનારા કહી રહ્યા હતા કે તેણે વ્હાઇટ વાનમાંથી ઉતરેલાં ત્રણ લોકોને જોયાં હતાં. તેમણે ખંજરો કાઢીને પગપાળા ચાલતાં લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. તેઓ ‘ધીસ ઇઝ ફોર અલ્લાહ’ના નારા લગાવી રહ્યા હતા. ઘટનાને નજરે નિહાળનારે જણાવ્યું હતું કે બારમાં એક મહિલા દોડી આવી હતી. તેની ગરદન કપાયેલી હતી અને લોહી નીતરી રહ્યું હતું. સાક્ષીઓએ જોયું હતું કે અલ્લાહનું નામ લઈને તે મહિલા પર ૧૫થી વધારે વખત ઘા થયા હતા. તેણે જોયું હતું કે ૧૦ ઈંચનાં ખંજરથી એક બીજી વ્યક્તિ પર પણ વારંવાર ઘા થયા હતા. લોકો બીજાને બચાવવા મથી રહ્યાં હતાં તો ક્યાંક ગર્ભવતી મહિલા જખમી પડી હતી. કેટલાંક લોકો વળતી બોટલ્સ અને ખુરશીઓ ફેંકીને હુમલાખોરોથી બચવા પ્રયાસ કરી રહ્યાં હતાં.
લંડનબ્રિજ પર પ્રથમ હુમલો
પ્રથમ આતંકી હુમલો લંડનબ્રિજ પર થયો હતો. હુમલા વખતે બીબીસી રિપોર્ટર હોલી જોન્સ ત્યાં હાજર હતા. જોન્સે જણાવ્યું હતું કે, ‘વાનમાં આવેલા ત્રાસવાદીઓએ ૮૦ કિ.મી.ની પુરપાટ ગતિએ દોડી રહેલી વાનને પુલના કિનારે આવેલી ફૂટપાથ પર ચડાવી દીધી હતી. ફૂટપાથ પર અનેક લોકો ચાલી રહ્યાં હતાં. મારી નજર સમક્ષ જ ગાડીને વળાંક આપ્યો. પાંચથી છ લોકો કચડાઈ ગયાં. પહેલાં બે લોકોને ટક્કર લાગી અને પછી બીજા ત્રણ લોકોને ટક્કર લાગી હતી.’ તમામ વિસ્તારમાં સુરક્ષાવ્યવસ્થા વધારી દઈને લંડનબ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી હતી.
બરો માર્કેટમાં બીજો હુમલો
ગણતરીની મિનિટોમાં લંડન બ્રિજ પછી થેમ્સ નદીના દક્ષિણ કિનારે આવેલાં બરો માર્કેટમાં બીજો હુમલો થયો હતો. માર્કેટમાં ૧૦-૧૨ ઇંચ લાંબા ખંજર પ્રકારના ચાકુના ઘા મારીને ત્રણ લોકો પર હુમલો થયો હતો. હુમલાખોરો એક હોટેલમાં પણ ઘૂસી ગયા હતા. ખંજર સાથે હુમલો કરનારાઓએ કેટલાંક લોકોની ગરદન કાપી નાખી હતી. આ વિસ્તાર લંડનનું નાઇટલાઇફ હબ છે. આ વિસ્તારમાં ઘણા પબ-રેસ્ટોરાં છે. કાઉન્ટર ટેરરરિઝમ પોલીસના વડા માર્ક રૌલીએ જણાવ્યું હતું કે શનિવારે રાતે આતંકવાદીઓ લંડનબ્રિજ આસપાસના બાર પર હુમલા કરવા લાગ્યા હતા. તેમણે સ્યુસાઇડ વેસ્ટ જેવાં વસ્ત્રો ધારણ કર્યાં હોવાથી દોડધામ મચી ગઈ હતી. ખંજરથી હુમલા કરી રહેલા ત્રણ હુમલાખોરોએ સાત લોકોની હત્યા કરી હતી.
વોક્સહોલમાં હુમલો ત્રાસવાદી નહિ
પોલીસને લંડન બ્રિજ પરના હુમલાની જાણ થતાં જ બરો માર્કેટ પહોંચીને ઘટનાની જાણ થયાની આઠ મિનિટમાં તો ત્રણેય ત્રાસવાદીને ઠાર માર્યા હતા, તે પછી પોલીસને વોક્સહોલમાં હુમલાની જાણ થઈ હતી. વોક્સહોલ સ્ટેશન ખાલી કરાવાઈ રહ્યું હોવાની જાણકારી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી, ત્યાં ખંજરબાજી થઈ હોવાનું જાણમાં આવ્યું હતું, પરંતુ પોલીસે જણાવ્યું હતું કે તે ત્રાસવાદી હુમલો નહોતો.


