લંડનઃ પવિત્ર રમાદાન મહિનામાં ત્રાસવાદી અનવર અલ-અવલાકીની ‘હેટ સ્પીચ’નું પ્રસારણ કરવા બદલ શેફિલ્ડના રેડિયો સ્ટેશન Iman FMને ૨૧ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયું હતું. અવલાકીના પ્રવચનોમાં બિન-મુસ્લિમ લોકો સામે હિંસક પગલાં લેવા મુસ્લિમ કોમ્યુનિટીના સભ્યોની સીધી ઉશ્કેરણી કરાઈ હોવાનું રેગ્યુલેટર Ofcomની તપાસમાં ઠરાવાયું હતું.
અમેરિકન મુસ્લિમ ઉપદેશક અવલાકીના ૨૫ કલાકના પ્રી-રેકોર્ડેડ પ્રવચનો પ્રસારિત કર્યા હોવાનું શેફિલ્ડમાં મુસ્લિમ કોમ્યુનિટી માટેના રેડિયો સ્ટેશનIman FM દ્વારા સ્વીકારાયું હતું. રમાદાન મહિનામાં આ પ્રવચનો સાંભળનારી એક વ્યક્તિએ તેમાં હિંસા અને ધાર્મિક ઘૃણાને પ્રોત્સાહન અપાયાની ફરિયાદ કરી હતી. ઓફકોમે ઠરાવ્યું હતું કે અલ-કાયદાના જાણીતા ત્રાસવાદી નેતા અને તેના રીક્રુટરને પ્લેટફોર્મ આપવાના Iman FMના નિર્ણય બાબતે તેમને ગંભીર ચિંતા છે. તેના ઉપદેશો હિંસાને ધાર્મિક ફરજ તરીકે માન્ય ગણાવે છે. આ પ્રવચનોમાં યહુદી લોકો પ્રત્યે ઘૃણા વ્યક્ત કરી તેમને મારી નાખવા પ્રોફેટ મોહમ્મદનો કથિત આદેશ હોવાનું પણ જણાવાયું હતું.
રેડિયો સ્ટેશનIman FM દરરોજ સવારે આઠથી દસ જીવંત પ્રસારણ કરે છે પરંતુ, તેની પાસે આ મહિનામાં નિયમિત પ્રેઝન્ટરના અભાવે તેણે પ્રી-રેકોર્ડેડ લેક્ચર્સ મૂક્યા હતા. સમયના અભાવે પ્રવચનો પ્રસારિત કરતા પહેલા તેને સાંભળ્યા ન હોવાનું પણ રેડિયો સ્ટેશને જણાવ્યું હતું.


