રમેશ ભુતડાએ હિન્દુ યુનિ. ઓફ અમેરિકાને $1 મિલિયનનું દાન આપ્યું

ભવ્ય ઈવેન્ટમાં કિરણ અને રમેશ ભુતડાનું સન્માન

Tuesday 04th April 2023 13:24 EDT
 
 

હ્યુસ્ટનઃ હિન્દુ યુનિવર્સિટી ઓફ અમેરિકા (HUA) અને હિન્દુઝ ઓફ ગ્રેટર હ્યુસ્ટન (HGH) દ્વારા 26 માર્ચે VPSS હવેલી ખાતે ભવ્ય ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં કોમ્યુનિટીના આશરે 500 સભ્યે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં HUAને એક મિલિયન ડોલરનું દાન આપવા બદલ કિરણ અને રમેશભાઈ ભુતડાનું સન્માન કરવામાં આવ્યું હતું.

હ્યુસ્ટનસ્થિત સ્ટાર પાઈપ પ્રોડક્ટ્સના સીઈઓ રમેશભાઈ ભુતડા સફળ બિઝનેસમેન અને પરગજુ માનવી છે. તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત હિન્દુ પરિવારમાં જન્મ અને ઉછેર થવા છતાં તેઓ કદી હિન્દુ ધર્મના સત્વને સમજી શક્યા ન હતા. અન્ય યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને નિર્વાહ માટે કમાણી કરવાનું જ્ઞાન પુરું પાડે છે ત્યારે HUA જેવી સંસ્થાઓ વિદ્યાર્થીઓને જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે હિન્દુ જ્ઞાન પુરું પાડી શકે છે. આજના અને આવતી કાલના યુવાનો હિન્દુત્વના જ્ઞાન અને સમજ મેળવી શકે તે માટે HUAને સપોર્ટ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

પવિત્ર દીપ પ્રાગટ્ય સાથે આરંભ કરાયેલા કાર્યક્રમમાં HUAના ફેકલ્ટી ડો. કન્નિક્સ કન્નિકેશ્વરમ દ્વારા સમધુર સંગીત પરફોર્મન્સ અપાયું હતું. હિન્દુ ક્લાસિકલ ગાયકો અને પાશ્ચાત્ય સંગીત વાદ્યસંગીતકારોના સમન્વયને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

HUAના અભ્યાસક્રમો અને પ્રોગ્રામ્સ તેમજ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝના અનુભવોના ટુંકા વીડિયો દર્શાવાયા હતા. HUAના પ્રમુખ કલ્યાણ વિશ્વનાથને 1000થી વધુ વર્ષ પુરાણા તાંજાવુરના બૃહદેશ્વરા મંદિર અથવા વિનાશ કરાયો તે પહેલા 1700 વર્ષ સુધી જ્ઞાનદીપ પ્રગટાવી રહેલા નાલંદા યુનિવર્સિટીની માફક 1000 વર્ષ અડીખમ રહે તેવી હિન્દુ યુનિવર્સિટીના નિર્માણ માટે બધાને સાથ આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં HUA તમામ હિન્દુ પરંપરાઓ અને સંસ્થાઓ તેમનું શિક્ષણ આપી શકે તેવું સહયોગી પ્લેટફોર્મ બની રહેવાની આકાંક્ષા ધરાવે છે.

HUAના ચેરમેન વેદ નંદા, હ્યુસ્ટનસ્થિત ફેકલ્ટી મેમ્બર્સ ડો. રાજ વેદમ અને ચંદ્રા રઘુ, HGH બોર્ડ ઓફ એડવાઈઝર્સના ચેરમેન રશેષ દલાલ તથા ફીઝિસિસ્ટ અને યોગ ઈન્સ્ટ્રક્ટર રોબર્ટ બાઉસ્ટેનીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. 1989માં સ્થાપિત અને 1993માં ગવર્મેન્ટ ઓફ ફ્લોરિડા દ્વારા ઓથોરાઈઝ્ડ HUA હિન્દુ ધર્મ, પરંપરા અને સંસ્કૃતિના વિવિધ પાસા વિશે 2019થી ઓનલાઈન કોર્સીસ ઓફર કરે છે. વધુ માહિતી www.hua.edu પરથી મેળવી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter