રાજકારણમાં પ્રવેશવા માગતી એશિયન મહિલાઓ માટે પ્રેરણાદાયી બેઠક યોજાઈ

Friday 27th July 2018 06:45 EDT
 
 

લંડનઃ ઈન્ડિયન ફોરમ ઓન બ્રિટિશ મીડિયા દ્વારા પાર્લામેન્ટ કમિટી રૂમમાં ગત ૧૨ જૂને યુકેના રાજકારણમાં ભાગલેવા ઈચ્છતી ભારતીય મૂળની મહિલાઓ માટે પ્રેરણાદાયી બેઠક યોજાઈ હતી. સંસ્થાના પ્રમુખ પ્રભાકર કાઝાએ બેઠકનો પ્રારંભ કરાવતા યુકેના રાજકારણમાં ખૂબ ઓછી ભારતીય મહિલાઓ ભાગ લઈ રહી હોવાનું જણાવીને તેમને આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા જણાવ્યું હતું

સત્રના અધ્યક્ષસ્થાનેથી ફેલ્ધામ અને હેસ્ટનના સાંસદ સીમા મલ્હોત્રાએ મહિલાઓને બહાર નીકળીને બિઝનેસ, કોર્પોરેટ, રિટેઈલ અને અન્ય સાહસો સહિત સમાજમાં સંકળાવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે બિઝનેસ બ્રેકફાસ્ટ મીટીંગમાં હાજરી આપીને તેમના સામાજિક વર્તુળનો વ્યાપ પણ વધારવો જોઈએ.

હાઉસ ઓફ લોર્ડ્સના મેમ્બર શ્રીલા ફ્લેધરે તેમના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે તેઓ જ્યારે હાઉસ ઓફ લોર્ડ્સમાં નીમાયા હતા ત્યારે તેઓ પ્રથમ વંશીય લઘુમતિ સભ્ય હતા અને તેમના ડ્રેસ (સાડી)એ ખૂબ ધ્યાન દોર્યું હતું. તેમણે મહિલાઓને તેમના હક્કો માટે અવાજ ઉઠાવવા અને જાહેર બાબતો માટે તેમની રીતે લડત આપવા અનુરોધ કર્યો હતો.

સિવિક એમ્બેસેડર (૨૦૦૭) અને ન્યૂહામ, લંડનના કાઉન્સિલર ઓમાના ગંગાધરને કાઉન્સિલરોને એડમિનિસ્ટ્રેટરો તરફથી જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની વિસ્તૃત વાત કરી હતી. ક્રોયડનના ભૂતપૂર્વ મેયર અને કાઉન્સિલર શ્રીમતી મંજુ શાહુલ હમીદ, નિર્મલા મદાદીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

બાદમાં પ્રશ્રોત્તરી યોજાઈ હતી. તેમાં પેનલના સભ્યોએ આ પ્રયાસોમાં પરિવારના સભ્યોનો સહકાર મળે તેના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. સીમી અરોરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આગામી સમયમાં વધુ ભારતીય મહિલાઓ યુકેના રાજકારણમાં જોડાશે તેવી દ્રઢ આશા સાથે બેઠક પૂરી થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter