રાજકીય પક્ષોના મેનીફેસ્ટોમાં એશિયન ઈમિગ્રન્ટસનું ઓછું મહત્ત્વ

Wednesday 24th May 2017 07:48 EDT
 

લંડનઃ આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને કન્ઝર્વેટિવ, લેબર પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ એશિયન લોકોને ઓછું મહત્ત્વ આપવા સાથે તેમને નિશાન પણ બનાવ્યા છે. રાજકીય પક્ષોએ ઈમિગ્રેશનને મોટો મુદ્દો બનાવ્યો છે અને ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે કટિબદ્ધતા દર્શાવે છે. કન્ઝર્વેટિવ મેનીફેસ્ટો ઈમીગ્રેશન મુદ્દે સખત છે. તેઓ વિદેશી વિદ્યાર્થીઓ સહિત સંખ્યા પર અંકુશ લાવી ઇમિગ્રન્ટની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરે છે. તેમણે ઈમીગ્રેશન સ્કીલ ચાર્જ વ્યક્તિદીઠ ૨૦૦૦ પાઉન્ડ સુધી વધારવાનું વચન આપ્યું છે જે બ્રિટીશ વર્ક ફોર્સની બહાર કોઈને પણ કામે રાખવા કંપનીઓ અથવા બિઝનેસીસે ચૂકવવા પડશે.

વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓએ NHS સેવા માટે વધુ નાણાં ચૂકવવા પડે તેવી યોજના પણ ટોરી પાર્ટી વિચારે છે. વિદેશી વિદ્યાર્થીઓની ઉચ્ચ જરૂરિયાતો ન હોય તો તેમણે અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી દેશ છોડવાનો રહેશે. આનો અર્થ એ છે કે ‘પોસ્ટ સ્ટડી વર્ક’ વિઝા નજીકના ભવિષ્યમાં પુનઃ શરૂ નહીં કરાય.

હફીંગટન પોસ્ટના અહેવાલ અનુસાર લેબર પાર્ટીના મેનીફેસ્ટોમાં ઇમિગ્રેશન નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરાયા પછી તેની ડ્રાફ્ટ પોલીસી બદલવામાં આવી હતી. તેમની રૂપરેખા એવી છે કે બ્રેક્ઝિટ પછી એમ્પ્લોયર સ્પોન્સરશિપ, વર્ક પરમીટ્સ અને વિઝાના નિશ્ચિત સમય દ્વારા ઈમીગ્રેશન કંટ્રોલ હાંસલ કરી શકાશે. લેબર પાર્ટી વિવિધ જાતિ કે વંશીયતાના લોકો વચ્ચે ભેદભાવ નહીં કરે પરંતુ યુરોપમાંથી શ્રમિકોની મુક્ત અવરજવર વિશે ચિંતાનું પ્રતિબિંબ દર્શાવે છે.

લેબર પાર્ટી યુકેમાં કામદાર વર્ગનું પ્રતિનિધિત્વ કરતી હોવાથી કુશળ ઇમિગ્રન્ટસ તરીકે ભારતીયો બ્રિટિશ નોકરીઓ મેળવે તેની સામે અસંતોષ દર્શાવાયો નથી. પરંતુ ઈમિગ્રેશન સંખ્યામાંથી વિદ્યાર્થીઓને દૂર કરવા અંગે વચન આપવા ઉપરાંત તેમણે અન્ય કોઈ ખાતરી આપી નથી.

કોર્બીનના હાઉસ ટેક્સની ભારે ટીકા

લેબર પાર્ટીએ શાળાઓને ફ્રી બનાવવા વચન આપ્યું છે પરંતુ આ નાણાં ક્યાંથી આવશે તે કોઈને ખબર નથી. બીજી તરફ કન્ઝર્વેટિવ્સ કહે છે કે ફેમિલી હોમ પર ટેક્સ વધારવાના કોર્બીનના પ્લાનથી દરેક કોમ્યુનિટીને અસર થશે. પોતાના ઘરની માલિકીમાં માનતા એશિયનો પર આનાથી ભારે અસર પડશે. લંડનના ૧.૮ મિલિયન ઘર ટેક્સની જાળમાં ખેંચી લવાશે જે અગાઉ અતિ ધનિક લોકો દ્વારાજ ચૂકવવામાં આવતો હતો આના બદલે લાખો સામાન્ય વર્કિંગ પરિવારોએ આ ટેક્સનો માર સહન કરવો પડશે.

ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે ફેમિલી પર ટેક્સ નાખવાના જેરેમી કોર્બીનની યોજના તદ્દન વાહિયાત છે. પોતાના બાળકોને સારો વારસો આપી શકાય તે માટે ઘણાં પરિવારોએ ઘણી બાબતો પર બલિદાન આપ્યું છે. જે લોકો એ સખત મહેનત કરી બચત કરી છે તેમણે ફેમિલી હોમ પર કોર્બીનના દંડાત્મક ટેક્સથી ભાવિ પેઢી માટે શું કરવું તેની ચિંતા છોડવી પડશે.’

થેરેસા મેના યુ ટર્નથી વિવાદ

મજબૂત સ્થિર સરકારની હિમાયત કરવા સાથે આપણને સલામત હાથમાં રાખવાની સતત યાદ અપાવતા થેરેસા મેએ મુખ્ય મેનીફેસ્ટો પોલિસી જાહેર કર્યાના ચાર દિવસમાં જ પીછેહઠ કરી છે. જો કે તેમણે એવો દેખાવ કર્યો છે કે મૂળભૂત સિદ્ધાંતો યથાવત છે. જો કે ખરેખર તો તે બદલાઈ ગયા છે. વૃદ્ધો માટે લાંબાગાળાની સારસંભાળ અતિ જટિલ, દૂરદર્શિ અને સંવેદનાત્મક મુદ્દો છે. કોઈપણ સારી નીતિ નાણાકીય રીતે યોગ્ય વાજબી અને ટકાઉ હોવી જોઈએ. પરિવારોએ લાંબા ગાળાની યોજના માટે સ્થિર સિસ્ટમ હોય એની આશા રાખવી પડે. કન્ઝર્વેટિવ મેનીફેસ્ટોમાં દર્શાવેલા વિચારો તમામ મોરચે ટૂંકા પડે છે. સુચિત ફેરફારોથી પરિવારના વારસાને કે પેરેન્ટ્સના આરોગ્ય સંબંધિત યાતનાઓની અસર થવાની હતી. જોકે ૯૬ કલાકમાં જ આ ફેરફારો પાછા ખેંચી લેવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter