લંડનઃ બ્રિટિશ હિન્દુ અને ભારતીય કોમ્યુનિટીઓની સામાજિક ચળવળ INSIGHT UK દ્વારા 10 જૂન શનિવારે પ્રખ્યાત ભારતીય અમેરિકન લેખક રાજીવ મલ્હોત્રાના પુસ્તક ‘ટેન હેડ્સ ઓફ રાવણ- અ ક્રિટિક ઓફ હિન્દુફોબિક સ્કોલર્સ’ને લોન્ચ કરવાનો સફળ કાર્યક્રમ યોજાયો હતો. આ ઈવેન્ટમાં તેમના બીજા પુસ્તક ‘વર્ણ, જાતિ,કાસ્ટ’ને પણ લોન્ચ કરાયું હતું. બ્રિટિશ ભારતીય ડાયસ્પોરાએ બંને પુસ્તક અને રાજીવ મલ્હોત્રાને વધાવી લીધા હતા
‘ટેન હેડ્સ ઓફ રાવણ’ પુસ્તક આલોચનાત્મક સમીક્ષાનો સંગ્રહ છે જે વેન્ડી ડોનીગેર, ઓડ્રે ટ્રુસ્ચકે, શેલ્ડન પોલોક જેવા હિન્દુવિરોધી સ્કોલર્સની માનસિકતાનો પર્દાફાશ કરે છે જેમના હિન્દુઈઝમના ફ્રોડિયન સાઈકો-એનાલિસિસના તારણો તદ્દન બેજવાબદાર અને હિન્દુઓને અસ્વીકાર્ય છે. રાજીવ મલ્હોત્રાએ ભરચક ઓડિયન્સને સંબોધતા કહ્યું હતું કે,‘હિન્દુફોબિયા ઘણા લાંબા સમયથી અનેક પ્રકારે અસ્તિત્વમાં છે અને તે સતત વધી રહેલ છે. તેમણે હિન્દુફોબિયાની વ્યાખ્યા ખાસ એજન્ડા આધારિત ચોક્કસ ડોક્ટ્રીન્સ અને મેથેડોલોજીના પરિણામ સ્વરૂપ ગણાવી હતી જેની હિન્દુઈઝમ પર ચોક્કસ અસરો પડી રહી છે.
મલ્હોત્રાએ તેમના બીજા પુસ્તક સંદર્ભે ભારપૂર્વક કહ્યું હતું કે,‘કાસ્ટ-જ્ઞાતિ સામેના યુદ્ધમાં સફળ થવા આંબેડકરનો અભ્યાસ કરવો આવશ્યક છે. હિન્દુ ડાયસ્પોરા સામે હુમલો કરવા અને તેમને નિર્બળ બનાવવાના હેતુસર ‘કાસ્ટ’નો મુદ્દો પશ્ચિમી કિનારાઓ પર લવાયો છે.
રાજીવ મલ્હોત્રાએ ઓડિયન્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને હિન્દુ અને ભારતીય ડાયસ્પોરા સમક્ષ મહત્ત્વની સમસ્યાઓ સમજાવી હતી. તેમણે ભારતની સાચી સભ્યતાનો વારસા અને ઈતિહાસના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂકવા સાથે કોઈ ગેરરજૂઆત અને દુરુપયોગ અટકાવવા પર ભાર મૂક્યો હતો. રાજીવ મલ્હોત્રાએ ઈવેન્ટમાં ખરીદાયેલા પુસ્તકો પર પોતાની સહીઓ પણ કરી હતી.


