લંડનઃ મૂળ નેપાળી અને વોરવિકના રાધા ન્યુપેનને પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એન્વિરોન્મેન્ટાલિસ્ટ એવોર્ડ સાથે આંતરાષ્ટ્રીય સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્વિરોન્મેન્ટલ મેનેજમેન્ટ એન્ડ એસેસમેન્ટ (IEMA)નું સભ્યપદ એનાયત કરવામાં આવ્યું છે. રાધાએ ‘એસેસમેન્ટ ઓફ પ્રોફેશનલ કોમ્પિટન્સ’માં પર્યાવરણીય મુદ્દાઓ પર પોતાના અનુભવ અને સમજનું દર્શન કરાવ્યું હતું.
મિડલેન્ડ્સમાં એન્વિરોન્મેન્ટ એજન્સી ખાતે હેઝાર્ડસ વેસ્ટ ટીમમાં કામ કરતી રાધાએ કહ્યું હતું કે,‘મારી અત્યાર સુધીની સિદ્ધિઓથી હું રોમાંચિત છું.’ પોતાની નોકરીમાં તેને સૌથી વધુ શેમાં આનંદ આવે છે તે પ્રશ્નના ઉત્તરમાં તેણે કહ્યું હતું કે,‘લોકો અને બિઝનેસીસ સાથે વાતો કરવામાં તેમજ પ્રદુષણ અટકાવ, ઊર્જાબચત અને પર્યાવરણીય સંરક્ષણ સહિત વિવિધ મુદ્દાઓ વિશે સલાહ આપવામાં આનંદ મળે છે.’
અગાઉ, રાધા થાઈલેન્ડમાં કામ કરતી હતી અને ૨૦૦૮માં યુકે આવી હતી. તેણે ચાર્ટર્ડ સિવિલ એન્જિનીઅર સાથે લગ્ન કર્યાં છે. તરુણવયના ટ્વીન્સ બાળકો સાથે આ દંપતી વોરવિકમાં રહે છે.


