રામનવમી પર્વે રામલલ્લાના ભાલે થશે સૂર્યતિલક

Saturday 13th April 2024 07:15 EDT
 
 

અયોધ્યા: આ વખતે રામનવમીના પાવન પર્વ પર સૂર્યના કિરણો રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાનો અભિષેક કરશે. મંદિરના ત્રીજા માળે સ્થાપિત ઓપ્ટોમિકેનિકલ સિસ્ટમ દ્વારા સૂર્યકિરણો 17 એપ્રિલે બપોરે 12 વાગ્યે ગર્ભગૃહમાં પહોંચશે. અહીં કિરણો અરીસામાંથી પ્રતિબિંબિત થશે અને રામલલ્લાના કપાળ પર 75 મીમીના ગોળ તિલકના રૂપમાં 4 મિનિટ સુધી સીધા જ જોવા મળશે. દેશની બે વૈજ્ઞાનિક સંસ્થાઓની મહેનતથી આ સૂર્ય તિલક સાકાર થઈ રહ્યું છે.
મંદિરના પૂજારી અશોક ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા, ગર્ભગૃહની ઉપર ત્રીજા માળે સૂર્ય તિલક માટે વૈજ્ઞાનિક ઉપકરણો સ્થાપિત કરવામાં આવ્યા હતા. રવિવારે મધ્યાહન આરતી પછી જ્યારે પ્રથમ અજમાયશ થઈ ત્યારે રામલલ્લાના હોઠ પર કિરણો પડ્યાં. આ પછી લેન્સ ફરીથી સેટ કરવામાં આવ્યો અને સોમવારે ટ્રાયલ હાથ ધરવામાં આવી અને કિરણો કપાળ પર પડ્યા હતા. આમ હવે રામનવમી પર્વે સૂર્યતિલકનું આયોજન નિશ્ચિત માનવામાં આવે છે. વીતેલા સપ્તાહે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિલ્ડિંગ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે રામનવમી પર્વે રામલલ્લાના ભાલે સૂર્યતિલક થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તે સમગ્ર અયોધ્યામાં 100 એલઇડી સ્ક્રીન પરથી પ્રસારિત થશે. અગાઉ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે આ વખતે સૂર્ય તિલક કરવું મુશ્કેલ છે.
કિરણો આ રીતે ગર્ભગૃહ સુધી પહોંચશે
આ સિસ્ટમ આઇઆઇટી-રુરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે. પ્રોજેક્ટ વૈજ્ઞાનિક દેવદત્ત ઘોષના જણાવ્યા અનુસાર, તે સૂર્યનો માર્ગ બદલવાના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં રિફ્લેક્ટર, બે મિરર્સ, ત્રણ લેન્સ છે અને સૂર્યકિરણો બ્રાસના પાઇપ દ્વારા મસ્તક સુધી પહોંચશે.
ગણતરીની સેકન્ડમાં કિરણની ઝડપ બદલાશે
સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (સીબીઆરઆઈ)ના વૈજ્ઞાનિક ડો. પ્રદીપ ચૌહાણે જણાવ્યું કે રામનવમીની તારીખ ચંદ્ર કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. સૂર્યતિલક સમયસર થાય તેની ખાતરી કરવા માટે, સિસ્ટમમાં કુલ 19 ગિયર્સ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે સેકન્ડમાં મિરર અને લેન્સ પરના કિરણોની ગતિ બદલી દેશે. બેંગલૂરુ સ્થિત કંપની ઓપ્ટિકાએ લેન્સ અને બ્રાસ પાઇપનું ઉત્પાદન કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા ચંદ્ર અને સૌર કેલેન્ડર વચ્ચેના જટિલ તફાવતોની સમસ્યાનું નિરાકરણ કરાયું છે.
એક બોક્સમાં છત પર રિફ્લેક્ટર ગોઠવાયું છે. તેમાં એક મોટો મુખ્ય લેન્સ છે, જે 19 ગિયર્સ દ્વારા વીજળી વગર કામ કરશે. રામનવમીના દિવસે 12 વાગ્યે સૂર્યના કિરણો ત્રીજા માળે સ્થાપિત સિસ્ટમના પ્રથમ રિફ્લેક્ટર પર પડશે. અહીંથી તે પહેલા અરીસામાં જશે અને પછી લેન્સ દ્વારા ઝડપથી આગળ વધશે. ઊભી પાઇપમાં બે વધુ લેન્સમાંથી પસાર થતાં, કિરણો ગર્ભગૃહમાં રામલલ્લાની સામે સ્થાપિત બીજા અરીસા પર પડશે. આ અરીસો 60 ડિગ્રી પર મૂકવામાં આવે છે, જેથી કિરણો સીધા રામલલ્લાના કપાળ પર પહોંચશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter