લંડનઃ ભારતના પ્રાચીન મહાકાવ્યોમાં એક ‘રામાયણ’ને કેન્દ્રમાં રાખી સર્જાયેલી ફિલ્મ રામાયણઃ ધ રાઈઝ ઓફ એ લેજન્ડના સ્ટાર કલાકારો યશ, રણબીર કપૂર, સાઈ પલ્લવી, નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીનો જાદુ લંડનની પ્રતિષ્ઠિત કોરીન્થીઆ હોટેલ ખાતે ફેલાયો હતો જ્યાં તેઓ વિશેષ ફોટો શૂટ માટે આવ્યા હતા. ભારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે ફિલ્મ યુકેમાં 5 નવેમ્બરે રીલિઝ થઈ રહી છે ત્યારે તેના આંતરરાષ્ટ્રીય પ્રમોશનલ કેમ્પેઈનના ભાગરૂપે અગ્રણી કલાકારો લંડનના આંગણે આવી પહોંચ્યા હતા. લંડનની આઈકોનિક સ્કાયલાઈનની પશ્ચાદભૂમાં કલાકારોએ ફોટોગ્રાફર્સને વિશિષ્ટ પોઝ આપ્યા હતા.
શાશ્વત ભારતીય મહાકાવ્યથી પ્રેરિત ફિલ્મ ‘રામાયણઃ ધ રાઈઝ ઓફ એ લેજન્ડ’ મોટા પડદા પર વીરતા, કર્તવ્ય, બલિદાન, પ્રેમ તેમજ અશુભ પર શુભના વિજયની કથા રજૂ કરે છે. ભારતીય સંસ્કૃતિ, ધરોહર અને પરંપરાના ઊંડા મૂળ સાથેનું મહાકાવ્ય રામાયણ પેઢીઓથી લોકમાનસમાં ઉતરતું રહ્યું છે અને વિશ્વભરના ઓડિયન્સીસના દિલોદિમાગ સાથે જોડાયેલું છે.
આ ફિલ્મ ભારતીય સિનેમાના ત્રણ સૌથી લોકપ્રિય પ્રતિભાઓને સાથે લાવી છે. યશ રાક્ષસરાજ રાવણની ભૂમિકામાં છે જ્યારે રામની કેન્દ્રીય ભૂમિકામાં રણબીર કપૂર છે અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં તેમની હાજરીએ ઓડિયન્સીસમાં ભારે ઉત્સુકતા પેદા કરી છે. સાંસ્કૃતિક કલ્પનાવિશ્વમાં વિશિષ્ટ સ્થાન ધરાવતી કથા માટે અગ્રણી કલાકારવૃંદ આ ફિલ્મ સાથે સંકળાયું છે.
ફિલ્મના કલાકારો દ્વારા લંડનમાં ફોટોશૂટ થકી આંતરરાષ્ટ્રીય ઓડિયન્સીસ અને ખાસ કરીને રામાયણ જેમના માટે સાંસ્કૃતિક ઓળખ, વાર્તાકથન અને પરંપરાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહેલ છે તેવી સાઉથ એશિયન કોમ્યુનિટી સાથે ફિલ્મના જોડાણની અનોખી તક સર્જાઈ છે. પરિવાર, આસ્થા, સત્યનો માર્ગ અને ધીરજના વિષયો સાથે મહાકાવ્ય રામાયણ અનેક પેઢીઓ અને સમુદાયો સાથે તાદાત્મ્ય સાધવામાં સુસંગત બની રહ્યું છે.
થીએટ્રિકલ ડેબ્યુ માટે ઉત્સુકતા વધી રહી છે ત્યારે ‘રામાયણઃ ધ રાઈઝ ઓફ એ લેજન્ડ’ આ લોકપ્રિય કથાને વૈશ્વિક ફલકના ઓડિયન્સીસ સમક્ષ રજૂ કરવા અને ભારતીય વાર્તાકથનની દંતકથારૂપ કલ્પનાને સિનેમાગૃહોમાં લાવવા સજ્જ છે.


