રાયઠ્ઠા બંધુઓની કોવીદ-૧૯માં સંગીત સેવા

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 09th September 2020 07:37 EDT
 
 

કોડીયું
ઉપાડશે કોણ મારૂં કામ?
અસ્ત થતા સૂર્યે પૂછ્યું.
સાંભળી જગત નિરૂત્તર રહ્યું.
માટીનું કોડીયું બોલ્યું,
“મારાથી બનતું હું બધું કરી છૂટીશ"
- કવિવર ટાગોર
વાચક મિત્રો, કવિવર ટાગોરની આ પાંચ પંક્તિઓએ અમને પ્રેરણા આપી. આપણા સમાજમાં એવા કેટલાય ભાઇ-બહેનો હશે જે માટીના કોડીયાની જેમ પોતપોતાની રીતે ઉજાશ ફેલાવવા મૂંગે મોંઢે કાર્ય કરી રહ્યાા છે. આવા ઘર આંગણે ટમટમતાં દીવડાંઓને પ્રકાશમાં લાવવાની અમારી પહેલ આપને જરૂર ગમશે એવી આશા. આપને જો આવા તારલાઓની માહિતી હોય તો અમને જરૂર જણાવજો.

----------------

યુવા વય એટલે ડીસ્કોમાં જવાની અને મોજમજા કરવાની ઉમર. એમાંય વળી વિદેશની ધરતી પર જન્મ્યા હોય તો! આસપાસની હવા એમને સ્પર્શે જ. જો કે એમાં અપવાદ પણ હોય! આજે આવા બે ગુજરાતી યુવા બંધુઓ, જેની રગેરગમાં ભારતીય સંસ્કારનું સંગીત વહે છે. અખિલ (૨૮) અને રીખિલ (૨૫) નાનપણથી જ ભજન અને હિન્દુસ્તાની ક્લાસીકલ સંગીતથી આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીને અભિભૂત કરી રહ્યાં છે.
વેમ્બલીમાં રહેતા શ્રીમતી ભાવનાબહેન અને દિલિપભાઇ રાયઠ્ઠાના આ બે દિકરાઓ વીસેક વર્ષથી સંગીત શીખી રહ્યાં છે. એમની સંગીત સફરના બીજ નીસડનની સ્વામિનારાયણ સ્કુલમાંથી રોપાયાં હતાં. ૨૦૦૪થી તેઓ લાઇવ ઇવેન્ટ્સમાં ભજન અને ગરબાના કાર્યક્રમો આપી રહ્યાં છે.
 કોવીદ-૧૯ દરમિયાન આ બંધુઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમો દ્વારા સમાજને એમની સેવા સાદર કરવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન લગભગ ૫ચાસેક કાર્યક્રમો ઝૂમ, યુ ટ્યુબ અને ફેસબુક પર રજુ કર્યા. જેમાં જન્માષ્ટમી, સભા જેવા પ્રસંગોએ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન, યંગ લોહાણા સોસાયટી, વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન વગેરે અનેક સંસ્થાઓ માટે કાર્યક્રમો પ્રસ્તુત કરેલ. એમની પ્રોફેશ્નલ કેરીયર સાથે નવોદિત કલાકારો તૈયાર કરવામાં પણ પોતાનું અનુદાન આપી રહેલ છે જે કાબીલે તારીફ છે.
અખિલે ૩ થી ૧૬ વર્ષના બાળકોને ભજનો શીખવવાની સેવા વોલંટીયરી ધોરણે બાપાના યુથ શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડના સૌજન્યથી આપી રહેલ છે. અખિલની આગવી વિશેષતા એ છે કે, બાળકોને એ અર્થ સહિત ભજન શીખવે છે. પહેલા મંદિરમાં ભજન શીખવાડતા હતા પછી કોવીદ-૧૯નું લોકડઉન થયા બાદ પેનેડેમીકમાં ઝૂમ પર શીખવવાનું શરૂ કર્યું જેનો લાભ હવે વિશ્વના દેશોમાં વસતા બાળકો પણ લઇ રહ્યા છે. દર રવિવારે સવારે ચાલતા આ વર્ગમાં એક સવારે મેં જાતે હાજર રહી જોયું. યુવા વયમાં આવી સરસ સમજ દાદ માગી લે એવી છે. રીખીલ બે વર્ષથી વાંસળી વગાડતો. એણે ટેલીવીઝન પર પ્રસારિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધેલ જેમાં માંચેસ્ટરમાં ૨૦૧૯માં યોજાયેલ પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત કથાનો પણ સમાવેશ થાય છે.
રીખીલ હવે વીકલી વાંસળી-વાદનનના ક્લાસીસ ચલાવે છે. ઘણી બધી ચેરિટીઓ માટે આ બંધુઓએ હજારો પાઉન્ડ એકત્ર કર્યા છે. તાજેતરમાં ગ્લોબલ ચેરિટી યુનિસેફ માટે વિશ્વભરમાં રામ ધૂન જગાવી ૧૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. લોકડાઉન બાદ પણ અખિલ-રીખિલ ભજનની આહ્લેક ભારતીય સમાજમાં આજની તેમજ આવતીકાલની પેઢીમાં જગાવવા આતુર છે. ધન્ય છે એમના માતા-પિતાને આવા સરસ સંસ્કારનું સિંચન કરવા માટે.
ભજન, સભા અને ક્લાસીસ માટે સંપર્ક: 07970 245 249


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter