લંડનઃ તમારે કશે બહાર જવાનો પ્રોગ્રામ ગોઠવાયો હોય અને તમે તૈયાર થઈને પરિવારના સભ્યોની રાહ જોવામાં આંટાફેરા મારતા હશો તેમાં તમને અકળામણ થતી હશે પરંતુ, નવાઈ જરા પણ લાગતી નહિ હોય. એક સર્વેના તારણો અનુસાર પાર્ટનર્સ અને બાળકોની રાહ જોવાં પાછળ જિંદગીના લગભગ ૨૦ મહિના વીતી જાય છે. સરેરાશ બ્રિટિશ વ્યક્તિ રાહ જોવામાં જ આશરે સાત વર્ષ વીતાવે છે જે તેના જીવનના ૧૧ ટકા સમય જેટલું છે. ૧૨માંથી એક વ્યક્તિનું માનવું છે કે એક દાયકામાં રાહ જોવા પાછળનો સમય બમણો થઈ ગયો છે.
રાહ જોવામાં જે સમય બગડે છે તેના કારણોની યાદીમાં રંધાતા ભોજનની રાહ (૧૭ મહિના), બાળકો (૧૩ મહિના) અને આપણા પાર્ટનર્સ (૬.૫ મહિના) અગ્ર ક્રમે છે. સમયના વેડફાટના અન્ય કારણોમાં સ્લો ટેકનોલોજી (૫.૫ મહિના), કતારમાં રાહ જોવી (૪.૫ મહિના), કીટલીમાં પાણી ઉકળે તેની રાહ (૩.૯ મહિના) સહિતનો સમાવેશ થાય છે. આપણે રાહ જોવાની જે ક્ષણોનો ઉપયોગ કરીએ છીએ તેમાં પણ બદલાવ આવ્યો છે. આપણે ભૂતકાળમાં વાંચતા (૧૩ ટકા) હતા અથવા ફોન પર ગેઈમ્સ રમતા (૧૬ ટકા) હતા. આજે આપણે જો મનોમન અકળાતા (૧૬ ટકા) ન હોઈએ તો સ્માર્ટફોન વડે ઓનલાઈન શોપિંગ (૧૩ ટકા) કરીએ છીએ અથવા સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ (૩૧ ટકા) જોઈએ છીએ.
પ્રિવિલેજ ઈન્સ્યુરન્સ દ્વારા ૨૦૦૦ બ્રિટિશને તેમનો સમય કેવી રીતે પસાર કરવાનું ગમશે તે પ્રશ્ન પૂછાયો ત્યારે ૨૯ ટકાએ પોતાના પરિવાર સાથે સમય વીતાવવો ગમશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ, ૨૨ ટકાએ વધુ નાણા કમાવવાનો અને ૨૬ ટકાએ પોતાના શોખ પાછળ સમય વીતાવવાની પસંદગી જણાવી હતી. ૨૨ ટકાએ કશાની રાહ જોવાનો સમય ઉંઘવાના ઉપયોગ કરવાનું કહ્યું હતું. જોકે, ૩૧ ટકાએ સ્વીકાર્યું હતું કે રાહ જોઈએ કોઈ વસ્તુ મળે તેનો આનંદ માણવાનું તેમને ગમશે. ત્રણ અને તેથી ઓછી વયના બાળકોના ૫૦ ટકાથી વધુ પેરન્ટ્સે જણાવ્યું હતું કે રાહ જોવામાં જ તેમને શાંતિ અને આરામની તક મળે છે.
રાહ જોવામાં વેડફાતો સમય
શેની રાહ જોવી પડે છે મહિનામાં સમય
ભોજન રાંધવામાં ૧૬.૯
બાળકો ૧૨.૭
પાર્ટનર્સ ૬.૫
સ્લો ટેકનોલોજી ૫.૫
કશેક રોકી રખાય ૪.૫
કતારમાં બેસવું કે ઊભા રહેવું ૪.૫
મિત્રો સાથે ૪.૪
ટીવી પર જાહેરાતો ૪.૨
કીટલીમાં પાણી ઉકળવાની ૩.૯
ટ્રાફિક લાઈટ્સ ૩.૭
અન્યો ભોજન પતાવે તેની ૩.૬
બસ અથવા ટ્રેન ૩.૪
બાથરુમના ઉપયોગ ૩.૦
ફોનની રિંગ વાગવાની ૨.૪