૪ ઓક્ટોબરને રવિવારે યોજાયેલી વર્જિન મની લંડન મેરેથોનની ૪૦મી વર્ચ્યુઅલ દોડમાં સમાત્રા ગામના રીના સિયાણી અને પલ્લવી ગામીએ ભાગ લીધો હતો. શ્રી કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC UK)ના આ સક્રિય વોલન્ટરી મેમ્બર્સે ચીલ્ડ્રન વીથ કેન્સર યુકે ચેરિટી માટે £૧૦,૦૦૦થી વધુની રકમ એકત્ર કરી હતી. બે ટીનેજરની માતા રીના સિયાણી વ્યવસાયે ટીચર છે અને પલ્લવી ટ્રેઈની સોલિસિટર છે.
તેમણે જણાવ્યું હતું,‘ અમે હજુ પણ માની શકતા નથી કે ૪૮ કલાક પહેલા અમે મેરેથોન દોડ્યા હતા. આ વર્ષે આ દોડ એપ્રિલ ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૦ પર મુલતવી રખાઈ હતી. જોકે, તે પણ અન્ય લંડન મેરેથોનની માફક યોજાય તેમ ન હતું. આ દોડમાં વર્ચ્યુઅલી દોડવાનું હતું. તેનો અર્થ એ કે દુનિયાભરના ૪૫,૦૦૦ દોડવીરો પાસે તેમના ઘરની આસપાસ ૨૬.૨ માઈલ દોડવા માટે ૨૪ કલાકનો સમય હતો. તેથી મહિનાઓની ટ્રેનિંગ પછી અમે પણ રોડની સપાટી, ઉંચાઈ (એટલે કે તમામ ટેકરીઓ સિવાય), વોટર સ્ટેશન્સ અને ખાડાને ધ્યાનમાં લઈને અમારા પોતાના રુટનું પ્લાનિંગ કર્યું.’
તેમણે ઉમેર્યું,‘ આ રેસ અન્ય રેસ જેવી ન હતી તેથી અમારા મિત્રો અને પરિવારના ૨૬ સભ્યો અમારી સાથે એક-એક માઈલ દોડે તેવો અમે નિર્ણય કર્યો. આ એક જીનિયસ સ્ટ્રોક હતો. સતત વરસાદમાં અમને દોડવા માટે અમારા પરિવાર અને મિત્રોનો સાથ, ઉર્જા અને પ્રોત્સાહન મળી રહે તેમજ થાકી જઈએ તો વાતચીત કરવા માટે એક પછી એક નવી વ્યક્તિ મળે તેવો તેની પાછળનો આશય હતો. અમારી સાથે એક-એક માઈલ દોડનારા ૨૬ સાથીઓને આ દોડમાં ખૂબ મજા આવશે અને તેઓ લાંબા સમય સુધી સાથે રહેશે અને કદાચ આ દોડમાં ભાગ લેવા માટે નોંધણી કરવા પ્રેરાશે તેવી અમને ખબર ન હતી.’
તેમણે કહ્યું,‘અમે કોઈ પણ રીતે ફીટ નથી. અમે હંમેશા નેટબોલ પ્લેયર્સ રહ્યા છીએ. પરંતુ, શૂટર્સ તરીકે અમે કદી ટીમના શ્રેષ્ઠ રનર્સ ગણાઈએ નહીં. મેરેથોન દોડવું એ ખૂબ જોખમભર્યું કામ છે. તેમાં અન્ય પ્રતિબદ્ધતાઓના પાલનની સાથે એક-એક માઈલ પૂરી કરવાની હોય છે.’
તેમણે ઉમેર્યું,‘ અમે જ્યારે પણ બહાર દોડવા માટે જઈ શકીએ ત્યારે વધારાની સ્ટ્રેન્થ એક્સરસાઈઝ કરવી, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ મેળવવી તેમજ વ્યવસ્થિત રીતે આરોગ્યપ્રદ ખોરાક લેવાની તકેદારી રાખવી પડે. ટ્રેનિંગ દરમિયાન એવો પણ સમય આવતો કે જ્યારે અમારું મનોબળ ખૂબ ઘટી જતું. પરંતુ અમે આ શા માટે કરીએ છીએ તે અમારી જાતને સતત યાદ અપાવતા. આ અમારા માટે હતું કે ચેરિટી માટે હતું, પણ અમે જાણતા હતા કે અમારું એક લક્ષ્ય હતું અને તેને હાંસલ કરવા માટે સતત ધીરજ રાખવી પડે.’


