લંડનઃ ભારતમાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા ડેવિડ અને સિમોન રુબેને ઓક્સફર્ડ યુનિવર્સિટીને ગ્રેજ્યુએટ્સ માટે ૩૯મી કોલેજ ખોલવા ૮૦ મિલિયન પાઉન્ડનું દાન આપ્યું છે. સ્થાપના હંગામી રીતે પાર્ક્સ કોલેજ નામ અપાયેલી રુબેન કોલેજને ૨૦૧૯માં ઔપચારિક મંજૂરી પ્રાપ્ત થઈ હતી. વિવિધ વિદ્યાશાખા ધરાવતી આ કોલેજ પર્યાવરણીય બદલાવ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સેલ્યુલર લાઈફ જેવા વિષયોમાં એપ્લાઈડ સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કોલેજ ખોલવા બાબતે યુનિવર્સિટીની ગવર્નિંગ કોંગ્રેગેશન બોડી દ્વારા આ મહિનાના અંતે મંજૂરી મળી શકે છે.
રુબેન પરિવારે ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો નથી પરંતુ, તેમના ફાઉન્ડેશન દ્વારા ઓછી આવક પશ્ચાદભૂ સાથેના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા સાથે યુનિવર્સિટીને દાન આપવાની શરુઆત કરી હતી. તેમના નવા દાનમાંથી ૧૭ મિલિયન પાઉન્ડનું ફંડ તે પ્રવૃત્તિ ચાલુ રખાશે. એન્જિનિઅર લાયોનેલ ટારાસેન્કોના વડપણ હેઠળની કોલેજમાં ૨૯ એક્ડેમિક સ્ટાફ-ફેલોની નિયુક્તિ કરી દેવાઈ છે અને આરંભમાં ૨૦૨૧ના શૈક્ષણિક વર્ષ માટે ૧૦૦ ગ્રેજ્યુએટ્ને પ્રવેશ અપાશે. આગામી વર્ષોમાં ઓછામાં ઓછાં ૫૦ ફેલો અને સંખ્યાબંધ વિદ્યાર્થીઓથી સંસ્થા કાર્યરત રહેશે.
ઓક્સફર્ડના વાઈસ ચાન્સેલર લૂઈ રિચાર્ડસને જણાવ્યું હતું કે ‘અમને ખૂબ રોમાંચ થયો છે. કોલેજીસ તેમની સામુદાયિક ભાવનાને અવરોધે તેવી મોટી થવા માગતી નથી. અમારી સમક્ષ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ પાસેથી પૂરી ન થાય તેટલી ગ્રેજ્યુએટ બેઠકોની માગ છે.’ તાજેતરના ઈતિહાસમાં ઓક્સફર્ડને સૌથી વધુ ૧૫૦ મિલિયન પાઉન્ડનું દાન વિશ્વની સૌથી મોટી પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ બ્લેકસ્ટોના સ્થાપક સ્ટીફન શ્વારર્ઝમેન દ્વારા ગત વર્ષે અપાયું હતું.
૨૦૨૦ના સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટમાં ૧૬ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે રુબેનબંધુને બ્રિટનમાં બીજા ક્રમના સૌથી ધનવાન લોકો તરીકે મૂળ ભારતીય શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજા સાથે સંયુક્ત સ્થાન અપાયું હતુ. આ લિસ્ટમાં પ્રથમ સ્થાને જેમ્સ ડાયસન છે. રુબેનબંધુ ડેવિડ અને સિમોને ૧૯૯૦ના દાયકામાં પૂર્વ સોવિયેત યુનિયનના ‘વાઈલ્ડ ઈસ્ટ’માં ધાતુઓના વેપારમાંથી અંશતઃ સમૃદ્ધિ જમાવી હતી. રિચલિસ્ટમાં ત્રીજા સ્થાને રહેલા લેન બ્લાવાટનિકે પણ રશિયામાંથી જ કમાણી ઉભી કરી હતી. તૈણે પણ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ ગવર્મેન્ટ માટે દાન આપ્યું છે.