રેડબ્રિજ કાઉન્સિલના લીડર જસ અથવાલ શરણાર્થીઓની વહારે

Tuesday 15th March 2022 17:14 EDT
 
 

લંડનઃ રેડબ્રિજ કાઉન્સિલના લીડર જસ અથવાલ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી નાસીને પોલેન્ડની સરહદે આશરો લઈ રહેલા યુક્રેનવાસીઓની વહારે ધાયા છે. તેઓ શરણાર્થીઓ માટે સહાયસામગ્રીના 3 ટનથી વધુ પુરવઠા સાથે ટ્રક લઈને રોમાનિયા જવા રવાના થયા છે. લંડનની વિવિધ ચેરિટીઝ પાસે સહાયસામગ્રીનો ભરાવો થઈ ગયો હોવાથી અથવાલે પોતાના સાથી હરપ્રીત લાખન સાથે 1,600 માઈલનું અંતર કાપવા નિર્ણય લીધો હતો.

લંડનવાસીઓ દ્વારા કોટ્સ, બ્લેન્કેટ્સ, બાળકો માટે નેપીઝ અને મેડિકલ સામગ્રીનું ડોનેશન કરવામાં આવ્યું છે. વિવિધ ચેરિટીઝ પાસે શરણાર્થીઓ માટે ડોનેશનની સહાયસામગ્રીનો ભરાવો થઈ ગયો છે અને ચેરિટીઝ પાસે યુરોપ પહોંચાડવાની કામગીરી સંભાળી શકે તેવો સ્ટાફ ન હોવાથી ઘણી સામગ્રી વેરહાઉસીસમાં રાખવી પડી છે. ચેરિટીઝ સામાન પહોંચાડી શકે તેમ ન હોવાનું જણાતા લંડન બરો ઓફ રેડબ્રિજની કાઉન્સિલના લીડર અને ચાર સંતાનોના પિતા જસ અથવાલે ખુદ આ સહાય પહોંચાડવાની કામગીરી સંભાળી લીધી છે.

જસ અથવાલ યુક્રેનની પોલિશ સરહદે માઈનસ9 ડીગ્રી સેન્ટિગ્રેડનું નીચું તાપમાન છે તેવા સ્થળે શરણાર્થીઓને કોટ્સ અને બ્લેન્કેટ્સનું વિતરણ કરવા રોમાનિયાની ચેરિટી સાથે સંકળાયેલા છે. તેઓ બુધવાર 9 માર્ચની સાંજે રવાના થયા હતા અને 12 માર્ચે ત્યાં પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter