રેન્સમવેર વાયરસે NHS સહિત યુકેને બાનમાં લીધુ

Wednesday 17th May 2017 06:53 EDT
 
 

લંડનઃ વિશ્વભરને સ્તબ્ધ કરી નાખતા સાયબર એટેકના પરિણામે બેન્કિંગ અને આરોગ્ય સહિતની કામગીરી અટકી ગઈ હતી. રેન્સમવેર તરીકે ઓળખાયેલાં આ સાયબર હુમલાની યુકે, યુએસ, ચીન, જાપાન, ભારત સહિત ૧૦૦થી વધુ દેશોને ગંભીર અસર પહોંચી હતી. આ હુમલાના કારણે યુકેની NHSને ભારે અસર પહોંચી હતી અને દર્દીઓના ઓપરેશન્સ પણ અટકાવી દેવાયાં હતાં. સાયબર હુમલાખોરોએ હેક કરાયેલી ફાઈલો કે ડેટા પરત મેળવવા રીતસર ખંડણીની માગણી કરી હતી. જોકે, બ્રિટિશ ટેક બ્લોગર મારકસ હચિન્સના આકસ્મિક પગલાના લીધે આ વાયરસ આગળ વધતો અટકી જવાથી દેશો અને કોર્પોરેટ્સે રાહતનો શ્વાસ લીધો હતો.

બ્રિટન પર મોટો સાયબર હુમલો

બ્રિટનની NHSના કોમ્પ્યુટરો અને ફોનલાઈન સાયબર એટેકનો ભોગ બનવાથી હોસ્પિટલોની સેવા ઠપ થઈ હતી. હોસ્પિટલમાં કોમ્પ્યુટર શરૂ થતા જ સંદેશો જોવા મળે છે કે, કોમ્પ્યુટરની તમામ ફાઈલો હેકરના કાબૂમાં હોવાથી ફાઈલો પરત મેળવવા સમય ન બગાડવો. આ ફાઈલો માટે ૩૦૦ બિટકોઈન્સ એટલે કે ૪૧૫,૦૦૦ યુરો ચુકવવાની માગણી કરાઈ હતી. આ સાથે ધમકી અપાઈ હતી કે ત્રણ દિવસમાં બિટકોઈન્સ નહિ ચૂકવાય તો ખંડણીની રકમ બમણી કરી દેવામાં આવશે અને ૧૯ મે બાદ તમામ કોમ્પ્યુટરનો ડેટા ડિલીટ કરવામાં આવશે. સિસ્ટમ હેક કરવા માટે વોન્ના ડિક્રાઈપ્ટર નામના મેલવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ,-લોકોના સ્વાસ્થ્ય બાબતની વિગતો ન મળતાં હોસ્પિટલો પણ લાચાર હાલતમાં મૂકાઈ હતી.

દર્દીઓના ઓપરેશન પણ અટકી ગયા

શેડો બ્રોકર્સ નામના હેકરોના જૂથે એક વર્ષ સુધી સિક્યુરિટીને લગતો ડેટા ચોર્યા પછી સૌથી પહેલો હુમલો યુકેના નેશનલ હેલ્થ સેન્ટરના સર્વર પર કર્યો હતો. દુનિયાભરના કમ્પ્યુટરમાં માલવેર ફેલાવાની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. સાયબર નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે, જો ખંડણી નહીં ચૂકવાય તો એક વર્ષ સુધી કમ્પ્યુટર ઠપ જ રહી શકે છે. યુકેના નેશનલ હેલ્થ સેન્ટર પર હુમલો થતાં આરોગ્ય ક્ષેત્રે લંડનથી સ્કોટલેન્ડ સુધી કાર્યરત ૪૫ સંસ્થાના કમ્પ્યુટર ઠપ થઈ ગયા હતા. આ દરમિયાન અરાજકતા ફેલાતા અનેક હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન પણ રદ કરવાની ફરજ પડી હતી.

હેકિંગના કારણે દર્દીઓના રેકોર્ડ, એક્સ રે અને અન્ય જરૂરી મેડિકલ રિપોર્ટ્સને લગતા કમ્પ્યુટરો બંધ થઈ જવાના કારણે ભયજનક અવ્યવસ્થા સર્જાઈ હતી. યુકેની નેશનલ સાયબર સિક્યોરિટીના વડા સિરાન માર્ટિને કહ્યું હતું કે, અમે સર્વરને ફરી ચાલુ કરવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. દર્દીઓને તકલીફ ના પડે એ માટે પણ અમે સાવચેત છીએ.

શુક્રવારના ગ્લોબલ સાઈબર એટેકની સંપૂર્ણ અસર વિશે જાણકારી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી NHS નો ઉપયોગ કરવામાં સાવચેતી રાખવાની સલાહ પેશન્ટ્સને આપવામાં આવી હતી. NHS England દ્વારા જણાવાયું હતું કે વીકએન્ડ પછી સોમવારેહજારો કોમ્પ્યુટર્સ પુનઃ કામગીરી બજાવશે ત્યારે શું થશે તેની ચિંતા વચ્ચે જટિલ ચિત્ર ઉપસી રહ્યું છે. ૪૭ NHS ટ્રસ્ટ્સમાંથી સાત ટ્રસ્ટ્સને સાઈબર એટેકની ગંભીર અસર થઈ હતી, જે હજુ પણ તેનો સામનો કરી રહ્યા છે. જોકે, અન્ય સૂચના આપવામાં ન આવે તો એપોઈન્ટમેન્ટ માટે આવવાનું પેશન્ટ્સને જણાવી દેવાયું હતું.

ભારતીય મૂળના ડોક્ટરે ચેતવણી આપી હતી

યુકેના NHSના સર્વર પર હુમલો થયા અગાઉ લંડનસ્થિત નેશનલ હોસ્પિટલમાં ન્યુરોલોજી એન્ડ ન્યુરોસર્જરી વિભાગના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ભારતીય મૂળના તબીબ ડો. ક્રિશ્ના ચિંથાપલ્લીએ કથિત સાયબર હુમલા વિશે ચેતવણી આપી હતી. ડો. ચિંથાપલ્લીએ સાયબર હુમલાના બે જ દિવસ પહેલાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત લેખમાં કહ્યું હતું કે યુકેમાં હોસ્પિટલમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ હેકરો માલવેરની મદદથી એકસાથે આ હોસ્પિટલો બંધ કરી શકે છે. આ લેખમાં તેમણે કેમ્બ્રિજ નજીક આવેલી પેપવર્થ હોસ્પિટલના સર્વર પર થયેલા હુમલાનું ઉદાહરણ આપતાં લખ્યું હતું કે સદનસીબે હોસ્પિટલનો રોજિંદો ડેટા લઈ લેવાયો હતો. ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનું છે. આપણે હંમેશા આ પ્રકારના હુમલા માટે તૈયાર રહેવું જોઈએ. માલવેરની મદદથી હેકરો વધુને વધુ હોસ્પિટલોને નિશાન બનાવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter