રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના નામે ઠગાઇ કરનારા ધૂતારાથી ચેતજો

કોકિલા પટેલ Wednesday 13th March 2019 04:27 EDT
 

લંડનઃ બ્રિટનમાં દિવસે દિવસે ઘરફોડ ચોરી-લૂંટફાટના બનાવો વધતા જાય છે. ક્રિમિનલ ભેજાબાજો પણ જાત જાતના કિમિયા અજમાવી લોકો સાથે છેતરપિંડી કર્યાના બનાવ પણ એટલા જ વધી રહ્યા છે. જાત જાતની લોટરીઓમાં તમે જીત્યા છો અથવા તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં આ વર્ષે ટેક્સ નથી ભર્યો એટલે તમારી ધરપકડ કરવા પોલીસ આવે છે એવા બોગસ ફોન કોલ દ્વારા નિર્દોષો પાસેથી મસમોટી રકમ પડાવી લેવાના બનાવો પણ વધી રહ્યા છે. લંડન કે લંડન બહારના શહેરો નગરોમાં વસતા એશિયનો, ગુજરાતીઓને આ ક્રિમિનલો શિકાર બનાવી રહ્યા છે.

ગયા બુધવારે (૬ માર્ચે) વેમ્બલીના ઇલીંગ રોડ વિસ્તારમાં રહેતા એક ગુજરાતી પરિવારમાં સવારે ઘરના ફોન પર કોલ આવ્યો કે રીચા આર યુ એટ હોમ? (નામ બદલાયું છે) સામે એના પિતાએ જવાબ આપ્યો કે, “રીચા ઘરે નથી એ ઇન્ડિયા ગઇ છે.” ફોન કરનાર શખ્સે સામેથી પૂછ્યું, “આર યુ હર હસબન્ડ?” યુવતીના પિતાએ ગુજરાતીમાં ગાળ બોલી જરા ગુસ્સે થઇને કહ્યું, “શી ઇઝ માય ડોટર". ફોન કરનાર પેલાએ ગુજરાતીમાં જ ચાલુ કર્યું કે, “સારુ તમારે ઘરે કોણ છે, રીચાનું કંપનીમાંથી પાર્સલ આવશે.” એન્જિનિયરીંગનું ભણતી દીકરીનું લગભગ દર મહિને એકાદ પાર્સલ આવતું હોવાથી એ સદગૃહસ્થે જવાબ આપ્યો કે, “મારી વાઇફ ઘરે જ હશે.”
પાર્સલ સર્વિસવાળો ડિલીવર કરવા આવે તો કયારેય ફોન તો કરતો જ નથી એવો મનમાં પ્રશ્ન ઉઠતાં એ સદગૃસ્થ ભાઇએ નોકરી પર જતા પહેલાં એમના પત્નીને આજે કોઇ "ફ્રોડ" વ્યક્તિનો ફોન આવ્યો છે, ઘરે કોઇ આવે તો દરવાજો ખોલતાં પહેલાં તકેદારી રાખજે.”
એ દિવસે આ સદગૃસ્થ ભાઇ નોકરી પર ગયા અને પત્ની માલતીબેન (નામ બદલાયું છે) રજા હોવાથી ઘરકામમાં લાગ્યાં. આ ૪૭ વર્ષનાં માલતીબેન પણ M.A. ભણેલાં અને વ્યવસ્થિત કંપનીમાં નોકરી કરે છે. બુધવારે જ કલાકેકમાં એમના ઘરના ફોન પર કોલ આવ્યો અને સામે અંગ્રેજીમાં વાત કરતા વ્યક્તિએ પૂછ્યું, “આર યુ માલતી?” એટલે માલતીબેને કહ્યું યસ. પેલા ફોન કરનારે ઝડપથી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું ત્યાં માલતીબહેને અંગ્રેજીમાં જ કહ્યું, “પ્લીઝ સ્પીક સ્લોલી.. આઇ કેન નોટ અંડરસ્ટેન્ડ...” એટલે સામે બોલનારા વ્યક્તિએ કહ્યું તમને અમે ઇન્ટરપ્રીટર આપીએ છીએ. સામેથી હિન્દી ભાષા બોલનાર ઇન્ટરપ્રીટરે માલતીબેનને કહયું, “મૈ HM રેવન્યુ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ સે મહેશ પટેલ બોલતા હૂં.. આપકા પાંચ સાલકા ટેક્સ કા ઓડિટ હુઆ હૈ, આપને ટેક્સમેં ગરબડ કી હૈ, ઇસી લીએ રિવન્યુ ડિપાર્ટમેન્ટસે તીન ઓફિસર ઔર પોલીસવાન આપકી ધરપકડ કરને આ રહી હૈ".
આ સાંભળી માલતીબેન ગભરાઇ ગયાં કે ઘરે કોઇ છે નહિ અને પોલીસ આવશે તો મારા પતિ અને અમારી આબરૂ જશે. એક તરફ દીકરાના લગ્નની તૈયારી ચાલે છે, વગદાર કંપનીમાં મારી નોકરી છે! હવે અમારા ભવિષ્યનું શું? સગા-સંબંધી શું વિચારશે? ગભરાયેલાં માલતીબેને પેલાને વિનવણી કરતાં કહ્યું, “ભાઇ, આજે તમે થંભી જાવ, પોલીસ કે અધિકારીને આવતા રોકો. મારા એકાઉન્ટન્ટે કહેલું છે કે દર વર્ષે તમારો ટેક્સ ભરાઇ જાય છે!! ત્યારે પેલાએ કહ્યું કે, તમારો એકાઉન્ટન્ટ જૂઠ્ઠુ બોલે છે. ટેક્સ ભરાતો જ નથી.” માલતીબેને વિનવણી કરતાં પેલાને કહ્યું , " ભઇ ઉભા રહો, મારા પતિ આવે પછી હું પૂછું પછી રસ્તો કાઢીએ છીએ"
ફોન કરનાર શખ્સે જોયું કે, શિકાર જાળમાં ફસાતો જાય છે એટલે વધુ એક પાસો ફેંકતા બોલ્યો, “રેવન્યુ ડિપાર્ટમેન્ટને તમે છેતરો છો?? અમે કહીએ એ જગ્યાએ હમણાં જ તમારા ટેક્સની રકમ ભરી જાવ અથવા તો ધરપકડ માટે તૈયાર રહો!!
માલતીબહેનને હવે ઉગરવા કોઇ આરો દેખાયો નહિ એટલે પેલાને કહ્યું, “સાહેબ કહો, મારે કેટલો ટેક્સ ભરવાનો બાકી છે? અને ક્યાં ભરવા જવાનું?” પેલાએ કહ્યું, “તમારે £૪૯૮૯ ટેક્સ ભરવાનો બાકી છે.”
માલતીબહેને કહ્યું, “આટલી મોટી રકમ મારી પાસે નથી, મારે બેંકમાં જવું પડે? ત્યારે પેલા શખ્સે કહ્યું કે, “તમારો મોબાઇલ નંબર મને આપો હું એના પર ફોન કરી તમારી સાથે સતત સંપર્ક રાખતો રહીશ. તમારે બેંકમાંથી રોકડ રકમ લઇને વેમ્બલી પાર્ક ડ્રાઇવ આવવાનું. રોકડ રકમમાં માત્ર ૨૦ પાઉન્ડની નોટો જ હોવી જોઇએ. અમારું મશીન માત્ર ૨૦ની નોટ જ લેશે, પૈસા ભરાઇ જાય પછી ત્યાં તમને ગ્રીન કલરની સ્લીપ આપવામાં આવશે. તમારે આ મોટી રકમ લઇને આવવાનું છે એટલે અમે તમને ઉબર (ટેક્સી) કાર મોકલીએ છીએ જે વ્હાઇટ કલરની છે. તમારે અહીં આવો ત્યાં સુધી ફોન બંધ કરવાનો નથી, અમારી સાથે સંપર્ક ચાલુ રાખવાનો છે.”
આટલું ચોક્કસ સરનામું અને ઉબર સર્વિસ આપતા હોવાથી માલતીબેનને ખાતરી થઇ ગઇ કે ઇન્કમટેક્સ ઓફિસર જ હશે. હે મા જગદંબા મારી સહાય કરજો" એવું રટણ કરતાં ઘરે ગેસના ચૂલા પર શાક વઘારેલું મૂકી એ સીધાં ભાગ્યાં બાર્કલેસ બેંકમાં. બેંક કર્મચારીને ઓળખપત્ર આપી માલતીબેને £૫૦૦૦ની કેશ ઉપાડી. બેંકમાંથી જેવાં એ બહાર નીકળતાં હતાં ત્યાં એમના દિયેરને કાર લઇને પસાર થતા જોયા. સ્ટેનલી રોડ પર જ દિયેરની કાર ઉભી રખાવી ફોનનું સ્પીકર દબાવી રાખી દિયેરને કહ્યું "ભાઇ.. મારે માથે ધર્મસંકટ આવ્યું છે.” માલતીબેનને કારમાં લીફટ આપી એમના દિયરે ઘરે મૂકવા ગયા ત્યાં કારમાં જ ફોન રાખી, દરવાજો બંધ કરી દિયેરને આખી ઘટના સમજાવી. એમના દિયરે એ ફોન લીધો, સામેવાળા શખ્સ સાથે વાત કરતાં બોલ્યા, “આ ફ્રોડ છે.”
માલતીબેન આ ઘટનાથી એટલાં ડરી ગયાં હતાં કે સાંજે એમના પતિ ઘરે આવ્યા ત્યારે એમણે સમજાવ્યાં કે, “તું આ વગદાર કંપનીમાં ૨૦ વર્ષથી નોકરી કરું છું. એની પે સ્લીપમાં તારો ટેક્સ કપાઇને જ તને પગાર મળે છે એટલું તો વિચારવું જોઇએ. આ દેશમાં તમે ટેક્સ ના ભરો તો HM રેવન્યુ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ પહેલા તો તમને નોટિસ મોકલે, સીધા પોલીસ ધરપકડ કરવા ના આવે.” બેંકમાંથી વિડ્રો કરેલી રોકડ પાછી બેંકમાં ભરવા ગયાં ત્યારે બેંક અધિકારીએ પણ કહ્યું કે, “બહેન અમને કાગળ પર લખી સહેજ અણસાર આપી દીધો હોત તો તમારી સાથે સંપર્ક ચાલુ રખાવી એમણે સૂચવેલા એડ્રેસ પર પોલીસ મોકલી આ ઠગોને જબ્બે કરી શકાત.
માલતીબહેન આ રોકડ કેશ લઇને લૂટારાઓએ મોકલેલી ઉબરમાં એમના આપેલા સરનામે ગયાં હોત તો!!
વાંચક ભાઇ-બહેનો આવા ધૂતારાઓથી સાવધાન રહેજો. રેવન્યુ ડિપાર્ટમેન્ટના ટેક્સ બાબતે કે બેંકોની કોઇપણ વિગત બાબતે આપને ફોન આવે તો કોઇપણ જાતની માહિતી આપ્યા વગર આપ ફોન કરનારને પત્ર વ્યવહાર કરવા સૂચવી શકો છો. સૌ સાવધાન રહેજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter