કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી જનરલ ઈલેક્શનમાં જીતી શકાય તેવી બે પાર્લામેન્ટ બેઠક પર બે યુવાન ગુજરાતી ઉમેદવાર રેશમ કોટેચા અને અમીત જોગીઆની પસંદગી કરી ત્યારે મારા માટે એક સ્વપ્ન સાકાર થયાની લાગણી જન્મી હતી. મેં મારી સમગ્ર રાજકીય કારકિર્દી કન્ઝર્વેટિવ પાર્ટી અને બ્રિટિશ ભારતીય સમુદાય વચ્ચેની ખાઈ પૂરવામાં વીતાવી છે, ત્યારે આ પસંદગી આપણે ક્યાં સુધી આગળ પહોંચ્યા છીએ તેનું પ્રતીક છે.
આપણા બે ગુજરાતી કન્ઝર્વેટિવ સાંસદ પ્રીતિ પટેલ અને શૈલેષ વારાએ ઉચ્ચ સરકારી હોદ્દાઓ પર સેવા આપી છે. આમ છતાં, રેશમ અને અમીતની પસંદગી વિશેષ છે કારણકે બ્રિટનમાં જન્મેલા ભારતીયોની નવી પેઢીના રાજકારણમાં આગમનનો આરંભ દર્શાવે છે. લંડનમાં જન્મેલાં અને ઉછરેલાં રેશમ અને અમીતને સારા શિક્ષણ સહિતની તકોનો લાભ પ્રાપ્ત થયો છે, જે મારા જેવી અગાઉની પેઢીને મળ્યો ન હતો. જોકે, મારી પેઢી સમક્ષ ન હતા તેવા નવા પડકારોનો સામનો પણ તેમણે કરવો પડશે. રેશમ અને અમીત બ્રિટિશ મતદારો તેમજ અન્ય સમુદાયો સાથે સારો સંપર્ક-સંવાદ સાધવા શ્રેષ્ઠ રીતે ગોઠવાયેલાં છે.
હું હંમેશાં કહેતો આવ્યો છું કે બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી કન્ઝર્વેટિવ પાર્ટી માટે આદર્શરુપ કોમ્યુનિટી છે. આપણે કુદરતી રીતે જ રુઢિચૂસ્ત સમુદાય છીએ, જેની એક કોમ્યુનિટી તરીકે સફળતાના મૂળ સખત મહેનત, મહત્ત્વાકાંક્ષા, સાહસ અને મજબૂત પારિવારિક મૂલ્યોમાં છે. કન્ઝર્વેટિવ પાર્ટી માટે આ મૂળભૂત મૂલ્યો છે.
ખાસ તો, જેરેમી કોર્બીન નેતાપદે છે ત્યારે બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીનું લેબર પાર્ટીથી ભ્રમનિરસન થઈ ગયું છે. તેમણે આપણા સમુદાય સાથે સંવાદ સાધવાનો એક પણ પ્રયાસ કર્યો નથી. બીજી તરફ, થેરેસા મે આપણી કોમ્યુનિટી સાથે સંવાદનો ડેવિડ કેમરનનો વારસો આગળ વધારી રહ્યાં છે. રેશમ અને અમીતની પસંદગી આ રણનીતિનો એક હિસ્સો છે, જે દર્શાવે છે કે તેમના એજન્ડામાં આપણી કોમ્યુનિટીને અગ્રતાક્રમે રાખવા મુદ્દે પાર્ટી ગંભીર છે.
જોડિયાં બહેનોમાંની એક રેશમના પેરન્ટ્સ ઈસ્ટ આફ્રિકાથી અભ્યાસ કરવા યુકે આવ્યાં હતાં. રેશમે જાહેર અને ખાનગી સેક્ટરની સંસ્થાઓને સલાહ આપવાની સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટની કામગીરી સંભાળી તે અગાઉ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે. રેશમ ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં ડલીચ એન્ડ વેસ્ટ નોરવૂડમાં પાર્લામેન્ટરી ઉમેદવાર હતી. તે નોર્થવૂડ કન્ઝર્વેટિવ્ઝની ઉપાધ્યક્ષ અને વધુ કન્ઝર્વેટિવ મહિલાઓનાં પાર્લામેન્ટમાં પ્રવેશને પ્રોત્સાહિત કરવા વડા પ્રધાન થેરેસા મે દ્વારા સહસ્થાપિત ઓર્ગેનાઈઝેશન Women2Win માટે હેડ ઓફ એન્ગેજમેન્ટની કામગીરી સંભાળે છે. રેશમ યુકેની સૌથી જૂની એશિયન ચેરિટી યંગ વિમેન્સ ઈન્ડિયા એસોસિયેશનના અંડર-૩૫ના બોર્ડની પ્રેસિડેન્ટ છે તેમજ એશિયન વિમેન ઓફ એચિવમેન્ટ એવોર્ડ્સની ફાઈનાલિસ્ટ હતી. મને એ બાબતે જરા પણ શંકા નથી કે તે આગામી પાંચ સપ્તાહ સખત મહેનત કરીને જ્યોફ્રી રોબિન્સનની સરસાઈને ઉલટાવી કન્ઝર્વેટિવ પાર્ટી માટે કોવેન્ટ્રી નોર્થ વેસ્ટ બેઠક જીતી લાવશે, જે ૧૯૭૪માં તેની રચના પછી સૌપ્રથમ વખત હશે.
અમીત જોગીઆ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઉભરતા સિતારા છે. તે મારી ઘણી નિકટ છે કોમ્યુનિટીમાં ઘણા લોકો એ જાણતા જ હશે કે તે ગત છ વર્ષ માટે મારો પાર્લામેન્ટરી આસિસ્ટન્ટ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કન્ઝર્વેટિવ પાર્ટીમાં તેને આગળ વધતા જોવાનું ગૈરવ મને સાંપડ્યું છે. તેનો પરિવાર ટાન્ઝાનિયામાં મ્વાન્ઝાથી આવ્યો છે અને ઉછેર દરમિયાન ભારે સંઘર્ષોનો સામનો કરવા છતાં તે માત્ર ૧૫ વર્ષની વયથી પાર્ટીમાં સક્રિય છે અને ૨૦૧૪માં ભારે સરસાઈથી હેરોમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યો છે. બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી અને ખાસ કરીને નોર્થ વેસ્ટ લંડનમાં તે ભારે સન્માન ધરાવે છે.
બ્રેન્ટ નોર્થમાં ૨૦ વર્ષથી બેરી ગાર્ડિનર છે. હું માનું છું કે તાજા ચહેરા અને નવા વિચારો સાથે બ્રેન્ટમાં પરિવર્તનનો સમય પાકી ગયો છે. અમીત આ પરિવર્તન છે અને બ્રેન્ટમાં સાચુ પરિવર્તન લાવવાની શક્તિ અને ગતિશીલતા તેનામાં હોવાં વિશે મને જરા પણ શંકા નથી.
હું આશા રાખું કે કન્ઝર્વેટિવ પાર્ટી અને સમગ્રતયા રાજકારણમાં આપણી કોમ્યુનિટી જે ઐતિહાસિક હરણફાળ ભરી રહી છે તેને બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી ઓળખશે. પોલ્સમાં ટોરીઝ આગળ છે ત્યારે મને આશા છે કે થેરેસા મેનાં ઉમેદવારો રેશમ કોટેચા અને અમીત જોગીઆ આગામી ચૂંટણીમાં વિજયને વરશે.