રેસ કમિશનના વડા તરીકે ડો. ટોની સેવેલ નિયુક્ત

Wednesday 22nd July 2020 01:51 EDT
 
ઉપરની હરોળ(૧) ચેરમેન - ડો. ટોની સેવેલ CBE (૨) મર્સી મુરોકી (૩) આફતાબ ચુઘતાઈ MBE (૪) માર્ટિન ઓલિવર (૫) ડો. મેગી એડેરિન-પોકોક MBE નીચેની હરોળ(૬) લોર્ડ અજય કક્કર (૭) નૌરીન ખાલિદ(૮) ડો. સમીર શાહ CBE (૯) કિથ ફ્રેઝર (૧૦) ડો. ડામ્બિસા મોયો 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા જૂન ૨૦૨૦માં જાહેર કરાયેલી નવી સંસ્થા ‘ધ કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડિસ્પેરિટીઝ’ના અધ્યક્ષપદે આંતરરાષ્ટ્રીય શિક્ષણ સલાહકાર અને ‘જનરેટિંગ જીનિયસ’ ચેરિટીના વડા ડો. ટોની સેવેલની નિમણૂક કરી છે. વડા પ્રધાનને રિપોર્ટ કરનારું કમિશન આ વર્ષના અંત સુધીમાં હેલ્થ, એજ્યુકેશન, ક્રિમિનલ જસ્ટિસ અને એમ્પ્લોયમેન્ટના મુખ્ય ક્ષેત્રો સંબંધિત પોતાના તારણો આપે તેવી શક્યતા છે.

બ્લેક લાઈવઝ મેટર વિરોધોના પગલે રચાયેલા આ સ્વતંત્ર  કમિશનના ૧૦ સભ્યોમાં સાયન્સ, એજ્યુકેશન, બ્રોડકાસ્ટિંગ, ઈકોનોમિક્સ, મેડિસીન, પોલિસીંગ અને કોમ્યુનિટી ઓર્ગેનાઈઝિંગ ક્ષેત્રોના નામાંકિત પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, કમિશનની વિન્ડરશ વર્કિંગ ગ્રૂપ સાથે સુસંગત બેઠકો માટે બે સભ્ય- Voice4Changeના ડાયરેક્ટર કુનલે ઓલુલોડે તેમજ વેસ્ટ ઈન્ડિયા કમિટીના ચીફ એક્ઝિક્યુટિવ અને હેરિટેજ ઈંગ્લેન્ડની લંડન કમિટીના અધ્યક્ષ બ્લોન્ડેલ ક્લફ CBE ને કો-ઓપ્ટ કરવામાં આવ્યા છે.

વડા પ્રધાન જ્હોન્સને કમિશનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે,‘આ કમિશન સમગ્ર યુકેમાં તમામ વસ્તીઓના સંદર્ભે અસમાનતાની તપાસ કરશે. ડો. ટોની સેવેલ CBE કમિશનના અધ્યક્ષ રહેશે. તેમણે વિવિધ પશ્ચાદભૂ સાથેના ઘણા યુવાનોને STEM કારકિર્દીમાં આગળ વધવા મદદ કરી છે. સર્વસમાવેશી કમિશન સંશોધન હાથ ધરશે, જરુર લાગશે ત્યાં રજૂઆતો મંગાવશે અને પરિવર્તન માટે પોઝિટિવ એજન્ડા સ્થાપશે.’

ડો. સેવેલે સજાતીયતાવિરોધી ટીપ્પણીની માફી માગી

રેસ કમિશનના વડા તરીકે ટોની સેવેલની નિમણૂક સામે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કેમ્પેઈનર્સમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે કારણકે તેમણે અગાઉ ઈન્સ્ટિટ્યૂશનલ રેસિઝમના વિચાર સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જોકે, નવનિયુક્ત અધ્યક્ષ ડો. ટોની સેવેલે નિયુક્તિ પછી ગણતરીના કલાકોમાં સ્વીકાર્યું હતું કે પૂર્વ ફૂટબોલર જસ્ટિન ફાશાનુએ ૧૯૯૦માં સમલૈંગિક હોવાનું જાહેર કર્યું ત્યારે તેના વિશે ઘસાતી ટીપ્પણી કરવામાં તેઓ ‘ખોટાં અને અપમાનકારી’ હતા. સેવેલ તે સમયે વોઈસ અખબારના કોલમિસ્ટ હતા. તેમણે કહ્યું હતું કે ૩૦ વર્ષ અગાઉની મારી ટીપ્પણી બદલ હું દિલગીર છું. તે આજે મારા મંતવ્ય કે આધુનિક સમાજના મંતવ્યો સાથે બંધબેસતા નથી. હું LGBT લોકો સહિત સમાજની તમામ કોમ્યુનિટીઝમાં સમાનતા અને વૈવિધ્યતાના ઉદ્દેશ સાથે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું.’

કમિશનના સભ્યોની યાદી

(૧) ચેરમેન - ડો. ટોની સેવેલ CBE- જનરેટિંગ જીનિયસ ચેરિટીના વડા (૨) મર્સી મુરોકી- સીનિયર પોલિસી રિસર્ચર, કોમેન્ટેટર અને કોલમિસ્ટ (૩) આફતાબ ચુઘતાઈ MBE- બિઝનેસમેન, મુસ્લિમ્સ ફોર બ્રિટેન કેમ્પેઈન ગ્રૂપના સહસ્થાપક, ગ્રેનફેલ ટાવર ટાસ્કફોર્સના સભ્ય અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ ઈન્ડિપેન્ડન્ટ એડવાઈઝરી ગ્રૂપના ચેરમેન (૪) માર્ટિન ઓલિવર- નોર્થ અને મિડલેન્ડ્સમાં કાર્યરત સૌથી મોટા એકેડેમી ટ્રસ્ટોમાં એક આઉટવૂડ ગ્રેન્જ એકેડેમીઝ ટ્રસ્ટના CEO (૫) ડો. મેગી એડેરિન-પોકોક MBE- સ્પેસ સાયન્ટિસ્ટ અને શિક્ષણકાર, અનુભવી બ્રોડકાસ્ટર (૬) લોર્ડ અજય કક્કર- યુનિવર્સિટી કોલેજ લંડનમાં સર્જરીના પ્રોફેસર, થ્રોમ્બોસિસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ્સ કમિશન તેમજ કિંગ્સ ફંડના ચેરમેન (૭) નૌરીન ખાલિદ - અનુભવી સ્કૂલ ગવર્નર અને ઓનલાઈન નેશનલ સ્કૂલ ગવર્નર ફોરમ UKGovChatના સહસ્થાપક (૮) ડો. સમીર શાહ CBE- જુનિપર ટીવીના CEO, બીબીસીના પૂર્વ જર્નાલિસ્ટ અને રેસ રિલેશન્સ થિન્ક ટેન્ક રનીમીડ ટ્રસ્ટના પૂર્વ ચેરમેન (૯) કિથ ફ્રેઝર- યુથ જસ્ટિસ બોર્ડ ફોર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સના ચેરમેન અને પૂર્વ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (૧૦) ડો. ડામ્બિસા મોયો- આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને લેખક, શેવરોન કોર્પોરેશન અને 3M કંપનીના બોર્ડ મેમ્બર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter