રેસની ચર્ચામાં વિભાજિત બ્રિટિશરો

Wednesday 07th April 2021 02:59 EDT
 

લંડનઃ બ્રિટિશરો રેસ સંબંધિત ચર્ચામાં તેમની વંશીયતા અને વયના ધોરણે વિભાજિત છે. બહુમતી BAME લોકો માને છે કે સમાજે રેસિઝમ વિશે વધુ વાત કરવી જ રહી. યુકેમાં જાતિવાદી સંબંધોના વ્યાપક મૂલ્યાંકન અનુસાર મોટા ભાગના અશ્વેત બ્રિટિશરો એમ માને છે કે રેસ કે જાતિ વિશે પૂરતી ચર્ચા થઈ નથી અને અન્ય જૂથો કરતાં મીડિયા દ્વારા વંશીય લઘુમતી લોકો સાથે ખરાબ વ્યવહાર કરાય છે.

થિન્ક ટેન્ક ધ બ્રિટિશ ફ્યુચરનો અભ્યાસ જણાવે છે કે બ્રિટનમાં રેસ કે જાતિ વિશે પૂરતી વાતો કરવામાં આવતી નથી. ૫૬ ટકા અશ્વેત બ્રિટિશરોના મતે આ મુદ્દો ઓછો ચર્ચાય છે. આવું માનનારા વ્હાઈટ બ્રિટિશર ૩૧ ટકા છે. બીજી તરફ, ૨૫ ટકા વ્હાઈટ બ્રિટિશર માને છે કે રેસની ઘણી ચર્ચા થઈ છે.

રેસ સંબંધિત વલણો અંગે ધ બ્રિટિશ ફ્યુચરના અભ્યાસમાં યુકેની મુખ્ય સંસ્થાઓ સંબંધે વિવિધ વંશીય જૂથો દ્વારા ભિન્ન ભિન્ન અનુભવો જાહેર કરાયા છે. મોટા ભાગના અશ્વેત બ્રિટિશર્સ (૫૨ ટકા)ના મતે રાષ્ટ્રીય અખબારો શ્વેત લોકોની સરખામણીએ વંશીય લઘુમતી લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે. વંશીય લઘુમતીના ૧૦માંથી ચાર (૪૩ ટકા) લોકો પણ આમ જ માને છે. જોકે, માત્ર ૨૬ ટકા શ્વેત લોકો આની સાથે સહમત થાય છે. લગભગ ૭૦ ટકા અશ્વેત લોકો કહે છે કે પોલીસનો વંશીય લઘુમતી લોકો સાથેનો વ્યવહાર ખરાબ હોય છે.

પેઢીગત વિભાજન પણ જોવાં મળ્યું છે. બ્લેક લાઈવ્ઝ મેટરના દેખાવોને ૧૮-૨૪ વયજૂથના ૬૦ ટકા શ્વેત બ્રિટિશરોએ ટેકો આપ્યો હતો જ્યારે ૬૫ અને તેથી વધુ વયના મા૬ ૨૮ ટકાએ દેખાવોનું સમર્થન કર્યું હતું. કયા વિભાજનની સૌથી વધુ ચિંતા હોવાના પ્રશ્ને શ્વેત અને વંશીય લઘુમતી બ્રિટિશરોએ વંશીયતા વિભાજનને બીજો ક્રમ આપ્યો હતો. તેમના મતે ગરીબ અને અમીર વચ્ચેનું વિભાજન પ્રથમ ક્રમે હતું. ચિંતાજનક માનવા છતાં, મોટા ભાગનાનું કહેવું હતું કે યુએસની સરખામણીએ યુકેમાં જાતિગત સંબંધો એટલા ખરાબ નથી. તમામ વંશીયતાના લોકોએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓએ ઘૃણાસ્પદ પ્રવચનો (હેટ સ્પીચ) દૂર કરવા કડક પગલાં લેવા જોઈએ.

નંબર ક્રંચર પોલિટિક્સ દ્વારા હાથ રાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં પ્રથમ ઓક્ટોબર ૨૦૨૦માં (૧,૦૦૦ વંશીય લઘુમતી અને ૧,૦૮૮ શ્વેત) અને પછી ફેબ્રુઆરી ૨૦૨૧માં (૨,૦૦૦ વંશીય લઘુમતી અને ૧,૫૦૧ શ્વેત) લોકોનો સર્વે કરાયો હતો. બહુમતી લોકોએ સંમતિ દર્શાવી હતી કે જો તમે શ્યામ (૫૩ ટકા), મુસ્લિમ (૫૫ ટકા) અથવા યુકેની બહાર (૫૨ ટકા) જન્મેલા હો તો બ્રિટનમાં આવવું મુશ્કેલ છે. એશિયન નાગરિકો પણ સમાન અવરોધોનો સામનો કરતા હોવાં બાબતે ૪૭ ટકા લોકો સહમત હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter