લંડનઃ રંગદ્વેષનો અનુભવ કરનારા લોકોને પાછલી જીંદગીમાં યાદશક્તિની મોટી સમસ્યા નડવાની શક્યતા નવા અભ્યાસમાં દર્શાવાઈ છે. બે યુએસસ્થિત અભ્યાસોના પરિણામો અનુસાર અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયના લોકોએ ભૂતકાળમાં અનુભવેલી ભેદભાવપૂર્ણ ઘટનાઓનો તેમના મગજના આરોગ્ય પર કાયમી અસરો ઉભી કરી શકે છે. યુએસમાં અલ્ઝાઈમર્સ એસોસિયેશન ઈન્ટરનેશનલ કોન્ફરન્સ 2022માં આ સંશોધન ખુલ્લું મૂકાયાના પગલે યુકેની અગ્રણી અલ્ઝાઈમર્સ ચેરિટી સંસ્થાએ ડિમેન્શીઆ સંશોધનને વધુ ભંડોળ ફાળવવા સરકારને હાકલ કરી છે.
રંગભેદના શિકાર બનેલા લોકોને પાછલી જીંદગીમાં મગજની નબળી કામગીરી અને યાદશક્તિ ગુમાવવાની વધુ શક્યતા રહે છે. અગાઉના અભ્યાસોના પુરાવાઓ અનુસાર અશ્વેત લોકોને ડિમેન્શીઆનું વધુ જોખમ રહે છે પરંતુ, હેલ્થકેરની સુવિધા પ્રાપ્ત કરવામાં અવરોધોના કારણે સમયસર નિદાનની શક્યતા ઘણી ઓછી રહે છે. અલ્ઝાઈમર્સ સોસાયટીના એસોસિયેટ ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડો. રિચાર્ડ ઓક્લેએ જણાવ્યું હતું કે રેસિઝમ અને ભેદભાવની તત્કાળ અસર વંશીય લઘુમતી કોમ્યુનિટીઝના લોકો પર પડે છે એટલું જ નહિ, તેમના મગજના આરોગ્યને લાંબા સમયની અસરો તેમજ પાછલી જીંદગીમાં યાદદાસ્ત અને વિચારવાની સમસ્યાઓ વધવાની શક્યતાઓ પણ વધી જાય છે.
યુકેમાં ડિમેન્શીઆગ્રસ્ત 900,000 લોકોમાંથી 25,000 લોકો વંશીય લઘુમતી સમુદાયોના છે. ડિમેન્શીઆ ધરાવતા અશ્વેત અને એશિયન લોકોની સંખ્યા 2026 સુધીમાં બમણી થવાની અને તેમાં પણ સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં તીવ્ર વધારો થવાની ધારણા છે. આ અભ્યાસો અમેરિકાના છે ત્યારે યુકેમાં આ કોમ્યુનિટીઓને સપોર્ટ કરવા ઘણું કરવાની જરૂર છે. યુકે સરકારે આગામી દાયકા સુધી ડિમેન્શીઆ રિસર્ચ ભંડોળ બમણુ કરી વાર્ષિક 166 મિલિયન પાઉન્ડ સુધી લઈ જવાના ‘ડિમેન્શીઆ મૂનશોટ’ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી તેને બે વર્ષ થઈ ગયા છે પરંતુ, સંશોધનો આગળ વધ્યા નથી.


