લંડનઃ હોમ ઓફિસે ‘રેસિસ્ટ’ વિઝા અલ્ગોરિધમ સિસ્ટમને હાઈ કોર્ટમાં કાનૂની પડકાર અપાયા પછી હાલ તેનો ઉપયોગ અટકાવી દીધો છે. જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ (JCWI) અને ફોક્સગ્લોવ (Foxglove) દ્વારા કાનૂનીયુદ્ધમાં વિજયનો દાવો કર્યો છે. વિઝા અલ્ગોરિધમ સિસ્ટમ(યાંત્રિક ગણતરી પ્રક્રિયા)ને કાયદેસરતાને પડકાર સાથે તેને મૂળભૂતપણે રેસિસ્ટ અને ભેદભાવપૂર્ણ ગણાવાઈ હતી. આ પ્રોસેસનું રીડિઝાઈનિંગ ઓક્ટોબર સુધીમાં થઈ જશે અને ત્યાં સુધી કાનૂની ચેલેન્જ પાછી ખેંચી લેવા સરકારે અરજદારોને જણાવ્યું છે.
જૂન મહિનામાં જોઈન્ટ કાઉન્સિલ ફોર ધ વેલ્ફેર ઓફ ઈમિગ્રન્ટ્સ ચેરિટી અને ‘ટેક જસ્ટિસ’ સંગઠન ફોક્સગ્લોવ દ્વારા આ પદ્ધતિ સામે રીવ્યૂ પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. અલ્ગોરિધમ ગેરકાયદે હોવાનું જણાવવા સાથે રીવ્યૂ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનો ઉપયોગ મુલતવી રાખવા હાઈ કોર્ટ સમક્ષ માગણી કરાઈ હતી.
હાઈ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના જ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ વતી સરકારના કાયદા વિભાગે અરજદારોને શુક્રવાર ૭ ઓગસ્ટથી જ આ ગણતરી પ્રક્રિયા મુલતવી રાખવાની જાણકારી આપી હતી કે વિઝા અરજીઓ પર નિર્ણય લેવાની પ્રક્રિયાને પુનઃ ડિઝાઈન ન કરાય ત્યાં સુધી તેને મુલતવી રખાશે. હોમ સેક્રેટરી પિટિશનમાં ઉઠાવાયેલા અજાણતા પૂર્વગ્રહ અને રાષ્ટ્રીયતા સહિતના મુદ્દાઓ પર નિખાલસ વિચારણા અને મૂલ્યાંકન હાથ ધરશે. હાલ વિઝિટ વિઝા તેમજ શોર્ટ-ટર્મ સ્ટડી, ઓવરસીઝ ડોમેસ્ટિક વર્કર તેમજ EEA બહારના પરિવારજનો માટે વિદેશથી નકરાયેલી અરજીઓના ક્લીઅરન્સ માટે તેનો ઉપયોગ કરાતો હોવાનું હોમ ઓફિસનું કહેવું છે.
હાલ દરેક વિઝા અરજીનું યાત્રિક ગણતરી પ્રક્રિયા સાધન દ્વારા મૂલ્યાંકન કરી તેમને ટ્રાફક લાઈટની માફક લીલા, પીળાં અને લાલ રંગમાં ગ્રેડિંગ કરવામાં આવે છે. આ પછી વધુ ચકાસણી અર્થે સંબંધિત કર્મચારી પાસે મોકલવામાં આવે છે. JCWIના કાનૂની પડકારમાં આક્ષેપ કરાયો હતો કે સરકાર રાષ્ટ્રીયતાઓ સંબંધિત ગુપ્ત યાદીઓ ધરાવે છે અને વિઝા અરજદારોને તેમની રાષ્ટ્રીયતાના આધારે લાલ રંગમાં મૂકાયા પછી તેની વધુ ચકાસણી હાથ ધરવામાં આવે છે અને વિઝાને નકારવાની શક્યતા વધી જાય છે.
આ પ્રક્રિયા સાધનનો ઉપયોગ મુલતવી રખાયાની જાહેરાત પછી JCWIના લીગલ પોલિસી ડાયરેક્ટર ચાઈ પટેલે જણાવ્યું હતું કે,‘ વિન્ડરશ કૌભાંડમાં હોમ ઓફિસના જ સ્વતંત્ર રીવ્યૂમાં જણાવાયું હતું કે રેસિસ્ટ ધારણાઓ અને સિસ્ટમ્સ વિશે તે બેખબર છે. ઈમિગ્રેશન દરોડાઓમાં ચોક્કસ રાષ્ટ્રીયતાના લોકોને નિશાન બનાવવા સહિત દાયકાઓ જૂની સંસ્થાગત રેસિસ્ટ પદ્ધતિઓનો આ સાધનમાં ઉપયોગ કરાય છે. ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ પરિવર્તન કરવાની જરુર છે.’