રેસ્ટોરાં અને પબ્સ ખોલવામાં જોખમ નથીઃ ભારતવંશી પ્રોફેસરનો દાવો

Saturday 30th May 2020 00:23 EDT
 
 

લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતવંશી વિજ્ઞાની સુનેત્રા ગુપ્તાએ દાવો કર્યો છે કે અત્યારે રેસ્ટોરાં અને પબ્સ ખોલવામાં આવે તો કોરોના વાઈરસના બીજા ઉછાળાનું કોઈ જોખમ નથી. તેમણે કહ્યું છે કે બ્રિટિશ પબ્લિકને મુશ્કેલી નહિ નડવાની ‘મજબૂત સંભાવના’ છે. તેમણે વધુ દાવો કર્યો છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ વાસ્તવમાં લોકોને રોગો તરફ વધુ શંકાસ્પદ બનાવે છે.

ભારતવંશી વિજ્ઞાની અને યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના પ્રોફેસર સુનેત્રા ગુપ્તાએ દાવો કર્યો છે કે કોરોના વાઈરસના ઈન્ફેક્શનના ઉછાળાના ભય વિના રેસ્ટોરાં, પબ્સ અને આનંદપ્રમોદના સ્થળોને ખુલ્લા મૂકવાનું સલામત ગણાશે. તેમણે એમ પણ કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ લોકોને પેથોજન્સથી અસુરક્ષિત રાખી વાસ્તવમાં લોકોને ચેપી રોગો માટે વધુ શંકાસ્પદ બનાવે છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગુપ્તા અને તેમની ટીમે વૈકલ્પિક મોડેલ રજૂ કરતા જણાવ્યું છે કે અડધોઅડધ બ્રિટિશરો કોવિડ-૧૯ના જોખમ સામે બહાર આવી જ ગયા છે અને વાસ્તવિક ઈન્ફેક્શન મૃત્યુદર ૦.૧ ટકા જેટલો નીચો રહ્યો છે. આ અભ્યાસ વિવાદાસ્પદ હોવા છતાં બે મહિના પછી પણ તેઓ તારણોને વળગી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ‘હું માનું છું કે કશું જ કર્યા વિના અથવા કશું અલગ કરીને અસલામત લોકોને રક્ષણ આપી આપણી પાસે વધુ સારું કરવાની તક હતી. ૩૦ કે ૪૦ વર્ષ અગાઉ આપણે હોસ્પિટલ બેડ્સ ઓછાં કરવાનું શરુ કર્યું ત્યારે શું કર્યું હોત તેના વિશે વિચારવાની જરુર હતી.’ તેમણે પ્રશ્ન કર્યો હતો કે લોકડાઉનની જે કિંમત ચૂકવી રહ્યા છીએ તે શું જરુરી હતી.

બીજી તરફ, સરકાર કહે છે કે લોકડાઉન નિયંત્રણો ધીમે ધીમે તબક્કાવાર હળવાં નહિ કરાય તો ગંભીર પરિણામો આવી શકે છે. પ્રોફેસર નીલ ફર્ગ્યુસનની નેતાગીરીમાં ઈમ્પિરિયલ કોલેજ લંડન દ્વારા માર્ચમાં અભ્યાસ પછી કડક લોકડાઉન નહિ લદાય તો યુકેમાં કોરોના મહામારીથી પાંચ લાખ લોકોના મોતની ચેતવણી અપાઈ હતી. આ પછી, લોકડાઉન લાદી ૨૦ માર્ચથી હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી સહિત અનેક ઉદ્યોગધંધા બંધ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter