લંડનઃ રોચડેલમાં છોકરીઓ સાથે બળાત્કાર સહિતનો દુર્વ્યવહાર કરનારી ગ્રૂમિંગ ગેન્ગના ચાર સભ્યને તત્કાળ દેશનિકાલ કરવાની માગણી હોમ સેક્રેટરી સાજિદ જાવિદ સમક્ષ કરવામાં આવી છે. નાની છોકરીઓનું શોષણ કરવાના ગુનામાં જેલમાં ધકેલાયેલા નવ આરોપીમાં યુકે અને પાકિસ્તાનની બેવડી નાગરિકતા ધરાવતા શબીર અહમદ, અબ્દુલ રઉફ, અબ્દુલ અઝીઝ અને આદિલ ખાનનો સમાવેશ થાય છે. ગુનેગારોને ડિપોર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે કે કેમ તેના વિશે હોમ ઓફિસે કશું જણાવ્યું નથી.
રોચડેલ ગ્રૂમિંગ ગેંગમાં ‘ડેડી’ તરીકે ઓળખાતો શબીર અહમદ બળાત્કાર માટે ૨૨ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં બ્રિટિશ નાગરિકત્વ છીનવી લેવાના જંગમાં અહમદ, રઉફ, અઝીઝ અને ખાનની હાર થઈ હતી. આ પછી, બ્રિટિશ નાગરિકત્વ છિનવી લેવા સામેની ઓગસ્ટ ૨૦૧૮ની અપીલ પણ રઉફ, અઝીઝ અને ખાન હાર્યા હતા.
રોચડેલના સાંસદ ટોની લોઈડે આ ચાર આરોપીને હજુ શા માટે દેશપાર કરાયા નથી તેનો ખુલાસો કરવા હોમ સેક્રેટરીને જણાવતા કહ્યું હતું કે અસરગ્રસ્તો વધુ સારો ન્યાય ઈચ્છે છે. લોકોમાં હજુ રોષ પ્રવર્તે છે. પોલીસના જણાવ્યા અનુસાર ૨૦૦૮થી બે વર્ષમાં ૪૭ બાળાને ફોસલાવી તેમને આલ્કોહોલ અને ડ્રગ્સ પૂરા પડાતા હતા. ગેન્ગના સભ્યો દ્વારા છોકરીઓ પર બળાત્કાર કરાતો અને વેશ્યાગીરી માટે ઉપયોગ પણ કરાતો હતો.


