રોજગારી ધરાવતાં લોકો ૩૨.૮૧ મિલિયનઃ બેરોજગારો પણ વધ્યા

Wednesday 21st August 2019 04:48 EDT
 
 

લંડનઃ યુકેમાં રોજગારીમાં જોડાયેલા લોકોની સંખ્યા વિક્રમી ૩૨.૮૧ મિલિયનના આંકડે પહોંચી છે. એપ્રિલ અને જૂનના ત્રણ મહિનાઓ વચ્ચે નોકરીધંધામાં જોડાયેલા લોકોની સંખ્યામાં ૧૧૫,૦૦૦નો નોંધપાત્ર વધારો થવા સાથે બેરોજગાર લોકોની સંખ્યામાં પણ ૩૧,૦૦૦નો વધારો થયો છે. કામ કરતી મહિલાઓ અને સ્વરોજગારી લોકોની સંખ્યા પણ વધી છે. બોનસ સહિતની સરેરાશ કમાણી ૩.૭ ટકા વધી છે, જે ગયા મહિને ૩.૪ ટકા હતી.ચાન્સેલર સાજિદ જાવિદે બ્રિટિશ અથતંત્રના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાનું જણાવ્યું છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા જણાવાયું છે કે ૧૬-૬૪ વયજૂથની કામ કરતી સ્ત્રીઓની સંખ્યા ૭૨.૧ ટકાએ પહોંચી છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. યુવાન વયની વધુ સ્ત્રીઓ કામે લાગી છે તેમજ ઘર-પરિવાર માટે યુવાન માતાઓ ઘરે રહેતી ઓછી થઈ છે અને સરકારી પેન્શન વયમાં ફેરફારના કારણે પ્રૌઢ મહિલાઓમાં નિવૃત્તિનું પ્રમાણ ઘટ્યું હોવાથી સ્ત્રીઓ મોટી સંખ્યામાં કામ પર છે. ગત પાંચ વર્ષમાં ૪૪૫,૦૦ મહિલાનું આર્થિક રીતે નિષ્ક્રિય હોવાનું વર્ગીકરણ થયું છે.

બ્રેક્ઝિટ નજીક આવી રહ્યું હોવાં છતાં, આ જ સમયગાળામાં યુકેમાં કામ કરતા ઈયુ નાગરિકોની સંખ્યા પણ ૯૯,૦૦૦ના વધારા સાથે ૨.૩૭ મિલિયનની થઈ છે. ૨૦૧૬ના રેફરન્ડમ પછી ઈયુ વર્કરની સંખ્યા સમગ્રતયા ૧૩૪,૦૦૦ વધી છે.

જોકે, આ ક્વાર્ટરમાં બેરોજગારીનું સ્તર ૩૧,૦૦૦ના વધારા સાથે ૧.૩૩ મિલિયન થયું છે. બેરોજગારીનો દર વધીને ૩.૯ ટકા થયો છે જે, ૨૦૧૭ પછી સૌથી વધુ છે. ખાલી નોકરીઓની સંખ્યા ૨૦,૦૦૦ ઘટીને ૮૨૦,૦૦૦ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter