લંડનઃ રોધરહામની રેડસ્કોપ પ્રાયમરી સ્કૂલમાં ધાર્મિક શ્રદ્ધાના ચિહ્ન કિરપાણને લઇ આવવા મુદ્દે વિવાદ સર્જાયા પછી છ વર્ષીય શીખ બાળકી પર શાળામાં કિરપાણ લઇ આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. જોકે, સંબંધિત બાળકીના માતાપિતા સાથે વાતચીત કર્યા બાદ તેઓ બાળકી હવે શાળામાં કિરપાણ લાવશે નહિ તે બાબતે સહમત થયા છે. આ ઘટના વિશે પેરન્ટ્સ દ્વારા કરાયેલી કેટલીક ટિપ્પણીઓને પોલીસ દ્વારા સંભવિત અપરાધ તરીકે તપાસાઈ રહી છે.
મીડિયા અહેવાલ અનુસાર એક વિદ્યાર્થીના માતાપિતાએ સલામતીના મુદ્દા પર તેમના બાળકોને શાળાએ મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. અન્ય વિદ્યાર્થીના માતાપિતાએ ફરિયાદ કરતા કહ્યું છે કે ધર્મ કરતા બાળકનું આરોગ્ય અને સલામતી પ્રથમ આવે છે. અન્ય પેરન્ટ્સે પ્રશ્ન કર્યો હતો કે મોટાભાગની છોકરીઓને શાળામાં મેક અપ સાથે આવવાની છૂટ હોતી નથી, તો હથિયાર રાખવાની છૂટ કેમ છે.
શાળાના મુખ્ય શિક્ષક પાઉલા ડોબિને માતાપિતાને મોકલેલા પત્રમાં સમજાવ્યું હતું કે કિરપાણ શીખો દ્વારા પહેરાતું ધાર્મિક આભૂષણ છે. તે અણીદાર નથી અને દેશભરમાં શીખ ધર્મના બાળકો દ્વારા શાળાઓમાં તે પહેરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ યુનિફોર્મ અને ધાર્મિક વસ્તુઓ બાબતે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનની કોઈ કેન્દ્રીય માર્ગદર્શિકા નથી. દરેક સ્કૂલના હેડટીચરે પોતાની સ્કૂલની નીતિ જાતે નક્કી કરવાની હોય છે.

