પોસ્ટ ઓફિસની ખામીપૂર્ણ કોમ્પ્યુટર IT સિસ્ટમ હોરાઈઝનના સ્કેન્ડલમાં ન્યાય મેળવવામાં થઈ રહેલા અક્ષમ્ય વિલંબનો ભોગ બની રહેલા પૂર્વ સબ પોસ્ટમાસ્ટર રોબ થોમ્સનનો વેધક સવાલ એ છે કે મારે નિર્દોષતા સાબિત કરવા હજુ કેટલો સંઘર્ષ ખેડવો પડશે? 16 વર્ષ પહેલા નાણાની ઉચાપત માટે દોષિત ઠરાવાયેલા રોબ થોમ્સન કહે છે કે લોકોના નામને લાગેલા કલંકને દૂર કરવામાં સત્તાવાળાઓ પૂરતી ઝડપ દર્શાવી રહ્યા નથી. યુકે સરકારનું કહેવું છે કે અપીલ્સમાં ઝડપી પ્રગતિ થાય તે માટે પોસ્ટ ઓફિસ કોર્ટ્સની સાથે મળી કાર્ય કરી રહી છે.
સ્કોટલેન્ડના 11 કેસની સમીક્ષા થઈ રહી છે જેમાં એક કેસ રોબ થોમ્સનનો છે. તેમણે 2000ના દાયકાના આરંભમાં પોતાની માતા માર્ગારેટ પાસેથી ક્લેકમાનાનશાયરમાં કેમ્બસ પોસ્ટ ઓફિસનું કામકાજ સંભાળ્યું હતું. આ જ અરસામાં પોસ્ટ ઓફિસે હિસાબકિતાબ માટે IT સિસ્ટમ હોરાઈઝન દાખલ કરી હતી. રોબ થોમ્સને 2004માં આશરે 60,000 પાઉન્ડની ઘટ પડ્યોનો રિપોર્ટ પોસ્ટ ઓફિસને આપ્યો હતો. તેમની બ્રાન્ચનું ઓડિટિંગ કરાયા પછી આશરે 5,700 પાઉન્ડની કથિત ઘટ હોવાનું જણાયું હતું. પોસ્ટ ઓફિસે તેમના વિરુદ્ધ ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરી હતી. રોબ થોમ્સને તેઓ નિર્દોષ હોવાનું જણાવ્યું પરંતુ, વકીલની સલાહ અનુસાર જેલની સજા ટાળવા છેલ્લી ઘડીએ ગુનો કર્યાની કબૂલાત કરી હતી. યુકેના ઈતિહાસમાં ન્યાયની વ્યાપક અને કરપીણ હત્યા તરીકે ગણાવાયેલાં પોસ્ટ ઓફિસનું ખામીપૂર્ણ IT સિસ્ટમના કૌભાંડમાં રોબ થોમ્સનને 250 કલાકની કોમ્યુનિટી સર્વિસની સજા કરવામાં આવી હતી.
રોબ થોમ્સનના કહેવા મુજબ આ તેમના જીવનની સૌથી ક્ષોભજનક પળ હતી. તેમની સજા વિશે ચોતરફ વાતો ફેલાઈ ગઈ હતી અને તેઓ ઘણા લોકોને ઓળખતા હતા પરંતુ, લોકોને ખબર ન હતી કે તેમને શાથી સજા કરાઈ હતી. તેમની માતા ભારે તણાવનો શિકાર બન્યાં અને શરમથી ઘરની બહાર પણ નીકળતાં ન હતાં. રોબ નિર્દોષ સાબિત થાય તે પહેલા જ માતાનું અવસાન થયું અને રોબ થોમ્સન આજે પણ તેના માટે પોતાને દોષી ગણે છે. આ પછી, રોબે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
તાજેતરના વર્ષોમાં સાબિત થયું છે કે પોસ્ટ ઓફિસની હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમ ખામીપૂર્ણ હતી અને સમગ્ર યુકેમાં પોસ્ટ ઓફિસ માટે કામ કરી રહેલા 700થી વધુ લોકોને ખોટી રીતે સજા કરાઈ હતી. ઈંગ્લેન્ડમાં ઘણા લોકોની સજા કે દોષિત હોવાનું કલંક દૂર કરાયું છે પરંતુ, સ્કોટલેન્ડમાં આ કૌભાંડનો શિકાર બનેલા લોકો હજુ રાહ જોઈ રહ્યા છે જેમાંથી એક રોબ થોમ્સન છે. તેમને પોતાના નામને લાગેલો ધબ્બો દૂર થવાની આશા છે પરંતુ, તેમને લાગે છે કે સત્તાવાળા તેમની સજા કે કલંક દૂર થાય તે માટે ઝડપી કાર્ય કરી રહ્યા નથી.
ન્યાયની કસુવાવડ સમાન આ કિસ્સાઓની તપાસ ધ સ્કોટિશ ક્રિમિનલ કેસીસ રીવ્યૂ કમિશન દ્વારા કરાઈ રહી છે. તેમણે અસરગ્રસ્ત લોકોને આગળ આવવા અનુરોધ કર્યો છે. કમિશન નવેમ્બર મહિનામાં રોબ થોમ્સન સહિતના 11 કેસીસમાંથી આઠ કેસમાં ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે. યુકે સરકારે વચગાળાની વળતર યોજના જાહેર કરી છે પરંતુ, નિર્દોષ જાહેર ન કરાય ત્યાં સુધી થોમ્સન તેના માટે લાયક ગણાશે નહિ.


