લંડનઃ આગામી દાયકામાં રોબોટ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખાનગી સેક્ટરમાં ૪૦ લાખ બ્રિટિશ નોકરીઓ પડાવી લેશે તેમ કેટલાક બિઝનેસ અગ્રણીઓ માને છે. જોખમ હેઠળના ક્ષેત્રોમાં ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ, ઉત્પાદન અને માર્કેટિંગ, પબ્લિક રીલેશન્સ તથા ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રિબ્યુશનનો સમાવેશ થાય છે. જોકે, સંશોધનમાં એમ પણ જણાવાયું છે કે ટેકનોલોજિકલ વિકાસથી નવી નોકરીઓ પણ સર્જાશે. રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ માટે YouGov દ્વારા કરાયેલા સર્વેમાં જણાવાયું હતું કે તમામ નોકરીઓના ૧૫ ટકા સામે જોખમ છે.
નોકરીઓમાં ઓટોમેશનના કારણે ગરીબ વર્કરોને સૌથી વધુ તકલીફ પડશે. ઓછી કુશળતા અને ઓછી આવકના જૂથોને સામાજિક સીડી પર આગળ વધવાની તક ઘટી જશે તેમજ ઉચ્ચ કૌશલ્ય સાથેના વિશિષ્ટ જૂથો સમાજના ઉચ્ચ સ્તરોમાં પ્રભુત્વ જમાવશે.
યુકેની એજ્યુકેશનલ ચેરિટી સટન ટ્રસ્ટ દ્વારા પ્રસિદ્ધ આ સર્વેમાં માત્ર નિરાશા વ્યક્ત થઈ નથી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સથી આખી નોકરીઓ નહિ ગુમાવાય પરંતુ, વ્યક્તિગત કાર્યોમાં ઓટોમેશન આવશે. ટેકનોલોજિકલ પ્રગતિના કારણે નવી નોકરીઓ પણ સર્જાશે. ઉત્પાદકતામાં વધારો થવાથી ભાવમાં ઘટાડો થશે જેના પરિણામે, ગ્રાહકો હાથ પર વધેલી રકમ અર્થતંત્રના અન્ય ક્ષેત્રોમાં વાપરશે. સટન ટ્રસ્ટ એમ પણ કહે છે કે સામાજિક ગતિશીલતામાં વધારો થવા સાથે યુકેમાં નોકરીઓ અને લોકો વચ્ચે મેચિંગ સારું રહેશે અને યુકેના જીડીપીમાં બે ટકા (આશરે ૩૯ બિલિયન પાઉન્ડ) જેટલી વૃદ્ધિ થઈ શકે છે.


