રોયલ કોલેજ ઓફ સર્જન્સ ખાતે મહર્ષિ સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ

Wednesday 24th June 2026 07:34 EDT
 
 

એડિનબરાઃ ભારતીય ચિકિત્સાની ધરોહરના સન્માનરુપે સ્કોટલેન્ડના એડિનબરાની રોયલ કોલેજ ઓફ સર્જન્સના પ્લેફેર ઓડિટોરિયમ ખાતે ઈતિહાસમાં સૌથી પ્રાચીન ચિકિત્સકોમાં એક અને આધુનિક પ્લાસ્ટિક સર્જરીના પ્રણેતા મહર્ષિ સુશ્રુતની પ્રતિમાનું અનાવરણ શુક્રવાર, 19 જૂન 2026ના રોજ કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતવંશી તેલુગુ સર્જન પ્રોફેસર ચંદ્રા ચેરુવુની પહેલ થકી આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

સ્કોટલેન્ડમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રતિમાના અનાવરણની જાહેરાત કરાઈ હતી. આ ઈવેન્ટને ભારતના પ્રાચીન તબીબી વારસા તેમજ મેડિસીન અને સર્જરીના ક્ષેત્રમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે દીર્ઘકાલીન સંપર્કોની ઉજવણી તરીકે ગણાવવામાં આવ્યો હતો. આ સમારંભમાં ભારત અને યુનાઈટેડ કિંગ્ડમના મેડિકલ પ્રોફેશનલ્સ, એકેડેમિક્સ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય કોન્સ્યુલેટ દ્વારા સમગ્ર વિશ્વમાં સર્જિકલ એજ્યુકેશનના ક્ષેત્રે રોયલ કોલેજ ઓફ સર્જન્સની ભૂમિકાને બિરદાવાઈ હતી. વિશ્વની સૌથી જુની અને મોટી સર્જિકલ સંસ્થા રોયલ કોલેજ ઓફ સર્જન્સની સ્થાપના 1505માં થઈ હતી અને વિશ્વના 140થી વધુ દેશમાં તેના સભ્યોની સંખ્યા 33,000થી વધુ છે.

સર્જરી- શલ્ય ચિકિત્સાના જનક તરીકે પ્રખ્યાત મહર્ષિ સુશ્રુતની 90 કિલોગ્રામની કાંસ્યપ્રતિમાનું દાન પ્રોફેસર ચંદ્રા ચેરુવુ અને તેમના પરિવાર દ્વારા સ્થાપિત ‘ચેરુવુ ફેમિલી ફાઉન્ડેશન’ દ્વારા કરાયું હતું અને પ્રતિમાનું નિર્માણ તામિલનાડુના તિરુવન્નામલાઈના શિલ્પી દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રોફેસર ચેરુવુ દ્વારા લિખિત પુસ્તક ‘મહર્ષિ સુશ્રુતઃ એ કોમ્પેડિયમ-ફાધર ઓફ સર્જરી’નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં મહર્ષિ સુશ્રુત દ્વારા રચાયેલા નૈતિક માપદંડો, જનરલ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપીડિક્સ, ગાયનેકોલોજી, ટોક્સિકોલોજી અને યુરોલોજી સહિતની તબીબી શાખાઓના વ્યવસ્થાપન સંદર્ભે પુરાવાઓ રજૂ કરાયા છે. વિશ્વમાં સર્જરી વિશે સૌથી પ્રાચીન ગ્રંથ ‘સુશ્રુત સંહિતા’ના લેખક મહર્ષિ સુશ્રુતે આશરે 2600 વર્ષ પહેલા વિવિધ પ્રકારની 300થી વધુ સર્જરી કરી હતી તેમજ 124 વિશિષ્ટ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સની શોધ કરી હતી.

પ્રતિમાના અનાવરણના ઈવેન્ટમાં પ્રોફેસર ચેરુવુ અને પરિવાર ઉપરાંત, એડિનબરામાં ભારતના કોન્સલ જનરલ સિદ્ધાર્થ મલિક,એડિનબરાની રોયલ કોલેજ ઓફ સર્જન્સના પ્રેસિડેન્ટ પ્રોફેસર ક્લેર મેક્નોટ, પૂર્વ પ્રેસિડેન્ટ પ્રોફેસર રોવાન પાર્ક્સ, કેલિફોર્નિયા કોલેજ ઓફ આયુર્વેદના સ્થાપક માર્ક હાલપર્ન તેમજ યુએસએ, યુકે અને ભારતથી ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter