લંડનઃ યુકેની ૧૦૦ સૌથી વગદાર અને પ્રેરણાદાયી મહિલા એન્ટ્રેપ્રીન્યોર્સમાં હેરોના નોટિંગ હિલ ગેટ ઓપ્ટિશિયન્સની માલિક રોશની દલિઆએ સ્થાન હાંસલ કર્યું છે. ૨૭ વર્ષની રોશની દલિઆ ૨૦૧૮થી નોટિંગ હિલ ગેટ ઓપ્ટિશિયન્સની માલિક છે અને તેમની કામગીરીને સ્મોલ બિઝનેસ બ્રિટનના ‘f-Entrepreneur ‘#ialso100’ કેમ્પેઈન દ્વારા બિરદાવાઈ છે.
રોશની દલિઆએ ૨૦૧૨માં ઓપ્ટોમેટ્રિસ્ટનું ક્વોલિફિકેશન મેળવ્યાં પછી અગ્રણી બ્રાન્ડ્સ અને સ્વતંત્ર બિઝનેસીસ માટે રેસિડેન્ટ અને અવેજી ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમનું સ્વપ્ન એક દિવસ પોતાનું સ્વતંત્ર ઓપ્ટિશિયન્સ ખોલવાનું હતું. જોકે, બિઝનેસ ચલાવવાનો કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોવાના કારણે ઘણા પડકારોમાંથી પાર ઉતરવાનું થશે તે તેઓ જાણતાં હતાં. મજબૂત કાર્યનીતિ, મક્કમ નિર્ધાર અને શિસ્તના પરિણામે તેઓ પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસના માલિક બની શક્યાં છે.
‘#ialso100’ માં સ્થાન મેળવવા બાબતે રોશનીએ જણાવ્યું હતું કે,‘ કોરોના વાઈરસ મહામારીએ બિઝનેસ વિશ્વમાં અભુતપૂર્વ અચોક્કસતા સર્જી છે અને ઘણા નાના બિઝનેસીસ પર ગંભીર અસરો થવાનું ચાલું છે તેવા માહોલમાં ટોચની ફીમેલ એન્ટ્રેપ્રીન્યોર્સમાં એક તરીકે ગણાવાયા બદલ હું સન્માનની લાગણી અનુભવું છું.’ તેમણે ઉમેર્યું હતું કે ‘આવી ગણનાપાત્ર અને પ્રેરણાદાયી સ્ત્રીઓની સાથે કદર થવાનું વિશેષ મહત્ત્વ છે. હું આ પ્લેટફોર્મનો ઉપયોગ યુવાન સ્ત્રીઓ પોતાનાં સ્વપ્ના સાકાર કરવા આગળ વધે, સખત મહેનત અને મક્કમ નિર્ધાર થકી ગમે તેટલું અશક્ય હોય તેવું કશું પણ હાંસલ કરી શકાય છે તેની પ્રેરણા આપવા માટે કરવાની આશા રાખું છું.’
. ‘f-Entrepreneur ‘#ialso100’ કેમ્પેઈન નાના બિઝનેસીસ ચલાવવાની સાથોસાથ વોલન્ટીઅરીંગ,મેન્ટરિંગ અને કોમ્યુનિટી સપોર્ટ જેવી અન્ય જવાબદારીનું વહન કરતી મહિલા એન્ટ્રેપ્રીન્યોર્સને દર્શાવવાનું ધ્યેય રાખે છે. સ્મોલ બિઝનેસ બ્રિટનની સ્થાપના કરનારા મિશેલ ઓવેન્સે આ વર્ષના ‘#ialso100’માં સામેલ થવા પસંદ કરાયેલી તમામ પ્રેરણાદાયી મહિલાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ગત વર્ષે નોંધપાત્ર અવરોધો આવવાં છતાં મહિલા એન્ટ્રેપ્રીન્યોરશીપની વૃદ્ધિ અને સફળતા ચાલુ રહી છે.